Columns

વોડાફોન આઇડિયા દેવાળું કાઢશે તો દેશના ૧.૮ લાખ કરોડ રૂપિયા ડૂબી જશે

રિલાયન્સ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રમાં જે પ્રાઇસવોર ચાલુ કરવામાં આવી તેને પરિણામે અનિલ અંબાણીની આર.કોમથી માંડીને ટાટા ડોકોમો જેવી કંપનીઓ ભોંયભેગી થઈ ગઈ હતી. હવે ભારતમાં મોબાઇલ ફોનના ક્ષેત્રમાં માત્ર ત્રણ મુખ્ય કંપનીઓ બાકી રહી છે : રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા. આપણે બધા જાણીએ છીએ તેમ રિલાયન્સ જિયોના ઝંઝાવાત સામે ટકી રહેવા માટે બ્રિટનની વોડાફોન અને ભારતની આઇડિયા કંપનીઓ જોડાઇ ગઇ હતી. તો પણ તેનું ઠેકાણું ન પડતાં હવે વોડાફોન આઇડિયા કંપની દેવાળું કાઢવાની તૈયારીમાં છે.

જો આ કંપની દેવાળું કાઢે તો તેને નાણાં ધીરનારી સરકારી અને ખાનગી બેન્કોના ૧.૮ લાખ કરોડ રૂપિયા ડૂબી જાય તેમ છે. જો સરકારી બેન્કોના રૂપિયા ડૂબે તો સરકારને જ નુકસાન થાય તેમ છે. વળી જો વોડાફોન આઇડિયા કંપની ડૂબી જાય તો તેના ૨૭ કરોડ ગ્રાહકો નોંધારા થઈ જશે. રિલાયન્સ જિયો અને એરટેલ પાસે એટલી ક્ષમતા નથી કે તેઓ ૨૭ કરોડ ગ્રાહકોનો સમાવેશ કરી શકે. વળી જો વોડાફોન આઇડિયા કંપની ડૂબી જાય તો મોબાઇલ ફોનના ક્ષેત્રમાં સ્પર્ધા ઘટી જશે, જેને કારણે ભાવો વધી જશે. તેનો ગેરલાભ પણ મોબાઇલ ફોનના કરોડો વર્તમાન ગ્રાહકોને થઈ શકે છે.

ભારત સરકાર ટેલિકોમ ક્ષેત્રમાં ફાઇવ-જી થી માંડીને સંખ્યાબંધ નવા સુધારાઓ કરવા માગે છે અને નવી ટેકનોલોજી લાવવા માગે છે. વર્તમાન માહોલ પ્રમાણે નવી ટેકનોલોજીનો ખર્ચ ત્રણ કંપનીઓ વચ્ચે વહેંચાઈ જવાનો છે. જો વોડાફોન આઇડિયા ડૂબી જાય તો બધો ખર્ચો બે કંપનીઓના માથે આવી જાય તેમ છે, જેને કારણે સુધારાઓની ગતિ પણ ધીમી પડી જશે. જો કેન્દ્ર સરકાર વોડાફોન આઇડિયાને ડૂબવા ન દેવા માગતી હોય તો તેણે આ કંપનીમાં જંગી રોકાણ કરીને તેને બચાવી લેવી પડે. કોઈ ખાનગી કંપનીમાં સરકાર રોકાણ કરે તે નીતિ વાજબી નથી. વોડાફોન આઇડિયા કંપની રાક્ષસી થઈ ગઈ હોવાથી તેને ડૂબવા દેવામાં પણ દેશને ભારે નુકસાન છે.

વોડાફોન આઇડિયા કંપનીમાં બે ભાગીદાર છે. તેમાંની એક ભાગીદાર કંપની વોડાફોન છે, જેને બ્રિટનમાં રજિસ્ટર કરવામાં આવી છે. બ્રિટનની કંપનીએ સ્પષ્ટ કહી દીધું છે કે તે ભારતની કંપનીને ઉગારવા માટે તેમાં એક નવા ડોલરનું પણ રોકાણ કરવા તૈયાર નથી. વોડાફોન આઇડિયામાં બીજી ભાગીદાર કંપની બિરલા જૂથની આઇડિયા છે, જેના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલા છે. તેમની પાસે વોડાફોન આઇડિયાના ૨૭ ટકા શેરો છે. તાજેતરમાં તેમણે વોડાફોન આઇડિયાના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે અને પોતાના ૨૭ ટકા શેરો કેન્દ્ર સરકારને હવાલે કરી દેવાની તૈયારી બતાવી છે. જો કેન્દ્ર સરકાર આ શેરો મફતમાં લઈ લે તો તે કંપનીમાં ૨૭ ટકાની ભાગીદાર થઈ જાય. તેનો અર્થ થાય કે કંપનીને ચલાવવાની અને તેનું દેવું ભરપાઈ કરવાની જવાબદારી પણ કેન્દ્ર સરકારની થઈ જાય. કેન્દ્ર સરકાર આ ઓફર સ્વીકારવી કે નહીં? તેની અવઢવમાં છે.

વોડાફોન આઇડિયાનું દેવું વધીને ૧.૮ લાખ કરોડ રૂપિયા ઉપર કેવી રીતે પહોંચી ગયું? ભારતની બેન્કોએ તેમને શું જોઈને આટલી જંગી લોન આપી? તે પણ સમજવા જેવું છે. વોડાફોન આઇડિયા કંપનીને માથે એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) ખાતે ૫૮,૨૫૪ કરોડ રૂપિયાનું દેવું હતું. આ દેવું કંપની દ્વારા આપવામાં આવતી મોબાઇલ ફોન સિવાયની સેવાઓમાં થયેલા નફા સામે સરકારને ચૂકવવાના રૂપિયાના રૂપમાં હતું. આ બાબતમાં ટેલિકોમ કંપનીઓ સુપ્રિમ કોર્ટ સુધી લડી હતી, પણ હારી ગઈ હતી. વોડાફોન આઇડિયાએ ૭૮૫૪ કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા, પણ તેણે સરકારને ૫૦,૩૯૯ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. વોડાફોન આઇડિયા કંપની આટલી જંગી રકમ ચૂકવી નહોતી શકતી તો પણ સરકાર તેની સામે કોઈ પગલાં લઈ શકતી નહોતી.

વોડાફોન અને આઇડિયા કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમની ખરીદી કરવામાં આવી તેના પેટે તેમણે કેન્દ્ર સરકારને ૯૬,૨૭૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. કંપનીએ સ્પેક્ટ્રમના રૂપિયા ચૂકવ્યા વિના સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી હતી. બીજા શબ્દોમાં કહીએ તો કંપનીએ કેન્દ્ર સરકાર પાસેથી ઉધારમાં સ્પેક્ટ્રમ ખરીદીને રોકડામાં વેપાર કર્યો હતો. વોડાફોન આઇડિયા કંપનીએ બેન્કો પાસેથી ૨૩, ૦૮૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કંપની દેવાળું કાઢશે તો બેન્કોના અબજો રૂપિયા ડૂબી જશે. તેને કારણે જો બેન્કો ડૂબી જાશે તો તેમાં પોતાના પસીનાની કમાણી મૂકનારના અબજો રૂપિયા પણ ડૂબી જશે. સરકારની જાહેરાત મુજબ દરેક ખાતાધારકને વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા જ મળશે. વોડાફોન આઇડિયાની જેમ અનેક કંપનીઓ ડૂબવાની તૈયારીમાં છે.

કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઇડિયાના અધ્યક્ષ તરીકે રાજીનામું આપીને હકીકતમાં બળતું ઘર કૃષ્ણાર્પણ કરવાની તૈયારી કરી છે. તેમણે રાજીનામું આપતી વખતે વોડાફોન આઇડિયા કંપનીને ડૂબતી બચાવવા ત્રણ સૂચનો કર્યાં છે. તેમનું પહેલું સૂચન છે, સરકારે ચડી ગયેલા એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ બાબતમાં કંપનીને માફી આપવી જોઈએ. આ બાબતમાં કેન્દ્ર સરકારના હાથ બંધાયેલા છે. કેન્દ્ર સરકારે તો મોબાઇલ કંપનીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગીને એજીઆરમાં માફી આપવાની તૈયારી કરી લીધી હતી, પણ તેની સામે કેટલાક જાગ્રત નાગરિકો દ્વારા સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે સરકારને માફી આપવા સામે મનાઇહુકમ કાઢ્યો હતો. માટે હવે સરકાર આ બાબતમાં વોડાફોન આઇડિયાને મદદ કરી શકે તેમ નથી.

કુમાર મંગલમ બિરલાનું બીજું સૂચન કંપની દ્વારા સરકારને સ્પેક્ટ્રમ ખાતે જે રૂપિયા ચૂકવવાના નીકળે છે તેમાં રાહત આપવાની માગણીના રૂપમાં હતું. વોડાફોન આઇડિયા ખાનગી કંપની છે. તેણે સમજીવિચારીને જ સ્પેક્ટ્રમની ખરીદી કરી હશે. હવે ખોટ જાય ત્યારે સરકાર પાસે રાહતની માગણી કરવામાં કોઈ શરીફાઈ નથી. જો તેમનામાં કંપની ચલાવવાની ત્રેવડ ન હોય તો કંપની બંધ કરી દેવી જોઈએ અને સરકારનું દેવું ચૂકવી દેવું જોઈએ. કુમાર મંગલમ બિરલા તો મોટા ઉદ્યોગ ગૃહના વડા છે. જો તેમની એક કંપની ખોટમાં ચાલતી હોય તો બીજી કંપનીની મૂડી વડે પણ તેમણે ખોટમાં ચાલતી કંપનીનું દેવું ચૂકવી દેવું જોઈએ. જો તેઓ તેમ કરવા તૈયાર ન હોય તો સરકારે તેમની અંગત સંપત્તિ જપ્ત કરીને બેન્કોના અને સરકારના રૂપિયા વસૂલ કરવા જોઈએ. જો સરકાર કિસાનોનું દેવું માફ કરવા તૈયાર ન હોય તો ઉદ્યોગપતિઓનું દેવું પણ વસૂલ કરવું જોઈએ.

કુમાર મંગલમ બિરલાનું ત્રીજું સૂચન છે કે સરકારે ટેલિકોમ સેવાના લઘુતમ ભાવો નક્કી કરવા જોઈએ અને કાયદો કરવો જોઈએ કે તેના કરતાં ઓછા ભાવે કોઈ પણ કંપની દ્વારા કોઈ પણ સેવા આપવામાં આવશે નહીં. કુમાર મંગલમ બિરલાનો ઇશારો રિલાયન્સ જિયો તરફ છે, જે ઓછા ભાવે સેવાઓ આપીને બીજી કંપનીઓને હરીફાઈમાંથી બહાર કાઢી મૂકે છે. જો આપણે મુક્ત અર્થતંત્રનો દાવો કરતા હોઈએ તો તેવો કાયદો પણ કરી શકાય નહીં. દરેક કંપની પોતાના ભાવો નક્કી કરવાને સ્વતંત્ર હોવી જોઈએ.

જો તેમ કરતાં તેને ખોટ જાય તો તેની સહન કરવાની તૈયારી પણ હોવી જોઈએ. જો કોઈ કંપની સરકારના હિસાબે ને જોખમે ભાવો ઘટાડે તો તેની પાસે કડક ઉઘરાણી કરવી જોઈએ. સરકારની ભૂલભરેલી નીતિને કારણે ટેલિકોમ ક્ષેત્રમાં કટોકટી પેદા થઈ છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top