Business

બહારગામ જાવ તો તમારા વડીલોને ક્યાં રાખવા તેની ચિંતા છે? ગભરાશો નહીં, આ રહ્યો ઉકેલ

સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબો થવા માંડ્યા બાદ જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે બાળકો અને વડીલોની છે. ઘરમાં કમાનાર દંપતી જ્યારે કમાવા જાય અથવા તો જ્યારે પરિવાર ફરવા જાય અને વડીલોને લઈ જઈ શકાય તેમ નહીં હોય તો સમસ્યા વિકરાળ બને છે. વડીલોની સંભાળ કોણ રાખશે?થી માંડીને તે અચાનક બીમાર પડશે તો શું થશે? તેની ચિંતા કોરી ખાતી હોય છે, પરંતુ સુરત શહેરમાં એવું ઘરડાંઘર બની રહ્યું છે કે જે તમારા પરિવારના વડીલોને રાખશે અને તે પણ એસી રૂમમાં અને સાથે સાથે તબીબો પણ હાજર રહેશે. સુરતમાં આ નવતર પ્રયોગ શરૂ થઈ રહ્યો છે. આ ઘરડાંઘર ચાર્જેબલ જરૂર હશે. પરંતુ તેમાં તમામ સુવિધાઓ હશે. વિદેશમાં રહેતાં સંતાનો તેમજ જેમની તબિયત નાદુરસ્ત રહે છે તેવા વડીલોને આ ઘરડાંઘરમાં મૂકી શકાશે. આમ તો સુરતના અશક્તાશ્રમ ટ્રસ્ટ દ્વારા બે વર્ષ પહેલાં જ આ ઘરડાંઘરની શરૂઆત કરી દેવાનું આયોજન કરાયું હતું, પરંતુ કોરોનાને કારણે તે શરૂ કરાયું નહોતું. ટ્રસ્ટ દ્વારા તેને આશિયાના નામ આપવામાં આવ્યું છે. નજીકના દિવસોમાં આશિયાના ઘરડાંઘરની સાથે સાથે ડે કેરની પણ શરૂઆત કરવામાં આવનાર છે. ડે કેર માટે અઠવાડિયાના બે દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં સવારે સાડા નવ વાગ્યાથી સાંજ સુધી વૃદ્ધોની સારસંભાળ રાખવામાં આવશે. ડે કેરમાં થ્રી સ્ટાર હોટલ જેવી સુવિધા આશિયાના ઘરડાંઘરમાં આપવામાં આવશે. વૃદ્ધો આ સુવિધાથી સજ્જ ચાર્જેબલ ઘરડાંઘર અને ડે કેરમાં સવારના ચા-નાસ્તાથી લઇ બપોરે જમવાનું અને સાંજનો ચા નાસ્તો કરી પરત ઘરે પણ જઇ શકે છે અથવા તો આશિયાનાના એર કન્ડિશન રૂમમાં રોકાઇ પણ શકે છે.

આનંદપ્રમોદનાં સાધનો સાથે આશિયાના ઘરડાંઘરમાં ડોક્ટરની ટીમ પણ રહેશે : હરેશ મહેતા-સેક્રેટરી, અશક્તા આશ્રમ ટ્રસ્ટ
હરેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ઘરડાંઘરમાં વૃદ્ધો બીમાર પડે તો તેમને પરત ઘરે મોકલી આપવામાં આવે છે. પરંતુ આશિયાના ઘરડાંઘરમાં આવું નથી. તમામ પ્રકારની સુવિધા આપતા આશિયાના ઘરડાંઘરમાં મહિને સામાન્ય ચાર્જ રાખવામાં આવ્યો છે. 115 લોકોની કેપેસિટી ધરાવતા આશિયાના ઘરડાંઘરમાં આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ પણ વૃદ્ધો પાસે કરાવવામાં આવશે. પથારીવશ લોકોને પણ તેમનાં સંતાનો ઘરડાંઘરમાં મૂકી શકે છે. તેમની પણ પૂરતી કાળજી રાખવામાં આવશે.

Most Popular

To Top