વલસાડઃ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મિડિયા પર હથિયાર સાથે રીલ બનાવવાનો અનોખો ક્રેઝ ઉભો થયો છે. કેટલાક લોકો વ્યુ વધારવા આવું કરે છે તો કેટલાક લોકો હાક ધાક જમાવવા આવા રીલ બનાવે છે. જોકે, વલસાડ પોલીસ આવા બંને લોકો સામે પગલાં ભરી રહી છે. આ સંદર્ભે વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે, જો રમકડાના હથિયાર સાથે પણ વિડિયો બનાવશો તો પોલીસ કેસ કરતા અચકાશે નહી.
- સોશ્યલ મિડિયા પર હથિયાર સાથે રીલ બનાવી ધાક જમાવનાર સામે પોલીસનું કડક વલણ
સમગ્ર ગુજરાતમાં હથિયાર સાથે રીલ બનાવનાર સામે પગલાં ભરાઇ રહ્યા છે. તેમ છતાં અનેક માથા ભારે તત્વો તલવારથી કેક કાપવી કે રમકડાની બંદુક સાથે રીલ બનાવવાનું ચૂકતા નથી. કેટલાક લોકો માત્ર રમુજ ખાતર અને સોશ્યલ મિડિયા પર વ્યુ વધારવા માટે આવા રીલ બનાવતા હોય છે, પરંતુુ તેમની સામે પણ પોલીસ ફરિયાદ કરતા ખંચકાશે નહી અને તેમની વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને જેલ ભેગા કરી દેશે.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ આવા લોકો સામે અભિયાન ચલાવવા પોલીસ વિભાગને સૂચન કરતા પોલીસ હવે આવા લોકોને શોધી શોધીને જેલમાં પુરશે. ત્યારે જો તમે પણ આ રીતે રીલ બનાવવાનું વિચારતા હોવ તો અટકી જજો નહીતર જેલની હવા ખાવા તૈયાર રહેજો.