SURAT

હવે, સુરતમાં BRTS રૂટમાં વાહન લઈ ઘુસ્યા તો, ઈ-મેમો ઘરે પહોંચશે

સુરત: સુરત શહેરના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો ઘુસાડવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે. જો કે થોડા સમય માટે સ્વિંગ ગેટ કાર્યરત હતા, ત્યાં સુધી આ પ્રતિબંધનો અમલ થયો પરંતુ સ્વિંગ ગેટ બંધ પડતા ખાનગી વાહનચાલકો બીઆરટીએસમાં ધૂસી રહ્યા છે.

  • મનપા દ્વારા સીસીટીવી કેમેરાની વોચ ગોઠવી નંબર પ્લેટ સ્કેન કરી દંડ વસૂલશે
  • ઉધના દરવાજાથી સચિન રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ ઈન્સ્ટોલ કરાયો

જોકે, હવે સીસીટીવી કેમેરા દ્વારા આવા વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ-ચલણ મેમો મોકલવાનું આયોજન થયું છ. ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

આ મુદ્દે ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેટ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ, અનેક ખામીઓ સામે આવી. અનેકવાર ચેતવણી અપાઈ તેમ છતાં બેદરકારી દાખવતા એજન્સીને બ્લેક લિસ્ટ કરાઈ છે. પરંતુ હવે બીઆરટીએસ રૂટમાં ફક્ત સરકારી બસો અને ઈમરજન્સી વાહનોને જ પ્રવેશનો નિયમ કડકાઇથી અમલમાં મુકાશે.

આ રૂટ પર ગેરકાયદે રીતે વાહન ચલાવનારાઓ માટે હવે સખત પગલાં લેવામાં આવશે. જો કોઈ ખાનગી વાહન ગેરકાયદ રીતે રૂટમાં આવશે તો સીસીટીવી કેમેરાથી ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને સીધું ઈ-ચલણ મેમો મોકલાશે. ખાનગી વાહનચાલકો માટે કોઈ જ છૂટછાટ રહેશે નહીં અને દંડ ભરવો ફરજિયાત રહેશે.

Most Popular

To Top