શહેરોથી ઠીક ‘સાહેબ’ હવે તો ગામડાંઓ પણ તોબા પોકારે છે કે ‘જીવી જવાય તો ય ઘણું’…! – Gujaratmitra Daily Newspaper

Comments

શહેરોથી ઠીક ‘સાહેબ’ હવે તો ગામડાંઓ પણ તોબા પોકારે છે કે ‘જીવી જવાય તો ય ઘણું’…!

કોરોના શરૂ થયો ત્યારથી કોરોના દર્દીઓના આંકડા અંગે જુગારમાં ચાલે એ રમત કરતાં પણ ખતરનાક વળાંકો આવી રહ્યા છે. છાપાંઓ અને મીડિયાના અન્ય સ્રોત કોરોનાની ભયાનકતા દર્શાવવા જે આંકડા બતાવે છે એને સરકાર અને સરકારી આંકડા ખોટા ઠેરવે છે. આંકડાની આ લડાઈમાં માણસ જાણે એક આંકડાનો નંબર બનીને રહી ગયો હોય એવું લાગે છે. જેમ વરલી મટકાના જુગારમાં આંકડા ખુલતા હતા એમ આજ કાલ કોરોનાના મોતના આંકડા ખુલે છે. વરલી મટકામાં જેનો નંબર લાગે એ નસીબવાળો ગણાતો હતો. આજે ક્યાંક એવી જ રીતે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાત જો સરકાર સ્વીકારે તો પરિવાર જનો પોતાને સતભાગી માને છે.

શહેરમાં ખાસ કરીને ગુજરાતનાં શહેરોમાં તો સ્થિતિ હજી સારી છે. ગામડાંઓમાં તો જાણે મોત સાક્ષાત્ તાંડવ કરી રહ્યું હોય એવું લાગે છે. હા, સરકાર દાવાઓ અનેક કરી રહી છે, પણ સુવિધાઓ ગામડાંમાં કોને કેટલી મળે છે અને કેટલી મળી રહી છે એ તો જાત તપાસ કરો અથવા તમારા ગામડાંમાં રહેતાં પરિજનોને પૂછો તો ખ્યાલ આવશે, બાકી સરકાર તો ત્યાંય સ્વીકારવા તૈયાર નહિ થાય કે ગામડાંઓમાં સ્થિતિ શહેરો કરતાં પણ વધારે ખરાબ છે.મોટા સરકારી દાવાઓ સામે આ ગામડાંની જમીની હકીકત એ છે કે અનેક ગામડાંમાં હાલમાં ટેસ્ટિંગ અને સારવાર માટે કોઈ જ સગવડ નથી.ઓક્સિજન બેડની બહુ જ કમી છે, તેવામાં બાઇપેપ મશીન કે વૅન્ટિલેટરની તો વાત જ ન થઈ શકે.

ગુજરાતનાં શહેરો બાદ હવે ગામડાંની પરિસ્થિતિ કોવિદને કારણે વધુ ને વધુ ખરાબ થતી જઈ રહી છે.દયનીય બનતી જઈ રહી છે. લોકોને યોગ્ય ટેસ્ટિંગ, સારવાર કે પછી ઓક્સિજન અને વૅન્ટિલેટર વગેરેની સગવડ મળતી નથી.મોટા ભાગનાં ગામડાંમાં લોકો કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યની સુવિધા વગર ઘરે જ મૃત્યુ પામી રહ્યાં છે. પુરાવા વગર કદાચ કોઈ માનવા તૈયાર ન થાય તો કેટલાક પુરાવાની વાત કરીએ.ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડાસણ ગામની વાત કરીએ તો અહીં એપ્રિલ મહિનામાં 20 થી વધુ લોકોનાં મૃત્યુ થયાં પરંતુ અહીં લોકોને કોઈ સારવાર મળતી નથી અને મોટા ભાગનાં લોકો ‘ઘરે જ તાવથી મૃત્યુ થઈ ગયું છે’, તેવું માને છે.અહીં ગામમાં આરોગ્યની કોઈ જ સુવિધા નથી. લોકો દવાખાના સુધી જાય છે, પરંતુ તેમને ત્યાં કોઈ જ સગવડ મળતી નથી, સરવાળે તેઓ ઘરે જ મૃત્યુ પામી રહ્યાં છે.કોરોનામાં સિટી સ્કેન મહત્ત્વનું માનવામાં આવે છે.

ગુજરાતનાં મોટા ભાગનાં ગામડાંઓમાં આજે સ્થિતિ એવી છે કે સિટી સ્કેન કરાવવા માટે ઘણા દિવસોની રાહ જોયા બાદ ઘણા કિલોમીટરનું અંતર કાપીને આસપાસનાં મોટાં શહેરોમાં જવું પડે છે.ત્યાં લાઈન લગાવવી પડે છે. લાઈનમાં એમનો નંબર આવે, રિપોર્ટ આવે, ત્યાં સુધી તો સ્થિતિ એટલી બગડી ગઈ હોય છે કે પછી એમને ભગવાન પણ બચાવી નથી શકતા. ગુજરાત સરકારે ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ તો કર્યું છે, પરંતુ માળખાકીય સુવિધાઓના અભાવે આ અભિયાન ગ્રામ્ય સ્તરે કેટલું સફળ થશે એની સામે અનેક પ્રશ્નો છે.મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનની જાહેરાત પહેલી મે ના રોજ કરી હતી, પરંતુ તેવી કોઈ સ્પષ્ટતા નહોતી કરી કે તે માટે રાજ્ય સરકાર શું મદદ કરશે, કેટલો ઓક્સિજન આપશે, ખાટલા કે મેડિકલ સ્ટાફ કેવી રીતે પહોંચાડશે.આવી અસ્પષ્ટ જાહેરાતને કારણે ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ જેવાં અભિયાન આ કોવિદના સમયમાં લોકોની તકલીફો ઓછી કરવાને બદલે વધારી દેશે, તેવું હાલની સ્થિતિ અને સંજોગો જોતાં તો લાગે જ છે.

સરકારે અને બીજા કહેવાતા કેટલાક નેતાઓએ ગામડામાં કહેવાતા કોવીદ કેર સેન્ટરો તો ઊભાં કરી દીધાં, પણ કેટલાક કિસ્સામાં આપણે જોયું અને મીડિયામાં આવેલા અહેવાલોને આધારે દેખાયું કે ઠેકઠેકાણે મંત્રીઓ અને નેતાઓએ કરેલા કોવિદ સેન્ટરના ઉદ્દઘાટન પછી ન તો કોવીદ સેન્ટર ચાલુ થયું કે ન તો ત્યાં દર્દીઓ દેખાયાં. કેટલાક લોકોને મારી વાત કે લખાણ ઉપર વિશ્વાસ ન આવતો હોય તો એમણે ગામડાંમાં આવેલા સરકારી દવાખાનાં કે કોવિદ સેન્ટરમાં જાત તપાસ કરવી કે કેટલાં વૅન્ટિલેટર ઉપલબ્ધ છે.કેટલાં બાઇપેપ વૅન્ટિલેટર છે. ઓક્સિજનની શું વ્યવસ્થા છે? કેટલાં ગામોમાં પાયાની પ્રાથમિક સુવિધાઓ છે. કેટલાં ગામડાંઓમાં અને પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં કેટલો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે? આ બધી જ શોધ અને પ્રશ્નોના જવાબ કદાચ નકારમાં જ મળશે અને આ નકાર જવાબનું પરિણામ એ આવે છે સારવાર અને યોગ્ય સુવિધાઓને અભાવે ગામડાંમાં લોકો ઘરે જ પોતાને યોગ્ય લાગે એવી રીતે કોરોના સામે જંગ લડે છે. જીવ્યા તો જીવ્યા, નહિ તો હરિ હરિ.સરકારશ્રીને અંતે એટલી વિનંતી કે શહેરોમાં ધ્યાન આપો છો એના કરતાં ગામડાંઓમાં વધારે ધ્યાન આપો તો સારું..!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top