Columns

ફરી પાછુ મળે તો

સીનીયર સિટીઝન માટેની સંસ્થા‘સેકન્ડ ઇનિંગ’માં કોલેજના યુવાનો એક સરસ નવો કાર્યક્રમ લઈને આવ્યા હતા ‘ફરી જિંદગીને જીવતા શીખીએ’ જેમાં બધાએ સાથે મળીને પોતાની વાતો અને સવાલોના જવાબો કહેવાના હતા. એક અંકલ બોલ્યા, ‘અરે જિંદગીના ૭૦ વર્ષ પસાર થઈ ગયા હવે શું જિંદગી જીવતા શીખવાની, જે બચી છે તે પૂરી કરી નાખવાની’ વોલેન્ટીયર છોકરીએ કહ્યું, ‘અંકલ જિંદગી પસાર નથી કરવાની એને પૂરી થાય ત્યાં સુધી મનથી જીવવાની છે, માણવાની છે.’ ધીમે ધીમે બધા જોડાયા અને સાંજે કાર્યક્રમ શરુ થયો.

બધાએ પોતાની ઓળખાણ આપી અને જીવનની વાતો કહી. પછી સવાલ જવાબ શરુ થયા. પહેલો જ સવાલ હતો કે ‘આ જીંદગીમાં કોઈ એક વસ્તુ તમને ફરી પાછી જીવવા મળે તો તમે કઈ વસ્તુ માંગશો??’ જવાબો શરુ થયા..એક અંકલ બોલ્યા ‘બાળપણ’…બીજાએ કહ્યું ‘ભોળું મન’…ત્રીજા આન્ટીએ જવાબ આપ્યો, ‘મારું જુનું ઘર’…બાજુમાં બેસેલા આન્ટીએ કહ્યું, ‘મારી જૂની બહેનપણી’… પાછળ બેઠેલા અંકલ બોલ્યા, ‘મારા મિત્રો’…એક મસ્તીખોર અંકલ બોલ્યા, ‘કોલેજની મસ્તી’…એક આન્ટી બોલ્યા, ‘મારી શાળા.’…મારું નૃત્ય … ‘મારી કવિતા’….આવા અનેક જવાબ મળ્યા.

બધાના જવાબ કોઈને કોઈ લાગણીથી જોડાયેલા હતા. એક કોલેજીયન યુવાન ઊભો થયો અને બોલ્યો, ‘અંકલ – આન્ટી આ  સવાલ તમને પૂછ્યો અને તેના તમે જે જવાબ આપ્યા તે જવાબો તમારા મનમાં છુપાયેલી તમારી ઈચ્છા કે તમારી પસંદગી દર્શાવે છે. જેને તમે તક મળે ફરી જીવવા માંગો છો. આમ તો જિંદગી કઈ ટાઈમ મશીન નથી કે તેમાં આપણે પાછા જઈને જીવી શકીએ..જીંદગીમાં પાછા વળવું શક્ય નથી પણ હા આનંદથી આગળ વધવું ચોક્કસ શક્ય છે.’ એક આન્ટીએ કહ્યું, ‘મારે મારી બહેનપણીને મળવું છે પણ શું તે શક્ય છે ??’યુવાને કહ્યું, ‘હા, તેમના વિષે તમને જે ખબર હોય બધું અમને જણાવો ચોક્કસ કોશિશ કરશું.’એક અંકલે કહ્યું, ‘મને ગિટાર વગાડવું છે શું હું અત્યારે શીખી શકું?’યુવાને કહ્યું, ‘હા અંકલ તમને મન છે તો ચોક્કસ આવડી જશે ટ્રાઈ તો કરો.’

એક અંકલ બોલ્યા, ‘મને ક્રિકેટ ગમે છે પણ હવે હું થોડો ક્રિકેટર બની શકું??’યુવતીએ હસીને કહ્યું, ‘અંકલ રમી ન શકો પણ ટીવી પર જોઇને આનંદ તો મેળવી શકો ને??’ યુવતી આગળ બોલી, ‘અંકલ આન્ટી , જીવનમાં જે વહી જાય છે તે બધાને તો ફરી પાછુ લાવી શકાતું નથી.આમુક વસ્તુઓ જ્યાંથીછૂટી હતી તેનો ડોર સાંધી ત્યાંથી ફરી શરુ કેવી શક્ય છે. તમારા જીવનમાં એવી વસ્તુઓ શોધો જે તમને આનંદ આપતી હતી અને હજી આપી શકે છે.જે શક્ય ન હોય તેને લગતો કોઈ વિકલ્પ શોધો.મનને ગમતી પ્રવૃત્તિ કરવી ,જોવી…મનને ગમતા લોકો સાથે મળવું અને જ્યાં ફરી જવું કે જે ફરી મેળવવું શક્ય ન હોય તે યાદોને હસીને યાદ કરવી અને હસતા રહેવું અને પ્રવૃત્તિમય રહેવું. તો જિંદગી આજે ..કાલે…આવતી કાલે સતત જીવવા જેવી લાગશે’ યુવાનોએ સરસ રીતે સીનીયર સિટીઝન વડીલોના મનની વાતો જાણી લઈને તેમને જીવન માણવાનો રસ્તો દેખાડ્યો.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top