Columns

જીવનમાં ઊડવુ હોય તો, ઊડતાં શીખવું પડે!

એક નાનકડું પંખી ચીકણી માટીના કાદવમાં પડ્યું.ઉપર સૂરજનો તાપ હતો, પણ તાપ વચ્ચે આ ચીકણી ભીની માટીનો સ્પર્શ તેને ઠંડક આપવા લાગ્યો એટલે તે કાદવ વચ્ચે પડ્યું રહીને ઠંડકનો આનંદ લેવા લાગ્યું.બહાર નીકળવાના કોઈ પ્રયત્ન કરતું ન હતું. આરામથી ઠંડકમાં બેઠું હતું.
ત્યાં ઉપરથી એક પંખી ઊડતાં ઊડતાં પસાર થયું.નાનકડા પંખીએ એને પૂછ્યું, ‘તું આ શું કરે છે?’ પંખી બોલ્યું, ‘મોજથી અહીંથી તહીં ઊડું છું અને આનંદ કરું છું.’

નાનકડા પંખીને પણ ઊડવાનું મન થયું. તેણે પેલા પંખીને કહ્યું, ‘મને પણ ઊડતાં શીખવ ને….’ પંખીએ કહ્યું, ‘હા ચલ, તૈયાર થઇ જા અને પાંખો ફફડાવ…’ નાનકડું પંખી બોલ્યું, ‘પણ મને અહીં ઠંડકમાં ગમે છે, બહાર નથી આવવું..’ પંખી બોલ્યું, ‘તું કાદવમાંથી બહાર આવીશ તો જ હું તને ઊડતાં શીખવી શકીશ.’ નાનકડું પંખી બોલ્યું, ‘હું અહીંથી જ જોઉં છું તું મને ઊડતાં શીખવ.અહીં જ પડ્યા પડ્યા નહિ ઊડી શકાય?’

ઊડતું પંખી તેની વાત અને નાસમજ પર હસવા લાગ્યું અને બોલ્યું, ‘તારી નાસમજ પર હસવું આવે છે. એક બાજુ તારે ઊડવું છે અને બીજી બાજુ કાદવમાંથી બહાર નથી આવવું.એક બાજુ શીતળતા અને ઠંડક છોડવી નથી અને બીજી બાજુ સૂર્યનો તાપ અને સાન્નિધ્ય ગમતું નથી. આમ કઈ રીતે ઊડતાં શીખી શકાશે.’

નાનકડા પંખીએ કહ્યું, ‘પણ તું મને શીખવ; હું અહીંથી શીખીશ’ પંખી બોલ્યું, ‘ના, તે શક્ય જ નથી. કાદવ અને ઉડ્ડયનનો કોઈ મેળ નથી.એમ ઊડતાં શીખી ન શકાય.’ નાનકડા પંખીએ ધીમેથી પૂછ્યું, ‘હું બહાર આવું તો શીખી શકાય?’ પંખીએ કહ્યું, ‘હા, તો જરૂર શીખી શકાય.’ નાનકડું પંખી બોલ્યું, ‘પણ આ મારી ઠંડક મરી જાય ને?’ પંખીએ કહ્યું, ‘તું સમજ, આ ઠંડક તારી નથી, ચીકણી માટીની છે અને તે પણ થોડા સમય માટે…આ ભીની માટી તારી પાંખો પર લાગેલી છે એટલે તને ઠંડકનો અનુભવ થાય છે; પણ થોડા વખતમાં આ પાંખો પરની ઠંડક સુકાઈને કડક થઈ જશે અને કડક માટીના ભાર હેઠળ તારી કુમળી પાંખોને કાયમી નુકસાન થશે પછી તું કયારેય નહિ ઊડી શકે.’

નાનકડું પંખી બોલ્યું, ‘તો હું શું કરું?’ પંખીએ કહ્યું, ‘કાદવની બહાર આવ, પાંખો ધોઈ નાખ, પાંખો સૂર્યપ્રકાશમાં ફફડાવી સુકાવ અને ઊડવાનું શીખવા માંડ..’ નાનકડું પંખી કચવાટ સાથે બોલ્યું, ‘આ ઠંડક …’ પંખીએ કહ્યું, ‘કાં તો ઠંડક ભૂલ કાં તો ઊડવાનું ભૂલી જા ..’ નાનકડું પંખી બહાર આવી ઊડવાનું શીખવા લાગ્યું.આપણે માણસો આ નાનકડા પંખી જેવાં છીએ. બનાવટી આભાસી સુખ હેઠળ આપણે આરામ અને શીતળતા અનુભવીએ છીએ.જીવનમાં સત્ય, મહેનતના સૂર્યપ્રકાશ તરફ ઊડતાં નથી અને બેસી રહીને આપણી પાંખોને પથ્થર બનાવી દઇએ છીએ.પરિશ્રમથી દૂર ભાગવાથી સતત આરામ કરવાથી આવડત અને ઉત્સાહ મરી જાય છે.પછી પ્રગતિના આકાશમાં ઊડી શકાતું નથી.

આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top