Vadodara

અમે નીકળ્યા તો છે પણ પહોંચીશું કે કેમ?

વડોદરા : યુક્રેનમાં બગડતી જતી પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે તમામ વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને તાત્કાલિક કીવ છોડવાની સલાહ આપી છે જેને પગલે કીવમાં રહેતા વડોદરાના વિદ્યાર્થીઓ અને નાગરિકો સહિત ભારતીયોએ કીવ છોડવાની  શરૂઆત કરી છે  કીવમાં રેસ્ટોરન્ટ ચલાવતા મનીષ દવેએ પણ 13 લોકો સાથે ભારે હૈયે યુક્રેનમાંથી જવાની તૈયારી કરી છે જોકે મનીષ દવેને ભય છે કે  કીવથી નીકળ્યા તો છે પણ કેવી રીતે પોલેન્ડ કે રોમાનિયા સરહદ પોહોચીશું કીવ માંથી નીકળનાર દરેક ભારતીયને આ ડર સતાવી રહ્યો છે મનીષ દવેએ ગુજરાત મિત્ર સાથે ની વાતચીતમાં રેસ્ટોરન્ટ   યુક્રેન છોડવા અંગે દુઃખ વ્યક્ત કરતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

યુક્રેનની રાજધાની કીવમાં સ્થિતિ વણસી રહી છે આવનારા ૨૪ કલાક યુદ્ધ માટે નિર્ણાયક સાબિત થાય તેમ મનાય છે તેવામાં કીવમાં ફસાયેલા ભારતીયોની સલામતી અર્થે ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં કીવમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ-નાગરિકોને તાત્કાલિક કીવ છોડી દેવા કહેવામાં આવ્યું હતું તમામને ટ્રેન કે અન્ય કોઈપણ પરિવહનના સાધનને પકડી કીવથી દૂર જવા અથવા તો રોમાનિયા કે  પોલેન્ડ સરહદ પર પોહોચી જવા સલાહ આપવામાં આવી છે. ભારત સરકારની નવી એડવાઇઝરી ને પગલે કીવમા ભારે અફરાતફરી નો માહોલ છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો કીવ છોડી રહ્યા છે .

યુધ્ધના સમયમાં અનેક લોકોને શરણ આપનારા અને ભોજન કરાવનાર વડોદરાના  મનિષ દવે પણ પોતાના 13 સાથીઓ સાથે કીવથી નીકળવાની તૈયારી કરી લીધી છે મનીષ દવે યુક્રેનની રાજધાનીમાં કીવમાં રેસ્ટોરન્ટ શરૂ કરી હતી રેસ્ટોરન્ટ માંડ જામી હતી ત્યાં જ યુદ્ધના વાતાવરણથી મનીષ દવેના સપનાઓને બોમ્બ ધડાકાઓએ ચકનાચૂર કરી દીધા હતા મનીષ દવેની રેસ્ટોરન્ટ છેલ્લા ઘણા દિવસથી ભારતીયો અને યુક્રેનવાસીઓ માટે શરણ ધામ બન્યું હતું  ૫૦થી વધુ લોકો ત્યાં પોતાનો જીવ બચાવવા રહેતા હતા જેમના માટે રોજ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી જોકે  કીવ છોડવાની ફરજ પડતાં મનીષ દવે પણ ભારે હૈયે યુક્રેનને અલવિદા કરી ભારત આવવા નીકળ્યા છે પોતાના 13 સાથીઓ સાથે કોઈપણ સાધન મળે તેમાં પોલેન્ડ કે રોમાનિયા પહોંચશે જોકે તેમને ચિંતા છે કે તેઓ નીકળ્યા તો છે પણ સહી સલામત પહોંચ્યા કે કેમ યુક્રેનમાં ચારેતરફ મોતનું તાંડવ છે બોમ્બ ધડાકાઓ વચ્ચે જોખમ લેનાર મનીષ દવેએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં યુક્રેન  છોડવા અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને એક તબક્કે તો વાત કરતા કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા હતા ખેર,કીવમાં આંધધુંધી વચ્ચે અનેક ભારતીય કિવ થી નીકળ્યા છે ત્યારે ભારતીયને પરત લાવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

સુમીથી પોલેન્ડ અને રોમાનિયા સરહદ 1500km દૂર છે એટલે બહાર નીકળવું હાલ અશકય
નોર્થ યુક્રેનમાં આવેલ સુમી રશિયા બોર્ડર પાસે આવેલું શહેર છે જ્યાં છેલ્લા બે-ત્રણ દિવસથી રશિયાએ હુમલાને આક્રમક બનાવ્યો છે ત્યારે સુમિમાં વડોદરાના રિતિક રાજ સહિત અંદાજે 30 ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે જેઓ હાલ સુમીમાંથી બહાર આવે તેવી શક્યતા ના ને બરાબર છે સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઇ છે અને ગમે તેમ કરીને બાળકોને પાછા લાવવામાં આવે તેવી લાગણી વ્યકત કરી રહ્યા છે.
યુક્રેન યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાએ સુમિ શહેરને નિશાન બનાવી ભારે બોબ વર્ષા કરી હતી આ હુમલામાં સુમીમાં ભારે ખાનાખરાબી સર્જાઇ છે  ત્યારે સુમીમાં 600 ભારતીયો ફસાયા હોવાનું મનાય છે જેમાં વડોદરા શહેરના શિક્ષક ખેમચંદ રાજનો પુત્ર રિતિક રાજ પણ છે આ ઉપરાંત અમદાવાદ,દાહોદ સહિત ગુજરતભરમાંથી પણ 30 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ સુમીમાં વરસતા બોમ્બ વચ્ચે જીંદગી સામેનો જંગ લડી રહ્યા છે હોસ્ટેલ અને બંકરોમાં રાત વિતાવી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ વિદ્યાર્થીઓ સૂતા નથી હાલ  સુમીમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય બન્યું છે સુમિમાં હજુ સુધી ભારત સરકારની કોઈ મદદ મદદ પહોંચી નથી.

રશીયા બોર્ડર પરથી બાળકોનું એરલિફ્ટ કરો : રીતિકના પિતા
યુક્રેન પર રશિયાના વધતા હુમલા વચ્ચે સુમીમાં ફસાયેલા બાળકોની સલામતીને લઈ પરિવારો ચિંતીત બન્યા છે વડોદરા મહારાણી શાંતાદેવી કન્યા શાળાના શિક્ષક ખેમચંદ રાજનો પુત્ર રીતિક રાજ પણ સુમીમાં અટવાઈ ગયો છે રશિયાના ભયંકર હુમલાથી સુમી તબાહ થઈ ગયું છે સુમી યુક્રેનના નોર્થમાં રશિયાને અડીને આવેલી બોર્ડર પાસે છે અને રશિયન આર્મી સૂમીના રસ્તે  જ કીવ તરફ આગળ વધી રહી છે ત્યારે સુમીમાં ફસાયેલા વડોદરાના રીતીક સહિત ગુજરાતી અને 600 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર આવશે તેની ચિંતા પરિવારને સતાવી રહી છે પુત્રની ચિંતામાં પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયો છે પરિવાર શાંતિથી જમી શકતો નથી કે ઊંઘી શકતો નથી ત્યારે રીતિકના પિતાએ  ભારતના રશિયા સાથે સારા સંબંધો છે તો ફસાયેલા ભારતીયોને રશિયા બોર્ડર પર લઈ જઈ ત્યાંથી તેમનું એરલિફ્ટ થાય તેવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top