દુનિયાના દેશો વીજળીની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, પણ ખરેખર વીજળીનો વપરાશ પર્યાવરણ માટે હાનિકારક છે. જેમ જેમ વીજળીનો વપરાશ વધતો જાય છે તેમ કોલસો બાળવો પડે છે, જેને કારણે પ્રદૂષણમાં વધારો થાય છે. છેલ્લી સદીમાં પર્યાવરણ માટે જે ખતરો પેદા થયો છે તેનું મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસોનું વાતાવરણમાં વધી રહેલું ઉત્સર્જન છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વધવાને કારણે તાપમાન વધે છે, જેને કારણે ઋતુઓનું ચક્ર ખોરવાઇ જાય છે. આ ચક્ર ખોરવાઇ જતાં ક્યાંક કાળઝાળ ગરમી પડે છે તો ક્યાંક નદીઓમાં વિનાશક પૂર આવે છે. આ બધી કુદરતી આપત્તિઓ હકીકતમાં માનવસર્જીત છે, જેનો અનુભવ આપણને થઇ રહ્યો છે.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ અમેરિકા, ચીન અને યુરોપના દેશો દ્વારા હવામાં વિપુલ માત્રામાં કરવામાં આવતું કાર્બન ઉત્સર્જન છે. આ દેશોમાં જેમ કારખાનાં વધે છે તેમ પ્રદૂષણ પણ વધે છે. પ્રદૂષણ વધવાને કારણે ઋતુઓનું ચક્ર ખોરવાઇ જાય છે અને કુદરતી આફતો આવે છે. યુનોની ક્લાઇમેટ બાબતની સંસ્થા કહી રહી છે કે જો દુનિયાને બચાવવી હશે તો કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવું પડશે. વિકાસ સાધી ચૂકેલા દેશો કહે છે કે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની જવાબદારી વિકાસશીલ દેશોની પણ છે. વિકાસશીલ દેશો કહે છે કે તમે કાર્બનનું ઉત્સર્જન કરીને વિકાસ સાધી લીધો, હવે તમે અમને વિકાસ કરતાં રોકી શકો નહીં. હકીકતમાં પશ્ચિમના દેશોની વિકાસની ધારણા ખોટી છે, જેમાં કાર્બનના ઉત્સર્જન વગર વિકાસ કરી શકાતો નથી. આ વિકાસ હકીકતમાં સમગ્ર દુનિયાના વિનાશમાં પરિણમે તેવો છે.
પશ્ચિમના દેશની વિકાસની અવધારણા કહે છે કે કારખાનાંઓમાં જેટલું ઉત્પાદન વધે તેટલો દેશનો વિકાસ થાય. આ ઉત્પાદન વધારવા વીજળી જોઇએ, વીજળી પેદા કરવા માટે કોલસો બાળવો પડે, કોલસો બાળવાથી કાર્બન પેદા થાય, જેનાથી પર્યાવરણનો વિનાશ થાય તે નક્કી છે. આજે આપણે જેમને સમૃદ્ધ દેશો ગણીએ છીએ તેઓ આ રીતે પર્યાવરણનો વિનાશ કરીને જ સમૃદ્ધ થયા છે. ભારત જેવા વિકાસશીલ દેશે જો શ્રીમંત બનવું હોય તો તેમના રસ્તે ચાલીને પહેલાં દેશના અને પછી દુનિયાના પર્યાવરણનો વિનાશ કરવો પડે. આજે જે વિકસિત દેશો છે તેમના દ્વારા કેટલું કાર્બન ઉત્સર્જન કરવામાં આવે છે, તેના આંકડા બહુ ચોંકાવનારા છે.
ચીને બહુ પ્રગતિ કરી હોવાનું કહેવાય છે, પણ તેમાં પર્યાવરણનો ભોગ લેવાઇ જાય છે. ચીન દ્વારા દર વર્ષે ૧૦.૫૪ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં છોડવામાં આવે છે. અમેરિકા દ્વારા ૫.૩૩ અબજ ટન, યુરોપિય સંઘ દ્વારા ૩.૪૧ અબજ ટન અને ભારત દ્વારા ૨.૩૪ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં છોડવામાં આવે છે. ચીન અને ભારતની વસતિ વધુ હોવાથી તેમના દ્વારા હવામાં વધુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડવામાં આવે છે, પણ માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તેમાં અમેરિકા મોખરે છે. અમેરિકાનો પ્રત્યેક નાગરિક દર વર્ષે સરેરાશ ૧૬.૫ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં છોડે છે. તેની સરખામણીએ ચીનનો નાગરિક ૭.૬ અને ભારતનો નાગરિક ૧.૮ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ હવામાં છોડે છે. વિશ્વમાં જેટલું કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના ૬૮ ટકા ઉત્સર્જન ૧૦ દેશો દ્વારા જ કરવામાં આવે છે.
આજની આપણી વિકાસની વ્યાખ્યા એવી છે કે જે દેશ હવામાં જેટલો વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડે તેનો એટલો વધુ વિકાસ થાય. અમેરિકા અને યુરોપે આ પ્રકારનો વિકાસ હાંસલ કરવા દુનિયાના વાયુમંડળને ઝેરી બનાવી દીધું છે. હવે ભારત અને ચીન જેવા દેશો પણ તે પ્રકારના વિકાસની હોડમાં ઊતર્યા છે. તેમની દલીલ એવી છે કે, તમે વિનાશ કરી લીધો, હવે અમને કરવા દો. પશ્ચિમી દેશોને વિકાસ બાબતમાં રાંડ્યા પછીનું ડહાપણ લાદ્યું છે. તેઓ વિકાસશીલ દેશોને કહે છે, કાર્બનનું વધુ ઉત્સર્જન કરવાનું રહેવા દો. વિકાસશીલ દેશો તેમની આ વાત માનવા તૈયાર નથી થતા. પૃથ્વીનું પર્યાવરણ બગડ્યું છે તેમાં વિકાસની ગલત વ્યાખ્યાનો મોટો ફાળો છે. પશ્ચિમી ધારાધોરણ મુજબ આપણે વિકાસને જીડીપીની ફૂટપટ્ટીથી માપીએ છીએ. તેને કારણે વિનાશ થાય છે. જીડીપી વધે તેમ દેશનો વિકાસ થાય તે ધારણા મૂળમાંથી ખોટી છે તે સમજી લેવાની જરૂર છે.
૧. પશ્ચિમી પદ્ધતિના વિકાસમાં દેશમાં જેમ વાહનોની સંખ્યા વધે તેમ દેશનો જીડીપી વધ્યો ગણાય છે. જૂના જમાનામાં લોકો પગપાળા ચાલીને જતા હતા અથવા ઘોડાગાડીમાં જતા હતા, તેની ગણતરી જીડીપીમાં નહોતી થતી. આજે લોકો ટુ વ્હિલર વાપરે છે તેનાથી જીડીપી વધે છે. ટુ વ્હિલરથી હવામાં પ્રદૂષણ વધે છે. ટુ વ્હિલર વાપરનારા વિકસિત ગણાય છે, પગે ચાલનારા પછાત ગણાય છે.
૨. લોકો બળદગાડાનો, ઘોડાગાડીનો કે ઊંટગાડીનો ઉપયોગ કરે તેમાં પેટ્રોલનો ઉપયોગ નથી થતો અને હવામાં ઝેરી વાયુઓ પણ ભળતા નથી. પેટ્રોલનો ઉપયોગ વધે તેને જીડીપી વધ્યો કહેવાય છે અને દેશનો વિકાસ થયો કહેવાય છે. બળદગાડામાં મુસાફરી કરનારા પછાત કહેવાય છે. હકીકતમાં બળદગાડી વાપરનારા પર્યાવરણની રક્ષા કરવાનું કામ કરે છે. ૩. પહેલાંના લોકો ચૂલામાં બળતણ તરીકે લાકડાં અથવા છાણાં વાપરતાં હતાં, જેની ગણતરી જીડીપીમાં નહોતી થતી. હવે લોકો રાંધણગેસનો ઉપયોગ કરવા લાગ્યા છે, જેની ગણતરી જીડીપીમાં થતી હોવાથી દેશનો વિકાસ થયો હોવાનું કહેવાય છે. હકીકતમાં કુદરતી ગેસ મેળવવા માટે જમીનમાં શારકામ કરવું પડે છે, તેનાં વહન માટે પાઇપલાઇનો નાખવી પડે છે અને ઊર્જાનો વ્યય થાય છે. લાકડાં અને છાણાં વાપરનારા પછાત ગણાય છે, રાંધણગેસ વાપરનારા વિકસિત ગણાય છે.
૪. પહેલાંના લોકો કુદરતના ખોળે જીવતાં હતાં, તેને કારણે માંદા બહુ ઓછાં પડતાં હતાં. માંદાં પડે તો ઘરગથ્થુ દવાઓ કે જડીબુટ્ટીઓ ખાઇને સાજા થઇ જતાં હતાં, જેની અસર જીડીપી પર જોવા મળતી નહોતી. હવે લોકો માંદા વધુ પડે છે, એલોપથી દવાઓ ખાય છે અને મોંઘીદાટ હોસ્પિટલોમાં સારવાર લે છે, જેને કારણે દેશનો જીડીપી વધે છે. તેને વિકાસ કહેવામાં આવે છે.
૫. પહેલાંનાં લોકો પથ્થર, માટી, ચૂનો, ગોબર, વાંસ વગેરેનાં મકાનોમાં રહેતાં હતાં, જેમાં એર કન્ડિશનરની પણ જરૂર નહોતી પડતી. મકાન બાંધવાની સામગ્રી લગભગ મફતમાં મળી રહેતી હોવાથી તેની ગણતરી જીડીપીમાં થતી નહોતી. હવે લોકો સિમેન્ટ કોંક્રિટનાં મકાનો બનાવે છે, જેમાં સિમેન્ટ, લોખંડ, ઇંટો વગેરેનો ઉપયોગ થાય છે, જેને કારણે જીડીપી વધે છે, પણ હવાનું પ્રદૂષણ પણ વધે છે. ગારમાટીનાં મકાનમાં રહેનારા પછાત ગણાય છે, કોંક્રિટમાં રહેનારા વિકસિત ગણાય છે.
૬. પહેલાંના લોકો માટલાનું ઠંડું પાણી પીતા હતા, જેમાં વીજળીની જરૂર નહોતી પડતી. હવે લોકો ફ્રીઝનું પાણી પીએ છે, જેમાં વીજળીનો વ્યય થાય છે. વળી ફ્રીઝની બનાવટમાં ગ્રીન હાઉસ ગેસો પણ પેદા થાય છે, જેને કારણે ઓઝોનનું પડ નાશ પામે છે. માટલાના ઉપયોગથી જીડીપી નથી વધતો, પણ ફ્રીઝના ઉપયોગથી વધે છે. ફ્રીજના ઉપયોગથી પ્રદૂષણમાં પણ વધારો થાય છે. આ ઉદાહરણો પરથી ખ્યાલ આવે છે કે આજે આપણે જેને વિકાસ માનીએ છીએ તે હકીકતમાં વિનાશનાં સાધનો છે. જગતને બચાવવું હશે તો વિકાસની આપણી વ્યાખ્યા બદલવી જ પડશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.