સુરત : ઇચ્છાપોરમાં આવેલી ઝીરો વન ટેક ટ્રોનીર્ક્સ કંપનીના માલિકને કર્મચારીઓના કૌભાંડ અંગેની માહિતી પાસઓન કરી દેવાની ધમકી આપીને 10 લાખની ખંડણી (Extortion ) માંગવામાં આવી હતી. જીએસટીમાં (GST) કામ કરી ચૂકેલા ડ્રાયવરે (Driver) તોડબાજી કરવા માટે દસ લાખની ખંડણી માંગી હતી. કંપનીના માલિકે આખરે 2 લાખ આપવા માટે છટકું ગોઠવ્યું હતું. આરોપીઓએ એક એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો. કામ કરતા બે કર્મચારીઓ તેમજ તેની સાથે પૂર્વ જીએસટી અધિકારીના ડ્રાઇવરની પકડી પાડીને ઇચ્છાપોર પોલીસના હવાલે કર્યો હતો.
આ કેસની વિગત મુજબ, ઘોડદોડ રોડ નર્મદ નગર સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષીય કુશ અનિલભાઇ પટેલ ઇચ્છાપોર ગામ, સાયણ ટેક્ષ્ટાઇલ્સ પાર્કમાં ઝીરો વન ટેક ટ્રોનીર્ક્સ નામની કંપની ધરાવે છે. આ દરમિયાન કંપનીના કામ કરતા બે કર્મચારી સુભાષ સુદર્શન ચંપતિ તેમજ શિવ વિજયભાઇ ગર્ગએ હાલમાં થોડા દિવસોમાં જ ઓડિટ થવાનું હોવાની માહિતી લઇને આ માહિતી તેના મિત્ર વિશાલ વિજયભાઇ મગર (રહે. જયરાજ સોસાયટી, ઇચ્છાપોર ગામ)ને આપી દીધી હતી. વિશાલે કુશભાઇના મોબાઇલ ઉપર ફોન કરીને કહ્યું હતું કે, ‘તમારી કંપનીમાં વધારે માણસો કામ કરે છે અને તમે ઓછા કર્મચારી બતાવો છો’. તમારી તમામ માહિતી મારી પાસે છે અને આ તમામ માહિતી હું ઓડિટરને આપી દઇને તમારા કૌભાંડ બહાર લાવીશ. જો આ કૌભાંડ બહાર લાવવું ન હોય તો તમારે 10 લાખ રૂપિયા આપવા પડશે.
બંને વચ્ચેની માથાકૂટ બાદ વિશાલ 2 લાખમાં માની ગયો હતો. વિશાલે આ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કુશ પટેલને વિશ્વકર્મા નામના વ્યક્તિનો એકાઉન્ટ નંબર પણ મોકલાવ્યો હતો. બીજી તરફ કુશ પટેલે પોતાની રીતે જ શિવ અને સુભાષને પકડી પાડ્યો હતો. આ દરમિયાન કુશએ વિશાલને ફોન કરીને બોલાવ્યો હતો. વિશાલ તેની સાથે અમીત ઉર્ફે માઇન્ડ તેમજ સતીષ નામના યુવકને સાથે લઇને આવ્યો હતો. કુશ પટેલે શિવ અને સુભાષની સાથે માથાકૂટ કરતા હતા ત્યારે જ સતિષે કુશભાઇને એક તમાચો મારી દીધો હતો. જો કે, અહીં માથાકૂટ વધી જતાં કંપનીના અન્ય કર્મચારીઓ આવી ગયા હતા. આ સાથે જ ઇચ્છાપોર પોલીસને પણ જાણ કરી દેવામાં આવતા પોલીસનો સ્ટાફ પણ આવી ગયો હતો. પોલીસે વિશાલ મગર, સતીષ ગર્ગ, શિવ ગર્ગ તેમજ સતીષને પકડી પાડીને તેની સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.
વિશાલ મગર અગાઉ જીએસટી અધિકારીની કાર ચલાવતો હોવાથી રિટર્નના 1 ટકા ખંડણી માંગી હતી
પ્રાપ્ત વિગત મુજબ વિશાલ મગર અગાઉ જીએસટીના અધિકારીની કારનું ડ્રાઇવિંગ કરતો હતો. વિશાલને જીએસટીમાં કેવી રીતે કૌભાંડ થાય છે તેની માહિતી હોવાથી કુશ પટેલને છેલ્લા ચાર વર્ષના આઇટી રિટર્ન ફાઇલ કર્યા હોય તેના 1 ટકા રકમ માંગી હતી. આ ઉપરાંત વિશાલે કુશ પટેલને જીએસટી અધિકારીને માહિતી આપી દેવાની પણ ધમકી આપીને ખંડણી માંગી હતી.