હમણાં એક કાર્યક્રમમાં “વિકસિત ભારત યુવાનેતા” પરિસંવાદને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યુવાનોની તાકાત ભારતને એક વિકસિત દેશ બનાવશે. બેરોજગારી ચરમસીમાએ છે, એટલે જ એ લોકો વડા તળવાને પણ “રોજગાર” સમજે છે. ખરા અર્થમાં રોજગારી તો એને કહેવાય કે લાયક હાથમાં યોગ્ય કામ! વિનોબા ભાવે કહેતા કે, “મણભરની ચર્ચા કરતાં કણભરનું આચરણ વધુ સારું.” ભારતની ૬૫ ટકા વસ્તી અત્યારે યુવાધન ગણાય છે. એ સાચું કે આ 65 ટકા યુવા ધનને દેશમાં જ એમની યોગ્યતા પ્રમાણે કામ મળી રહે તો ભારત દેશ અવશ્ય વિકસિત રાષ્ટ્ર બની શકે એમ છે, પણ દેશની વર્તમાન પરિસ્થિતિ કંઈક જુદું જ બયાન કરે છે. દેશનું બહુધા યુવાધન પરદેશ તરફ ખેંચાઈ રહ્યું છે. આ બ્રેઈન ડ્રેઈનને અટકાવવા માટેના સરકારના કોઈ પ્રયાસ દેખાઈ રહ્યા નથી.
ભાષણોમાં વિકસિત દેશનું ગુલાબી ચિત્ર દોરવાથી વિકસિત રાષ્ટ્ર બની જતું નથી. દુનિયામાં વિશ્વગુરુનો ડંકો વાગે છે એવી ગુલબાંગો વચ્ચે આપણા દેશ કરતાં નાના દેશ તરફ આપણું યુવાધન પલાયન થઈ રહ્યું છે એને અટકાવવા માટે આપણી સરકાર કેમ કોઈ નક્કર પગલાં ભરતી નથી? દેશમાં ખરેખર જો “અચ્છે દિન” ચાલી રહ્યા હોય તો છેલ્લાં થોડાંક વર્ષોમાં લાખો લોકોએ ભારતીય નાગરિકત્વ છોડીને વિદેશોમાં કેમ સેટલ થઈ ગયાં છે? વિદેશોમાં બેઠેલાંને ભારતમાં અચ્છે દિન દેખાઈ રહ્યાં હોય તો શા માટે તેઓ ભારત પરત આવીને દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી નથી રહ્યાં? ભાષણોમાં યુવાધનની ખેવના કરનાર સરકાર અત્યારે દેશમાં યુવાનો ટપોટપ મૃત્યુ પામી રહ્યાં છે, એની પાછળ કયાં કારણો છે? એની જાંચ પડતાલ કેમ સરકાર કરતી નથી?
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કોઈ તો રખડતાં કૂતરાંઓથી બચાવો
‘ગુજરાતમિત્ર’માં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, જેમાં ઘર પાસે રમતા 9 વર્ષના બાળકને શેરી કૂતરાએ બાળકના હાથ, ગળા અને પીઠ પર બચકાં ભર્યાં. બીજો કિસ્સો કૂતરાની બાબતે તલવાર ખેંચાય નો કિસ્સો સુરતના પાંડેસરામાં બન્યો. પોલીસ ખાતું દારૂબંધીનો અમલ કરાવી શકતું નથી તેમ સુરત મહાનગરપાલિકા રખડતાં ઢોરો અને કૂતરાથી મુક્ત શહેરને કરી શકતા નથી! સુરતનું મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો, બિન સરકારી સંસ્થાઓ રખડતાં ઢોર અને કૂતરાંઓની સમસ્યાને કેમ પેચીદી બનાવી રહ્યું છે? શેરી અને સોસાયટીમાં બાળકોને રમવા મોકલી આપતાં પહેલાં ઘરની નજીક કૂતરો તો નથી ને, તે જોતાં રહેવું પડે છે. ખસીકરણથી સમસ્યા હલ ન થાય તો તેને બંધ કરી રખડતાં ઢોર અને કૂતરાંને શહેરમાંથી પલાયન કરાવો અને ભાવિ પેઢી, કરદાતાઓ, મતદાતાઓને કૂતરાંઓથી મુક્ત કરો. બધી જ વાતમાં નંબર વન બનતાં સુરતમાં એક ઓવરબ્રિજ ઓછો બનાવો પણ સ્ટ્રીટ ડોગ ફ્રી સુરત બનાવો.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)