સાયણ: સાયણ સુગર રોડ ઉપર કારમાં પંચર બનાવતા કારચાલકોને અજાણ્યા ચોરો નિશાન બનાવી રહ્યા છે. ગત તા.૧૧ મી નવેમ્બરના રોજ આ રોડ ઉપર પેટ્રોલપંપની બાજુમાં આવેલી પંચરની દુકાન ઉપર કારમાં પંચર બનાવવા ગયેલા ડો.પરેશ પરમારની કારમાંથી રૂ.૨૫,૦૦૦ રોકડા અને ડોક્યુમેન્ટો સાથેની બેગ ચોરી થઈ હતી. જો કે પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલે તે પહેલાં જ ફરી આ રોડ ઉપર કારમાં પંચર બનાવવા ગયેલા એક રાજસ્થાની દુકાનદારની કારમાંથી રોકડા રૂ.૪.૪૫ લાખ ભરેલ બેગની ચોરી થઈ છે.
સાયણ ટાઉનમાં આદ્યશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને સાયણ સુગર રોડ ઉપર ગાયત્રી ટેક્ષટાઇલ્સમાં મહાદેવ મોબાઇલ નામની દુકાનમાં મોબાઇલ રિપેરિંગ તથા મની ટ્રાન્સફર કરવાનો ધંધો કરતાં મૂળ રાજસ્થાનના રણજીત ભવનલાલ જાટ ગત તા.૨૩/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે દુકાન બંધ કરી કાર નં જીજે ૦૫ આરએકસ ૨૪૯૫ માં જવા ઘરે નીકળ્યા હતા. તે સમયે તેમણે દુકાનમાં રોકડા રૂ.૪.૪૫ લાખ ભરેલી બેગ કારી આગળની સીટ ઉપર મૂકી હતી. ત્યારે કારના ટાયરમાં પંચર જણાતા તે સુગર રોડ ઉપર આવેલી સિલ્વર આર્કેડમાં રિધ્ધી સિધ્ધી નામના ગેરેજમાં પંચર બનાવવા ગયા ત્યારે તેણે કારના દરવાજાનો લોક કર્યો ન હતો. જયારે કારમાં પંચર બની ગયા બાદ તે બેગમાંથી રૂપિયા લેવા ગયો, ત્યારે કારની સીટ પરથી બેગ ગાયબ જણાઈ હતી.
ઘટના 23મી નવેમ્બરનો ગુનો નોંધાયો 19 ડિસેમ્બરે!
કારમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ રોકડા ભરેલી ચોરી ગયો હોવાના પગલે તે સમયે સાયણ ચોકીમાં અરજી આપવા છતાં તે સમયે ગુનો નોંધાયો ન હતો. જે બાદ આ જ રોડ પર ડોક્ટરની કારમાંથી પણ રોકડાની ચોરી થઈ હતી. પોલીસની ઢીલી કામગીરીને લઈ ચોરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ચોરીને અંજામ આપ્યો હતો. ઓલપાડ પોલીસ મથકમાં ગત ગુરૂવાર, તા.૧૯ ના રોજ ગુનો નોંધાતા આ મામલે વધુ તપાસ ઓલપાડ પીઆઇ સી.આર. જાદવ કરી રહ્યા છે.