Charchapatra

બદલાતી વ્યવસ્થામાં એકલા હો તોય કામ થઇ જાય

ઘણી વ્યકિતના મુખે એવું સાંભળવા મળ્યું હતું કે ‘જયાં પૈસો કામ આવે ત્યાં પૈસો જ કામ આવે અને જયાં માણસની જરૂર હોય ત્યાં માણસ જ જોઇએ ત્યાં પૈસો કામ નહીં આવે.’ પણ હવે તો એ પણ રહ્યું નથી. હમણાં જ અમારા એક સંબંધી કે જેઓ મુંબઇમાં રહે છે તેમના દ્વારા જાણવા મળ્યું તે હું અહીં જણાવું છું. એના સસરા મોટી ઉંમરના હતા તે બિમાર પડયા, તેમને હોસ્પિટલમાં દાખલ કરાવા પડયા. દિવસે દિવસે તેમની તબિયતમાં કોઇ સુધારો જણાયો નહીં છતાં ડોકટરની સારવાર તો ચાલુ જ હતી અને એક દિવસ તેઓ હોસ્પિટલમાં જ ગુજરી ગયા. ખરી વાત તો હવે શરૂ થાય છે.

એના સસરા દેવલોક પામ્યા એટલે એમની ડેડ બોડીને ઘરે લઇ જવાની, પરંતુ એમની પાસે દોડાદોડી કરી શકે એવા માણસોની ખોટ હતી. એવા ઘણાં ગૃપ મુંબઇમાં કાર્યરત છે કે જેઓ સતત હોસ્પિટલના સંપર્કમાં રહે છે અને તેઓ પોતાનો કાર્ડ, ફોન નંબર હોસ્પિટલમાં આપી રાખે છે. જેથી લાગતાવળગતા જરૂરિયાતમંદો આવા ગૃપનો ફોન દ્વારા સંપર્ક કરી શકે. આથી આપણે આવા એક ગૃપને ફોન દ્વારા કરી તેઓ તરત જ હોસ્પિટલમાં આવી ગયા. અને આ લોકોને જણાવ્યું કે તમે જરા પણ અકળાશો નહીં.

તમારી પાસે પૂરતા માણસો નથી તો અમે તમારા સસરાને હોસ્પિટલમાંથી ઘરે લઇ જવાની વ્યવસ્થા પણ કરીશું અને ઘરે લઇ જઇને એમને નવડાવી, કપડાં પહેરાવી, નનામી તૈયાર કરીને સ્મશાન સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. જો તમારે સ્મશાનયાત્રામાં માણસોની જરૂર હોય તો તે પણ અમે લઇ આવીશું. તમારે ફકત અમારો જે ચાર્જ થાય તે આપવાનો રહેશે. એ ગૃપે બધું જ કામ સુપેરે પાર પાડયું. બોલો હવે માણસોની કે સગાંવહાલાંની જરૂર ખરી? પૈસા ખરચતાં બધું જ મળી રહે. આવું તો કયારેય સાંભળવામાં નહોતું આવ્યું પણ આ એક હકીકત છે. આવા ગૃપ પણ છે.
સુરત       – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top