હાલમાં ગુજરાત સરકારના બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવી તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ ૩ લાખ- 70 હજાર -250 કરોડ. તેના પેટા બજેટમાં માર્ગ અને મકાન વિભાગે નવા પુલો-જુના પુલોના પુન: બાંધકામ મજબુતીકરણ માટે 385 કરોડની જોગવાઈ છે. હવે મુળ વાત પર આવતાં સરકાર ચૂંંટણીના સમયમાં આદિવાસીના સર્વાંગી વિકાસમાં હમો કચાસ રાખીશુ નહિ. આવી લોલીપોપ જેવા વચનો આપવામાં આવે છે.
તેની સામે હાલના એક વિસ્તારની વાત કહું તો નાનાપોઢા દક્ષિણ ગુજરાતના દમણ ડાંગ નદી કિનારે વસેલા આદિવાસી વસતી ધરાવતા કપરાડા તાલુકાના ૧૫થી વધુ ગામો હજુ પાયાની સુવિધાથી વંચિત છે. અહીં પુલના અભાવે 15થી વધુ ગામના વિદ્યાર્થીઓને સામે પાર આવેલી ટૂકવાડાની સરકારી માધ્યમની શાળામાં જવા (સ્કૂલ) માટે બોટમાં બેસીને જવું પડે છે. વિદ્યાર્થીઓ જાતે બોટ ચલાવીને સ્કૂલે જાય છે. હવે સવાલોનો સવાલ એ પેદા થાય કે શું સરકાર કોઈ ગંભીર અકસ્માત પછી જાગશે. મારા જેવા સામાન્ય માણસને કે સામાન્ય પ્રજાને આવી જાણકારી છે. તો સરકાર જાણતી નથી?
સુરત – મહેશ આઈ ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘પરિણામ કે બાદ ચર્ચા’
ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તે અગાઉ માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘પરીક્ષા પે ચર્ચા’કાર્યક્રમનુ આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે. તેનાં થકી વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ પેદા થાય છે, પરીક્ષાનો હાઉ દૂર થાય છે. ઘણા સૂચનો આવકાર્ય હોય છે તે સારી બાબત છે, પરંતુ ‘પરિણામ કે બાદ ચર્ચા’નું પણ આયોજન કરવાની જરૂર છે. વિદ્યાર્થી, મા, બાપની ખરી કસોટી પરિણામ પછી જોવા મળે છે, ખાસ કરીને વંચિત, આદિવાસી, ઓ.બી.સી. અને તમામ વર્ગને યોગ્ય માર્ગદર્શનના અભાવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે.
આ વર્ગના લોકોને જ્ઞાતિના પ્રમાણપત્રો મેળવવામાં સરકાર દ્વારા નક્કી કરેલ પૂરાવા ઉપરાંત પૂરાવા રજૂ કરવાનું આહવાન કરવામાં આવે છે ત્યારે ટાઉટો લાભ મેળવતા હોય છે. એટલે વિદ્યાર્થીને શરૂઆતથી જ સ્કૂલમાંથી જ્ઞાતિ પ્રમાણપત્રો મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તો શુલભ રહે. પરિણામ જાહેર થયા બાદ આ વિષય માટે જ ચોક્કસ વિભાગ શરૂ કરવો જોઈએ કે જેથી તમામ વિગતો એક જ સ્થળેથી મળી શકે. આ માટે લાયઝન અધિકારીની નિમણૂંક કરવી જોઈએ કે જેથી ચોક્કસ માર્ગદર્શન આપી મુંઝવતા અન્ય પ્રશ્નનો ઉકેલ લાવી શકાય, પણ આ માટે પરિણામના 10 દિવસ પહેલા ‘પરિણામ કે બાદ’ની ચર્ચાનુ આયોજન થવુ જોઇએ એવુ નથી લાગતુ?
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.