ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ત્રણ મુખ્ય મુદ્દાઓ હતાં.. કોમન સિવિલ કોડ, રામ મંદિર અને 370 કલમની નાબુદી. એમાંથી બે પૂરા થયાં. પણ અગ્રતા ક્રમે મૂકી શકાય એ હતું કોમન સિવિલ કોડ. ભાજપ શાસિત રાજ્ય ઉત્તરાખંડમાં યુસીસીને અમલમાં છે, પરંતુ ઉત્તરાખંડમાં આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે. આવી રીતે ‘એકને ગોળ અને બીજાને ખોળ’ની નીતિને કારણે ક્યારેય કાયદાનું સંપૂર્ણ અને સજ્જડ રીતે અમલીકરણ થઈ શકતું નથી. જ્યાં સુધી દેશમાં તમામ નાગરિકો પર એક સમાન કાયદો લાગુ પડતો નહીં હોય ત્યાં સુધી જે તે કાયદો ફળદાયી નીવડતો નથી. ગોવામાં 1962થી સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલમાં છે.
ગુજરાતમાં હવે યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટેની તજવીજ હાથ ધરાઈ છે. જેના માટે પાંચ મહાનુભાવોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં હિન્દુ ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી એ નોંધનીય મુદ્દો છે. દેશનું બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણ સભામાં પણ કોમન સિવિલ કોડ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી, પરંતુ દેશમાં વસતા વિવિધ ધર્મ અને સંપ્રદાયના લોકોને ધ્યાનમાં રાખી સૌ નાગરિકોને પોતાનો ધર્મ પાળવાની અને એ રીતે જીવવાની બંધારણીય છૂટ મળી હતી. આજે આટલા વર્ષો પછી એ છૂટ શૂળ બનીને ઉભી છે. કોમન સિવિલ કોડના થોડાક જ મુદ્દાઓ એવા છે કે જે સમજાવટથી સૌ નાગરિકોને ‘યુનિફોર્મ સિવિલ કોડ’ના કાયદા હેઠળ લાવી શકાય એમ છે, પરંતુ ભાજપ ઠોકી બેસાડવાની નીતિ અને શૈલીને કારણે લોકો ભડકે છે અને એક સારા કાયદાને અમલમાં લાવી શકાતો નથી.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
