Business

અંબાલાલ પુરાણીનું ‘કલામંદિરે’ વાંચશો તો અનેક ઘંટડીઓ રણકશે

વિત્યાં થોડાં વર્ષોની વાત જુદી, બાકી આપણે ત્યાં કળાવિષયક લખાણો મર્યાદિત રીતે જ થયાં છે. રવિશંકર રાવલથી માંડી કંચનલાલ મામાવાળા સુધીના કળામર્મજ્ઞોએ જે લખ્યું તે આપણી ઉપલબ્ધિ છે. ‘કુમાર’ના અંકોમાં ચિત્રકળા, સંગીત, શિલ્પ, સ્થાપત્ય સહિતની કળાઓ વિશે સાતત્યથી લખાયું. હમણાં ચિત્રકાર – અભ્યાસી કનુ પટેલ સંપાદિત ‘કલામંદિરે’ સંપાદન પ્રગટ થયું છે. અંબાલાલ પુરાણી શ્રી અરવિંદના સાધક તરીકે રચાય તે પહેલાં વ્યાયામ પ્રવૃત્તિ અને યોગસાધના માટે પણ તેઓ જાણીતા હતા. પરંતુ ‘કલામંદિરે’ વાંચતા થશે કે આધુનિક ચિત્રકળાની વાત વિશ્વના ચિત્રકારોના કાર્ય અને વિચાર સંદર્ભે કરનારામાં તેઓ પણ એક હતા અને આ જાણવું સ્વયં ચિત્રકળા વિચારનો એક ઇતિહાસ સંદર્ભ રચે છે. ‘કલામંદિરે’ ગ્રંથ કુલ છ ભાગમાં વહેંચાયેલો છે. ‘ભારતીય કલા’ નામના પ્રથમ ભાગમાં જે દસ લેખો છે તેમાં ‘ભારતમાં કલાના આધુનિક યુગ’થી માંડી ‘આર્ય સ્થાપત્ય અને ‘શિલ્પ’, ‘શ્રી અવનિન્દ્રનાથ ટાગોરનો અમદાવાદમાં કલાસંગ્રહ, ‘ડૉ. આનંદકુમાર સ્વામી’ અને ‘કલાનાં ષડ્‌ અંગો’ સહિતનાં લેખો તો ‘એશિયાની કલા’ નામના બીજા ભાગમાં એશિયા, ચીન, ઇરાનની કલા અને જાપાનની લોકકલા અંગે સઘન વાત માંડે છે. ત્રીજા ભાગ પાશ્ચાત્ય આધુનિક કલામાં અભિવ્યકિતની બદલાયેલી શૈલી સાથે આધુનિક કલાની વાત કરે છે. ચોથા ભાગમાં અંબાલાલ પુરાણીએ આપેલાં ત્રણ પ્રવચનો સમાવાયાં છે. પાંચમા ભાગમાં પત્રોસ્વરૂપે કલાવિચાર છે. છઠ્ઠો ભાગ અંબાલાલ પુરાણીનો યોગાભ્યાસ કલા સાથે જોડાય છે અને કલા વિશેના શ્રી અરવિંદના વિચારોનું સંકલન રજૂ કરે છે. પરિશિષ્ટમાં ટાંચણ સ્વરૂપે રસપ્રદ મુદ્દાઓ, ટોઇન્બીનો અભિપ્રાય, પિકાસોની મુલાકાત ઉપરાંત અત્યંત રસપ્રદ વાંચન સ્વરૂપે ‘અંબુભાઇની કલાદૃષ્ટિ’ વિશેનો લેખ છે.

કયારેક સળંગ અભ્યાસ કે કળા ચિંતનરૂપે લખાયેલા લેખોના ગ્રંથથી આ જુદું છે પણ એ જ કારણે અંબુભાઇ પુરાણીના કળાચિંતન અને વિચારનો જે અનુભવ થાય છે તે અભિવ્યકિત વૈવિધ્યને કારણે પણ પ્રસન્નકર છે. સંપાદક કનુ પટેલે વિભાગોમાં વહેંચી એક અભ્યાસનું સ્વરૂપ આપ્યું છે અને તેમાં અંબાલાલ પુરાણી પ્રત્યેનો તેમનો આદર પણ સહજ જ પ્રગટ થઇ આવે છે. પુસ્તકમાં તેમણે જે ‘સંપાદકીય’ લખ્યો છે તેમાં પણ આ લાગણી સ્પષ્ટ છે, ‘જેમ જેમ હું એ પુસ્તકને વાંચતો ગયો તેમ તેમ કલા વિશેના વિચારો અને કલા વિશેનું ચિંતન મને અભિભૂત કરતું રહ્યું.’ આ પુસ્તક ૧૯૬૦ માં પ્રગટ થયેલા પુસ્તકની નવી આવૃત્તિ બનવાના બદલે સંપાદિત સ્વરૂપે પ્રગટ થવાથી જે લાભો થયા છે તેનો અનુભવ કળારસિકો કરશે. સંપાદકે પુસ્તકમાં જરૂરી ચિત્રો અને ફોટોગ્રાફ સમાવી મૂલ્યવર્ધનનું કામ કર્યું છે.

અંબાલાલ પુરાણીનો જન્મ સુરતમાં તા. ૨૬-૫-૧૮૯૪. પ્રાથમિક શિક્ષણ પણ સુરતમાં પણ પછી જામનગર બાદ વડોદરા – મુંબઇ રહી કોલેજ અભ્યાસ કર્યો. તેમના લગ્ન પણ સુરતમાં પણ બીલીમોરા, આણંદમાં કામ અને વ્યાયામ પ્રવૃત્તિ માટે રહ્યા. ૧૯૨૦ થી ભરૂચ ઇંગ્લિશ સ્કૂલમાં અને ૧૯૨૫ પછી આશ્રમવાસી પોંડિચેરી રહ્યા. અલબત્ત પછી પણ પ્રવાસો થતા રહ્યા અને ૧૯૫૩ માં શ્રી અરવિંદના દર્શન અને કાર્ય વિશે પ્રવચનો આપવા પૂર્વ આફ્રિકાના પ્રવાસે ગયેલા. સંપાદક કનુ પટેલે આવી વ્યકિત ચરિત્ર રેખા સંપડાવી અંબુલાલના કળાવિચાર સાથે જે સંદર્ભ રચી આપ્યો છે તે રોમાંચક જણાશે.

‘કલામંદિરે’માં પ્રગટ થતી અંબાલાલ પુરાણીના કળાવિચારની વિશેષતા એ છે કે તેમાં તેમના અભ્યાસ, અધ્યયનસભર નિરીક્ષણો પ્રાપ્ત થવા સાથે કળા પત્રકારત્વ, સ્વયં અભ્યાસ અને પત્રો નિમિત્તે અંગત ભૂમિકાએ કળાચિંતન પ્રગટ થાય છે. તેમનો અભ્યાસ વ્યાપકતા ધરાવે છે. તેઓ જે સમયમાં રહીને લખે – વિચારે છે તેમાં તત્કાલીન સમયમાં કેવીક કળાભિજ્ઞતા હતી તે પણ નોંધે છે. ‘આજે સ્વતંત્ર ભારતમાં ખાસ કરીને કલાના ક્ષેત્રમાં ભારતીય કલા શા માટે હોવી જોઇએ, કલામાં પ્રગતિમાન યુરોપની જોડે અને બને તો યુરોપથી પણ આગળ શા માટે આપણે દોડવું ન જોઇએ એવી માનસિક દશા પ્રવર્તે છે’ એમ કહી લેખ માંડે પછી આગળ જતાં સ્પષ્ટ કરે કે ‘સ્વદેશી યુગ આવ્યો ત્યારે જાગ્રત થયેલી રાજકીય અસ્મિતાએ કલાનો વારસો પણ તપાસ્યો ત્યારે જણાયું કે કલાના ક્ષેત્રમાં હિંદ દેવાળિયો કે દરિદ્ર નથી.’

અને તરત આનંદકુમાર સ્વામી અને ઇ.વી. હાવેલ જેવા ચિત્રકળાના સંશોધનાત્મક અભ્યાસીનાં પુસ્તકો ઉલ્લેખે છે. આ આખો ય લેખ કળા અને તેના વિચાર વિશે ગંભીરતા ન હોવાથી ભારતની કલાને શિક્ષણ અને સમાજમાં પ્રાપ્ત થવું જોઇતું સ્થાન ન મળ્યું તેને તપાસે છે. ‘સૌંદર્ય અને તેનું સર્જન’ લેખમાં તેઓ કહે છે, ‘સૌંદર્ય, પ્રેમ, કલા, ભકિત, અહોભાવ, વિસ્મય વગેરે એવી વસ્તુઓ છે જેની વ્યાખ્યા આપવા છતાં પણ એનું ઘણું સત્ય વ્યાખ્યાની બહાર રહી જ જવાનું એમ મને લાગે છે.’ કળાનું સૌંદર્ય અવ્યાખ્યેય છે અને તેનું રહસ્ય સાચા ગુણગ્રાહી ભાવકથી જ ખૂલે એવા સંકેતો અહીં છે.

આ લેખોમાં કૈલાસ અને ઇલોરાનાં કૈલાસમંદિર વિશેના લેખ જુદા અભ્યાસ સાથે તેના સૌંદર્યની વાત નોખી રીતે આલેખી આપે છે અને હિન્દની સ્થાપત્ય કલાના ઊંચેરા પડાવને નોંધે છે. ‘હિંદની કલાસર્જનની એક પધ્ધતિ લેખ હજુ વિસ્તર્યો હોય તો વધુ સારું એ રીતે તેની માંડણી થઇ છે અને સંદર્ભ સમૃધ્ધિથી મૂળ વિચારને પુષ્ટ – સઘન કરે છે. અંબાલાલ પુરાણી દીર્ઘલેખ કયારેક જ કરે છે પણ તે એવા જરૂર હોય છે કે જે તેમના ચિંતનના ઊંડાણ રજૂ કરે. અહીં બધા જ લેખો વિશે નોંધવાના બદલે એક સમગ્ર વાંચન – પ્રભાવ નોંધો તો સમજાશે કે તેઓ અનેક ભૂમિકા અને પરિપ્રેક્ષ્યથી કળા પદાર્થ, તેના ઇતિહાસ અને વિશ્વ-સંદર્ભને તપાસે છે. તેઓ માત્ર ચિત્રકળા નહીં શિલ્પકળાના ય અભ્યાસી છે અને ‘આર્ય સ્થાપત્ય અને શિલ્પ’ લેખ તેની સઘન પ્રતીતિ કરાવે છે. અવનીન્દ્રનાથ ટાગોર, ડૉ. આનંદકુમાર સ્વામી વિશે વાંચતા તેમનાં કાર્યોનો પરિચય થશે તો નિકોલસ શેરિકે ‘ભારતને અંજલિ’ આપી છે તેમાં તાત્ત્વિક રીતે ભારતીય ચેતનાનાં ઘડનારાં તત્ત્વોનો પ્રસન્નકર અનુભવ બનશે. ‘કલાનાં ષડ અંગો’ કળાના મૂળભૂત તત્ત્વોની વાત કરી તેના સૂક્ષ્મભેદો પરખાવે છે.

આ પુસ્તક કળા વિચારને સમગ્રતાથી પામવા તે સમયે ઉપલબ્ધ જે છે તેના વડે પ્રયત્ન કરે છે અને એ રીતે દરેક ખંડનું આગવું મૂલ્ય છે. ચિત્રકળા અને શિલ્પના અભ્યાસીઓ આ ગ્રંથ વિના રહી ન શકે એવી તેની સમૃધ્ધિ છે. તેમનાં વ્યાખ્યાનો આ ગ્રંથમાં જરા જુદી રીતે વિશેષ બન્યા છે.  વકતા તરીકે તેઓ પ્રૌઢી સાથે જેતે વિષયની વાત કરે છે. આપણે કળા વિશે કઇ રીતે વિચારવું તેનું ય તેઓ માર્ગદર્શન કરે છે. કળા ‘ભારતીય’ કેવી રીતે બને તે વિશે ય રસપ્રદ નિરીક્ષણો અહીં પ્રાપ્ત થશે. ‘કળા અને યોગ’ લેખને પુરાણીના વિશેષ તરીકે જોવો જોઇએ કારણ કે આ બે વાનાં જોડી આપવાનું તેમના વડે જ શકય બને. છેલ્લે સુરેશ જોષી વડે ‘અંબુભાઇની કલાદૃષ્ટિ’ વિશે વાંચી જરૂર થશે કે પુરાણીની કળાને તેઓ કેટલી વિવિધ દૃષ્ટિએ ઓળખે છે ને આલેખે છે. ‘કલામંદિરે’ વાંચવાનો આરંભ તમે સુરેશ જોષીના લેખથી કરો તો અન્ય સામગ્રી વધારે મહત્તાથી પમાશે.

આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરે પ્રકાશિત કર્યું છે. આ અકાદમી ઘણા એવા ગ્રંથો ઉપલબ્ધ કરાવે છે જે લગભગ ભુલાવા આવ્યા હોય. ગુજરાતના વ્યવસાયી પ્રકાશકો વડે જે કયારેય શકય નથી એ કામ અકાદમી કરે છે એ માટે બિરદાવવું જોઇએ. કનુ પટેલ વિત્યાં થોડાં વર્ષથી કળાના અભ્યાસી તરીકે પોતાનો જે પરિચય કરાવી રહ્યા છે તે કળાક્ષેત્ર માટે મહત્ત્વનો છે, અંબાલાલ પુરાણીએ એક વખત આ પુસ્તકની જેવી કલ્પના કરેલી તે તેમને સાકાર કરી દેખાડી છે તેનો આનંદ.

Most Popular

To Top