એક નાનકડી છોકરી પાર્કમાં નાનકડા પતંગિયાની જેમ આમતેમ દોડી રહી હતી અને પોતાની મસ્તીમાં મસ્ત થઈને રમી રહી હતી. ઊતરતી સાંજ હતી એટલે થોડો થોડો તડકો પણ હતો અને ઠંડો પવન પણ વાતો હતો અને છોકરી પાર્કમાં હાથ ફેરવી ગોળ ગોળ ફરતી હતી. આમથી આમ દોડતી હતી.ફરફરતી હવા સાથે તેના વાળ ફરફર ઊડતા હતા અને તે ગોળ ગોળ ફરતા ફરતા ઉપર સૂરજ તરફ જોતી,હસતી અને ફરી પાછી રમવા લાગતી. દૂર બેઠેલી મમ્મી તેને જોઈ રહી હતી.થોડી વાર પછી તેની મમ્મી તેની પાસે ગઈ અને કહ્યું, ‘ શું કરે છે દીકરા? કાયરની જેમ આમથી તેમ દોડે છે.ગોળ ગોળ ફરે છે. વળી ઉપર આકાશ તરફ જોઇને હસે છે.ચલ જરા બેસ.
પાણી પી લે અને નાસ્તો કરી લે.’ નાનકડી રિયા દોડીને મમ્મી પાસે ગઈ. તેને જોરથી ભેટી પડી અને પછી મમ્મીની આજુબાજુ ગોળ ગોળ ફરતાં બોલી, ‘ મમ્મી, આજે બહુ ખુશ છું.’ એકદમ મોટા સ્માઈલ સાથે ફરી બોલી , ‘મમ્મી હું બહુ ખુશ છું.’ મમ્મીએ કહ્યું, ‘દીકરા, આ ગાર્ડનમાં તું રોજ રમવા આવે છે તો પછી કેમ આજે એવું તે શું ખાસ છે કે તું બહુ ખુશ છે?” નાનકડી છોકરી વિચારમાં પડી ગઈ. બે મિનિટ વિચારીને પછી બોલી, ‘ એ મને ખબર નથી.કોઈ કારણ નથી પણ બસ હું ખુશ છું. મને હું બહુ જ ખુશ છું એવી મારી અંદરથી લાગણી થાય છે અને આ લાગણી મને બહુ ગમે છે.મને ખુશ રહેવું ગમે છે.’
મમ્મી અને નાનકડી દીકરી રિયાની વાતોમાં ઘણી મોટી ખુશીનો ખજાનો સમાયેલો છે કે આપણે નાની નાની વાતોમાં ખુશ રહી શકીએ છીએ. નાની નાની વસ્તુઓમાં નાની-નાની પળોમાં ખુશી શોધી શકીએ છીએ અને એથી આગળ વધીને કોઈ વાત , કોઈ વસ્તુ ,કોઈ ખુશીની પળ ન હોય છતાં પણ બસ આપણે ખુશ રહેવું હોય તો આપણે ખુશ રહી શકીએ છીએ. આપણે સામેથી ખુશીને બોલાવીએ તો ખુશી આપણી પાસે આવે જ છે. ખુશ રહેવું છે તો બસ અંદરથી ખુશી જગાવો અને ખુશ રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
