એક દિવસ બે સિનિયર સિટીઝન પતિ અને પત્ની સાંજે ઘરમાં એકલાં હતાં અને ચા પી રહ્યાં હતાં.ચા પીતાં પીતાં બે વહુઓની સાસુ એવી પત્નીએ પતિ પાસે બળાપો કાઢ્યો કે, ‘આ ઘરમાં મારું તો કંઈ માન જ નથી, કોઈ મને કંઈ પૂછતું નથી, કોઈ મારું કહ્યું માનતું નથી.બંને વહુઓ મારી રજા લીધા વિના મનમાં આવે તેમ કરે છે.’આવું ઘણું લાંબુલચક ફરિયાદભરેલું ભાષણ કરીને પત્નીનું પ્રેશર વધી રહ્યું હતું અને પતિ શાંતિથી ચા પી રહ્યા હતા. તેમના પેટનું પાણી પણ હાલતું ન હતું.
પતિએ કંઈ જવાબ ન આપ્યો એટલે પત્નીનો ગુસ્સો વધ્યો અને ગુસ્સો પતિ પર જ કાઢતાં કહ્યું, ‘આ બધું તમારે લીધે જ છે,તમે જ છોકરા અને વહુને માથે ચઢાવ્યાં છે.બહુ પ્રેમ આપો, ગીફટસ આપો એટલે તમે સારા.તમને બધા પ્રેમ કરે અને માન આપે. મારી કોઈ કિંમત નહિ.’
પતિએ હસતાં હસતાં કહ્યું, ‘જો એમાં એવું છે ને કે જે જોઈતું હોય ને તે પહેલાં આપવું પડે સમજી.તેં કયારેય વહુઓને એક સમાન ગણી છે? હંમેશા ભેદભાવ કર્યા છે? અને એટલે હવે તારું માન ક્યાંય નથી.આપણને દીકરી નથી પણ તેં કયારેય વહુઓને દીકરી માની નથી. પારકી જ ગણી છે તો તે તને પ્રેમ કયાંથી આપે? વહુની બીમારીમાં તેં મોઢાં બગાડ્યાં છે તો તારી બીમારીમાં વહુ ફરજ નિભાવે પણ હૂંફ કયાંથી આપે? વહુ દીકરા બહાર ફરવા જાય તો તું પ્રેમથી હા કયારેય ન પાડે તો પછી તને કહે જ શું કામ? અને તું પોતે જે આપે છે તે જ તને સામું મળે છે.જીવનનો નિયમ છે, જો આપતાં આવડે તો મળે.
હું પ્રેમ આપું છું, તેઓ મને સામો વધુ પ્રેમ આપે છે.હું એક ગીફટ લાવું તે રોજ ગરમ રોટલી જમાડે છે.\એટલે જીવનમાં જો સુખ, માન ,પ્રેમ ,હૂંફ, લાગણી જોઈતાં હોય તો પહેલાં તેને આપતાં શીખો. જે આપશો અને જેટલું આપશો તે જ તમને અનેકગણું થઈને પાછું મળશે.જેને આપતાં આવડે છે અને તે પણ જે સાચા હ્રદયથી આપી શકે છે તેને જ બધું સામે અનેકગણું થઈને મળે છે.એટલે તું શું આપી રહી છે તે જો તેનો હિસાબ કર અને જે જોઈએ છે તે પ્રમાણે પહેલાં આપતાં શીખ.માન જોઈએ છે તો તેમનું સન્માન કર ,પ્રેમ જોઈએ છે તો પહેલાં સાચી લાગણી દેખાડ.’ પતિએ પત્નીને આયનો દેખાડી દીધો અને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
