Charchapatra

જો એ આઠેય જણ ખરેખર જાસૂસ ના હોય તો એમને નિર્દોષ છોડાવવા જોઇએ

ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ આઠ કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા પછી કતારની એક ખાનગી સંરક્ષણ કંપનીમાં ઘણા ઊંચા પગારે નોકરી કરતા હતા. કતારની સરકારને લાગ્યું કે તેઓ ઇઝરાયેલને ખાનગી માહિતીઓ આપતા હતા. એટલે એમને આઠ જણને જાસૂસ તરીકે ગણીને કતારની એક કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. ભારત સરકારની શરમ અને દરમ્યાનગીરીથી એ આઠેયને ફાંસીની સજામાંથી મુકિત આપીને ત્રણ વર્ષથી માંડીને પચીસ વર્ષ સુધીની સજા કરવાના અહેવાલો બહાર આવ્યા છે.

આ સજામાંથી હવે કતારની એ એપેલેટ કોર્ટ ફરીથી વિચારીને આવી સજામાં કશોક ઘટાડો કરે છે કે કેમ એ જોવાનું રહ્યું. હવે સવાલ એ ઊઠે છે કે આ નૌકાદળના નિવૃત્ત અધિકારીઓ કતારમાં ભલે નોકરી કરતા હતા. પણ એમને આવી કતાર જેવા મુસ્લિમ રાષ્ટ્રની જાસૂસી કરવાનું એમને કોણે કહ્યું હતું? શું ભારતના જાસૂસી ખાતાએ એમને આવી જાસૂસી કરવાનું કહ્યું હતું? કે પછી વધુ પૈસા મેળવવાની લાલચે એ અધિકારીઓ ભારતની જાણ બહાર જાસૂસી કરતા હતા? કતારમાં નોકરી કરનારાઓને ત્યાંના કાયદાઓનું શું ભાન નહિ હોય? 

અન્ય દેશ સાથે જોડાઇને જાસૂસી કરવાની હિંમત જ આ ભારતીય માજી નૌકાદળના અધિકારીઓને કઇ રીતે આવી? કે પછી માત્ર કશીક ધડમાથા વગરની માહિતીને આધારે શંકાના દાયરામાં ખડા કરીને આવી સજા ફટકારવામાં તો નથી આવી ને? ખબર છે ને કે એક ભારતીય યુવાન જાદવને જાસૂસ સમજીને પાકિસ્તાન સરકારે એના તાબામાં કેદ નથી કરીને રાખેલો? વાત એમ જ છે કે ખાસ કરીને મુસ્લિમ રાષ્ટ્રોમાં ગુનાઓ સબબ ખૂબ જ આકરી સજાઓ થતી હોય છે. માટે ત્યાં ભારત જેવા દેશમાંથી નોકરીએ જનારી વ્યકિતઓએ ખૂબ જ સંભાળીને ત્યાં રહેવું જોઇએ. પેલા આઠ અધિકારીઓ જો ખરે જ નિર્દોષ હોય તો હજુ પણ ભારત સરકારે કતારના શેખ સાથે નમ્ર ભાવે ચર્ચા કરીને એમને છોડાવીને ભારત પરત લાવવા થાય એટલું કરી છૂટવું જોઇએ.
સુરત              – બાબુભાઇ નાઇ .આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top