Business

ડાયમંડ ગ્રેડિંગ સર્ટિફિકેટમાં હવે ગરબડ કરશો તો ભેરવાશો

સુરત: 2 વર્ષ અગાઉ સુરત (Surat) અને મુંબઇની (Mumbai) 13 જેટલી મોટી ડાયમંડ કંપનીઓએ (Diamond) ડાયમંડ ગ્રેડિંગ સર્ટીફિકેટમાં (Grading Certificate) ચેડા કરી હલકી ગુણવત્તાના હીરા ઊંચી કિંમતના દર્શાવી ઓવર વેલ્યુએશનથી (Over Valuation) વેચવાના કૌભાંડમાં (Scam) રેપાપોટ (Rapaport) દ્વારા 13 કંપનીઓને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવી હતી. તે પછી પણ સતત આવા બનાવો બનવાના ચાલુ રહેતા ગ્રાહકોનો વિશ્વાસ નેચરલ ડાયમંડ પર બની રહે તે માટે ખોટા ગ્રેડિંગ સર્ટીફિકેટથી હીરાનું થતુ વેચાણ અટકાવવા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC) 8 એજન્સીઓની ડ્રાફ્ટ કમિટિ બનાવી ડાયમંડ ચાર્ટરને મંજૂરી આપી છે. આ ડ્રાફ્ટ કમિટિમાં ભારત ડાયમંડ બુર્સ, સુરત ડાયમંડ બુર્સ, મુંબઇ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, અમેરિકાની લેબ જીઆઇએ (GIA), આઇજીઆઇ (IGI), એચઆરડી (HRD) એન્ટવર્પ, (Antwerp) જીએસઆઇ (GSI) અને જીઆઇઆઇને (GII) નિયમો લાગુ કરવા માટે સત્તા સોંપવામાં આવી છે.

  • ડાયમંડના ગ્રેડીંગ સર્ટીફિકેટમાં ચેડા કરી ઓવર વેલ્યુએશન કરવાના કિસ્સાઓ બનતા 8 સંસ્થાઓની ડ્રાફ્ટ કમિટિ બનાવવામાં આવી
  • ગ્રેડીંગ સર્ટી સાથે છેડછાડ કરનારા હીરા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની સત્તા કમિટિને સોંપાઇ

જીજેઇપીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સબ્યસાચી રે એ જણાવ્યું હતું કે જયારથી લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં આવવાના શરૂ થયા છે. ત્યારથી કોઇપણ નેચરલ ડાયમંડ ગ્રેડિંગ સર્ટીફિકેટ વિના વેચવામાં આવતુ નથી. 0.30 કેરેટથી ઉપરના બધાજ હીરા માટે ગ્રેડિંગ સર્ટીફિકેટ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. કંપનીઓ જુદી જુદી લેબ પાસે એક જ હીરાના સર્ટીફિકેટ મેળવતી હોય છે. જેમાં કોઇ એક માન્ય રાખતી હોય છે. આવા કિસ્સામાં બાકીના સર્ટીફિકેટ 30 દિવસમાં નષ્ટ કરી દેવાના હોય છે. ડ્રાફ્ટ કમિટિનો અમલ 1 ડિસેમ્બરથી લાગુ થશે. તે પછી જે કોઇ પકડાશે તેની સામે કમિટિ સજાનો નિર્ણય લેશે. ગ્રેડિંગ સર્ટીફિકેટનો ઉપયોગ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે છે. તેમની સાથે છેતરપિંડી કરવાનો નથી.

સુરતની મહિધરપુરા પોલીસે ભેળસેળવાળા હીરા અને બોગસ ગ્રેડિંગ સર્ટીફિકેટ પકડતા હીરા ઉદ્યોગની પોલ ખુલી ગઇ હતી

ચાલુ વર્ષે ઓગસ્ટમાં સુરતની મહિધરપુરા પોલીસે મોટી સંખ્યામાં ડાયમંડ ગ્રેડિંગના ઓવર વેલ્યુએશનવાળા સર્ટીફિકેટ પકડી પાડયા હતા. આ મામલા પછી સુરત ડાયમંડ બુર્સ અને જીજેઇપીસીએ પોલીસને તપાસમાં સહકાર આપવાનું નક્કી કર્યું હતું અને તે મુજબ સહયોગ પણ આપ્યો હતો. જો કે તે કેસમાં જે હીરાના સર્ટીફિકેટ હતા. તેના પ્રમાણ કરતા હીરા ઓછી સંખ્યામા મળી આવ્યા હતા. જેમાં કેટલાક સર્ટીફિકેટ બોગસ હતા અને તેમાં બનાવટી જીઆઇએ રીપોર્ટ નંબર પણ નોંધવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન ખૂબ ઓછી માત્રામાં હીરાનો જથ્થો મળ્યો હતો. તેમાં 10 ટકાથી વધુ હીરા સિન્થેટિક એટલે કે સીવીડી ડાયમંડ હતા. આ કિસ્સાને લીધે સુરતના હીરા ઉદ્યોગના નકારાત્મક તત્ત્વોની પોલ ખુલી ગઇ હતી. અને આ મામલો ઇન્ટરનેશનલ લેવલે ગાજ્યો હતો.

Most Popular

To Top