સંયુક્ત કુટુંબો હવે તૂટતાં જાય છે અને આજકાલની યુવા પેઢીને પરિવારથી અલગ રહેવાનો અભરખો જાગ્યો છે, પરંતુ કુટુંબથી અલગ રહેવામાં વિવિધ મુશ્કેલીઓ આવતી હોય છે. આજની મોંઘવારીમાં પૂરતી આવક કે સારો પગાર ન હોય તો ઘરનું તંત્ર ચલાવવાની મુસીબત ઊભી થાય છે. અલગ રહેતો યુવાન શરૂઆતમાં ભાડાના ઘરમાં રહેવા લાગે છે. પરંતુ પોતાનું ઘર બનાવવાની તમન્ના જાગે એટલે અનેક મુશ્કેલીઓ વેઠીને છેવટે બેન્કમાંથી લોન લઈને પણ ઘર બાંધે છે અને પોતાનો ઘર સંસાર માંડે છે અને જ્યારે દીકરો-દીકરી ઉંમરલાયક થાય એટલે તેનાં લગ્ન લેવાં પડે છે.
પુત્ર તો ભણેલો ગણેલો હોય એટલે સામેથી માંગાં આવતાં હોય છે. જ્યારે પુત્રીના લગ્ન માટે મુરતિયો (વર) શોધવો પડે છે. પુત્રીના લગ્નના લેખ વિધાતાએ લખેલા જ હોય છે. જે યુવાન સાથે લગ્ન નક્કી થાય આ બધું નિમિત્તે જ હોય છે. ઘણી વાર પુત્રી માટે વર શોધવા માટે બાપના બુટ-ચંપલનાં તળિયાં ઘસાઈ જતાં હોય છે. આથી ગામડાંમાં ગામઠી ભાષામાં કહેવત છે. ‘‘ઘર માંડી જો, વર શોધી તો જો’’આ બધી કહેવતો અનુભવના નિચોડથી પડેલી હોય છે જે યુવા પેઢીએ સમજવું જોઈએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
