તા.૨૨/૧૧/૨૪ ગુ.મિત્ર. “રાજકાજ ગુજરાત” કોલમમાં લેખક કાર્તિકેય ભટ્ટ “ ભાજપ હવે મૂળભૂત વિરોધાભાસોથી ઘેરાતો જાય છે તે કોઈને સમજાય છે” લેખમાં કેટલીક સટીક અને કેટલીક મોંઘમમાં વાતો કરી છે. 2014 પછી દેશ એક અલગ જ દિશામાં ફંટાઈ ગયો છે. ફક્ત દેશે જ નહીં દેશના રાજકારણે પણ પોતાનો પરિવેશ બદલ્યો છે. પહેલાં જે “અનીતિ” ગણાતી હતી એ હવે “રાજનીતિ”માં તબદીલ થઈ ગઈ છે. ઢોરની કિંમત અંકાઈ એમ હવે સાંસદોની કિંમત અંકાવા માંડી છે. પહેલાં “પક્ષબદલુ” હતાં, હવે આખીને આખી “પાર્ટીતોડુ”નો જમાનો આવ્યો છે. ગાંધી, સરદાર, નેહરુ દેશ માટે બલિદાન આપવા તૈયાર રહેતાં હતાં, હવેના નેતાગણ દેશનો “બલી” ચડાવવા પણ તત્પર હોય એવું પ્રતીત થાય છે. પહેલાં “દેશદાઝ” હતી, હવે ધર્મદાઝ, જ્ઞાતિદાઝ, કોમદાઝ મુખર બની ગયાં છે. પ્રજાના હાથમાં ધર્માંધતાનું અને હિન્દુ મુસ્લિમનું રમકડું આપીને અત્યારના રાજકારણીઓ સત્તા માટે “તડજોડ”નું રાજકારણ રમી રહ્યાં છે. અટલબિહારી વાજપેયી એક સીટ ઓછી આવતાં સત્તાને લાત મારી હતી, જ્યારે આજે એમના જ અનુગામીઓ સત્તા માટે આખા ને આખા પક્ષને ચીરી રહ્યા છે. બંધારણનો સૌથી વધારે ઉલાળિયો જેમણે કર્યો છે, કાયદા કાનૂનનું સૌથી વધુ ઉલ્લંઘન જેમણે કર્યું છે, એવાં લોકો જ્યારે બંધારણ દિવસ ઉજવવાની ઝુંબેશ ઉપાડે એ કેવી વક્રોક્તિ? રાજકારણની ડીક્ષનરી માંથી “નૈતિકતા” શબ્દ હવે લુપ્ત થયો છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કલા પ્રોત્સાહિત થાય છે કે પ્રતાડિત?
સરકાર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ અવારનવાર યોજાતી રહે છે. બાળ પ્રતિભા શોધ, કલા મહોત્સવ જેવા નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ થતી રહે છે મૂળગત રીતે આ બધી સ્પર્ધા પાછળનો હેતુ જે તે કળાને પ્રોત્સાહિત કરવાનો અને જે તે સ્પર્ધક કલાકારને સાચું માર્ગદર્શન મળી રહે એવો જ હશે પરંતુ આજકાલ આ પ્રકારની સ્પર્ધાઓ અને ઉત્સવ એ માત્ર વિધિ બની ગયા છે. કોઈ પણ ભોગે સમયમર્યાદામાં આ બધા કાર્યક્રમો કરવાના અને ગ્રાન્ટ વાપરી નાખવાની. આવું એટલા માટે કહેવું પડે છે કે કલા મહોત્સવ જેવા મહોત્સવમાં વિવિધ કલાને મહત્ત્વ આપવામાં આવે છે.
ગાયન, વાદન, બાળ કવિ,વક્તૃત્વ, એકપાત્રીય અભિનય, વાર્તાલેખન, વાર્તાકથન, માઈમ જેવી વિવિધ પ્રકારની કલાસ્પર્ધાના નિર્ણાયકો પણ જે તે વિષયના તજજ્ઞ હોવા જોઈએ, પરંતુ વિધિવત્ કરાતી આ સ્પર્ધાઓમાં નિર્ણાયકો શોધવા કોણ જાય? વળી સગવડિયા વ્યવસ્થાપન માટે પોતાના મળતિયાઓને નિર્ણાયક બનાવી દેવાના, પછી ભલે એમને જે તે કળાનું જ્ઞાન હોય કે ના હોય. છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળ્યું કે નિર્ણાયકો પોતે જે તે વિષયના જ્ઞાતા જ નથી હોતા. આવું ને આવું જ ધુપ્પલ ચાલતું રહે તો કળા પોષાવાને બદલે કરમાઈ જશે.
સુરત – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શંકાના દાયરે ? બધું જ જગજાહેર
તાજેતરની સિટિલાઈટના સ્પાની ઘટનામાં બે મહિલાઓ મૃત્યુલોક પહોંચી. ઘોડા નાસી છૂટ્યા બાદ તંત્રોના તપાસના આદેશ અને મુખ્ય આરોપીને પાંજરે પૂરવાના બણગાં,લોકલાજના હવાતિયાં જેવાં હેડિંગે .. ચાર પાંચ દિવસ સુધી અખબારના નાના મોટા ખૂણા રોકીને ગઈકાલ રાત્રે શું ખાધું પીધું એ પણ..ભૂલી જતાં સુરતીઓ રીતસર ગેરમાર્ગે દોરવાઈ જશે એમાં બેમત નથી જ. સદરહુ દુર્ઘટના પર આધારિત બની શકે , એવા ઘણા બનાવો હવે પછીના સમયમાં સુંદર સુરત, સ્વચ્છ સુરત, વિવિધ પ્રકારના એવૉર્ડ ધરાવતી મહાનગરપાલિકાના જવાબદાર અને બાહોશ અધિકારીઓ અને શાસક પક્ષના સેવા ભેખધારીઓ..
સમગ્ર સુરત શહેરના ખૂણે ખૂણેથી..આવા કોઈ પણ નિયમ વિરુદ્ધના ભોગ લઈ શકે એવા સ્થાનનો જાત તપાસનો આદેશ આપી , સત્વરે દુર્ઘટના રોકાવી શકે તો ઉપકારક જાહેર સેવા લેખે લાગશે. આવી જ રીતે રસ્તાઓ ઉપરનાં દબાણો દૂર કરી પ્રજાજનોને પડતી દૈનિક હાલાકી પણ દૂર થઇ શકે.આમેય કંઈક કેટલાંય વર્ષોથી હપ્તાખોરી,મીલીભગતના આક્ષેપો થકી થતી બદનામીને રોકવા કે જડમૂળથી લાંચ રિશ્વતના બનતા કિસ્સાઓ બહાર ન આવે એવી સનાતન ધર્મપ્રેમીઓના શાસક અને સત્તાવાળાઓના પ્રયત્નો સમૂળગા સફળ બને એવી અભ્યર્થના.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.