Editorial

યુનિયન કાર્બાઇડનો કચરો ઝેરી ન હોય તો તેને કેમ ભોપાળમાં બાળવામાં નથી આવતો?

ભોપાળ દુર્ઘટનાને ૪૦ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા પછી પણ ભારતનાં લોકો આ ભયાનક દુર્ઘટનાનાં કટુ ફળ ભોગવી રહ્યાં છે, જ્યારે આ દુર્ઘટના માટે જવાબદાર યુનિયન કાર્બાઇડના અધિકારીઓને ઊની આંચ પણ આવી નથી. ભોપાળમાં યુનિયન કાર્બાઇડના બંધ પડેલા પ્લાન્ટમાં પડી રહેલા ઝેરી કચરાના નિકાલનો વિવાદ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાળમાં ૩ ડિસેમ્બર, ૧૯૮૪ ના રોજ અમેરિકાની યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની માલિકીની જંતુનાશક ફેક્ટરીમાંથી મિથાઈલ આઇસોસાયનેટ ગેસ લીક ​​થયો હતો, જેના કારણે લાખો લોકો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા.

આ ઘટનાને વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે. સરકારી આંકડાઓ ગેસ લીકેજને કારણે ૫,૦૦૦ મૃત્યુનો દાવો કરે છે, પરંતુ સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો આ સંખ્યા ૧૦,૦૦૦ સુધી માને છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ૨૦૦૪માં ભોપાળના રહેવાસી આલોક પ્રતાપ સિંહની અરજી પર સુનાવણી કરતી વખતે રાજ્ય સરકારને ૧૯૮૪ની ભોપાલ ગેસ દુર્ઘટના સાથે સંબંધિત ૩૩૭ મેટ્રિક ટન ઝેરી કચરાનો ચાર અઠવાડિયામાં નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.

અકસ્માતનાં લગભગ ૪૦ વર્ષ પછી ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ દુર્ઘટના સ્થળ પરથી ૩૩૭ મેટ્રિક ટન કચરો પીથમપુર ખાતે ટ્રીટમેન્ટ, સ્ટોરેજ અને ડિસ્પોઝલ ફેસિલિટીમાં મોકલવામાં આવ્યો હતો. આ ઝેરી કચરો ૨૩૦ કિલોમીટરની સફર પૂર્ણ કરીને ૩ જાન્યુઆરીએ રાતના અંધારામાં અને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે ગ્રીન કોરિડોર મારફતે પીથમપુર પહોંચ્યો હતો. પીથમપુરમાં ભોપાલ ગેસ દુર્ઘટના સ્થળેથી ઝેરી કચરાના નિકાલ સામે યોજાયેલો વિરોધ હિંસક બન્યો હતો. પીથમપુરનાં લોકો કહે છે કે જો આ કચરો ઝેરી હોય તો તેને અમે બાળવા નહીં દઈએ; અને તે જો ઝેરી ન હોય તો તેને ભોપાળમાં જ બાળવો જોઈએ. ઉગ્ર વિરોધ બાદ રાજ્ય સરકારે લોકોને સમજાવવા અને વિશ્વાસમાં લઈ કચરો બાળવા હાઈ કોર્ટ પાસે સમય માંગ્યો હતો.

ભોપાળની યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી લાવવામાં આવેલા કચરા સામે પીથમપુરનાં લોકોમાં હજુ પણ ભય છે. લોકો કહે છે કે પીથમપુરમાં ભૂતકાળમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણને કારણે લોકોને ભારે નુકસાન થયું છે. ભૂગર્ભ જળનો ઘટાડો થયો છે અને લોકો જે રોગોનો સામનો કરી રહ્યા છે તેના કારણે તેમના મનમાં અનિશ્ચિતતા પેદા થઈ છે. તારપુરા ગામના મોટા ભાગનાં રહેવાસીઓ ગામની નજીકના કૂવાનું ઉદાહરણ ટાંકે છે અને કહે છે કે કેવી રીતે ઔદ્યોગિકીકરણ અને કારખાનાંઓએ તેમનાં પાણીના શુદ્ધ સ્રોતોનો નાશ કર્યો છે. આ કૂવાને જાડી લોખંડની જાળીની ચાદરથી ઢાંકી દેવામાં આવ્યો છે અને હવે તારપુરાનાં લોકો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિયમિત રીતે આપવામાં આવતા પાણી પર નિર્ભર છે. સ્થાનિક લોકોએ યુનિયન કાર્બાઇડનો કચરો પીથમપુરમાં ખૂબ જ કડક સુરક્ષા હેઠળ લાવવાના વહીવટીતંત્રના નિર્ણયને પણ ટાંક્યો હતો અને ડરના કારણ તરીકે વિરોધ શરૂ કર્યો હતો. શિવનારાયણનું ઘર આ રામકી ફેક્ટરીની સીમાથી માંડ ૪૦૦ મીટર દૂર આવેલું છે.

તેને ડર છે કે જો કચરો સળગાવવામાં આવશે તો તેણે પોતાનું ઘર છોડવું પડશે. ગાયત્રી તિવારીનું ઘર શિવનારાયણના ઘર પાસે છે. મૂળ મધ્યપ્રદેશના સિઓનીની ગાયત્રી લગ્ન બાદ તારપુરા ગામમાં આવી હતી. પાંચ બાળકોની માતા ગાયત્રી તિવારી દૈનિક વેતન સેનિટેશન વર્કર તરીકે કામ કરે છે. ગામલોકોના મનમાં ફેલાયેલા ડરનું વર્ણન કરતાં ગાયત્રી કહે છે કે ભાઈ, ભલે આપણે જીવ જોખમમાં મૂકીએ, પણ આપણે આ કચરાને અહીં સળગવા નહીં દઈએ. આખરે, એવી જિંદગીનો શું ઉપયોગ થશે કે જેમાં સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી જ નથી. આવનારી પેઢીઓ અપંગ જન્મશે. શું આ સરકારોએ જોયું નથી કે ભોપાળમાં આ ઝેરથી કેટલાં લાખો લોકો બરબાદ થયા છે. હવે આ જ વિનાશ આપણા નસીબમાં લખાઈ રહ્યો છે.

ભોપાળના કચરાનો પીથમપુરમાં નિકાલ કરીને ખાનગી પેઢી કરોડો રૂપિયાની કમાણી કરવાની છે. આ પેઢી રી સસ્ટેનેબિલિટીની માલિકીની છે, જે અગાઉ રામકી એન્વિરો એન્જિનિયર્સ તરીકે ઓળખાતી ખાનગી નિકાલ પેઢી છે. તેના દ્વારા ભૂતકાળમાં પણ આ જગ્યા પર ઝેરી કચરાઓ બાળવામાં આવતા હતા, જેનાં દુષ્પરિણામો લોકો આજે પણ ભોગવી રહ્યાં છે. કચરાના નિકાલના કારખાનાંની બીજી બાજુ આવેલા ચિરખાણ ગામના પંકજ પટેલ કહે છે કે નાનપણથી લઈને અત્યાર સુધી તેમણે તેમના ગામની આબોહવા દર વર્ષે બગડતી જોઈ છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘરોમાં લગાવવામાં આવેલા વોટર ફિલ્ટર દર બે મહિને બદલવાં પડે છે. અહીં પીવાના પાણીની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ગઈ છે. ભૂગર્ભમાંથી કાઢવામાં આવેલા પાણીમાં સ્નાન કર્યા પછી ચામડીના વિવિધ રોગો અને શરીરમાં પથરી જેવા રોગો ગામમાં સામાન્ય બની ગયા છે.

યુનિયન કાર્બાઇડનો ઝેરી કચરો પીથમપુરમાં બાળવાના વિરોધ દરમિયાન મરણાંત ઉપવાસ પર ઊતરેલા સામાજિક કાર્યકર્તા સંદીપ રઘુવંશી કહે છે કે પીથમપુરને જોખમમાં મૂક્યા વિના સરકાર આ કચરાનો નિકાલ કરે તેવો અમને વિશ્વાસ નથી. જો આ કચરો આટલો જ સલામત છે તો પછી રાતોરાત ગ્રીન કોરિડોર બનાવીને આટલી ભારે સુરક્ષા હેઠળ અહીં શા માટે લાવવામાં આવ્યો? સરકાર કચરો બાળવાના નામે માત્ર તાળીઓ પાડવા માંગે છે. તે એ વાતની અવગણના કરી રહી છે કે જો અહીં કચરો બાળવામાં આવશે તો પીથમપુરમાં ભોપાળ ગેસ દુર્ઘટના જેવી સ્થિતિ સર્જાશે. આ વિરોધમાં પીથમપુરના રાજ રઘુવંશી અને રાજકુમાર રઘુવંશીએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યાર બાદ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અસુખેડી નિવાસી રાજકુમાર રઘુવંશીના ઘરે તેમના ૯૩ વર્ષીય પિતા બંકેલાલાલ રઘુવંશી કહે છે કે તેમને તેમના પુત્રના પ્રયાસો પર ગર્વ છે.

પીથમપુર બચાવો સમિતિના પ્રમુખ હેમંત હિરોલે કહ્યું કે આ કચરા વિના પણ અમે ઝેરનો શ્વાસ લઈ રહ્યા છીએ અને અમને ઝેરી પાણી પીવા માટે મજબૂર કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ કચરાનો નિકાલ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતી ખાનગી ફેક્ટરીએ નિકાલ કર્યા પછી ઝેરી કચરો જમીનમાં દાટી દીધો છે, જેના કારણે ઝેરી તત્ત્વોએ થોડાં વર્ષોમાં આસપાસના ભૂગર્ભ જળને ઝેરી બનાવી દીધું છે. કચરાના નિકાલનાં કારખાનાંની આસપાસનાં ગામોમાં લોકો કેન્સર, ચામડીના રોગો વગેરેથી પીડાવા લાગ્યાં છે. હવે તો ખેતરોમાં પાક લેવા પણ ઘણા બધા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો પડે છે. ભોપાળથી લાવવામાં આવેલા કચરાના ઝેરમાં પહેલાંથી જ ઝેરમાં જીવતાં લોકોને ધકેલવું ખોટું છે.

ભોપાળ ગ્રુપ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એક્શન સંસ્થા દ્વારા ગેસપીડિતો સાથે કામ કરતી રચના ઢીંગરા કહે છે કે સરકાર પીથમપુરમાં ધીમે ધીમે ભોપાળ જેવી સ્થિતિ સર્જવા તરફ જઈ રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર જ્યાં આ ઝેરી કચરાના નિકાલની વાત કરી રહી છે તે પ્લાન્ટ પહેલાથી જ પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. પીથમપુરમાં સ્થિત આ પ્લાન્ટ ગામની બાજુમાં છે, જ્યારે તે વસ્તીથી ઓછામાં ઓછો ૫૦૦ મીટર દૂર હોવો જોઈએ.

આટલો નજીક હોવાને કારણે ત્યાંનાં રહેવાસીઓ દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. પીથમપુર મોકલવામાં આવતા કચરામાં ૬૦ ટકા ઝેરી ધૂળ છે અને ૪૦ ટકા ફેક્ટરીનો ઝેરી કચરો છે. આ ૩૩૭ મેટ્રિક ટન ઝેરી કચરો આખી ફેક્ટરીમાંથી એકત્ર કરવામાં આવ્યો ન હતો. ભોપાળ દુર્ઘટના પછી તમામ રસાયણો એકત્ર કરવામાં આવ્યાં હતાં અને ફેક્ટરીની અંદર જ એક શેડમાં રાખવામાં આવ્યાં હતાં. પીથમપુરનાં લોકો કહે છે કે આ કચરો જહાજમાં ભરીને અમેરિકા મોકલી દેવો જોઈએ.

Most Popular

To Top