મનુષ્યનો જો પુનર્જન્મ હોય તો તમામ ધર્મોના મનુષ્યોનો પુનર્જન્મ થાય જ. કારણ કે પુનર્જન્મ એ કુદરતી ઘટના કહેવાય. કોઇ ધર્મના લોકો તેને માને કે ન માને, તો પણ તેમનો પુનર્જન્મ અવશ્ય થાય. કારણકે પુનર્જન્મ એ કોઇ ધાર્મિક ઘટના નથી. માત્ર ભારતનો વર્ણાશ્રમધર્મ જ પુનર્જન્મને માને છે. મુસલમાન અને ખ્રિસ્તી ધર્મ પુનર્જન્મને માનતા નથી. બુધ્ધ અને મહાવીર પુનર્જન્મને માનતા નહોતા. પુનર્જન્મનો ખ્યાલ એ બન્ને ધર્મોમાં પાછળથી ઘુસાડી દેવામાં આવ્યો છે. આ બધા મતમતાંતરો વચ્ચે સત્ય શું? એ માટે અપણે ગૌતમ બુદ્ધના મંતવ્યને યાદ કરવું જોઇએ. તેમણે કહ્યું છે કે ‘હું કહું છું તે હું કહું છું.
માટે સત્ય માનશો નહીં, તે શાસ્ત્રોમાં લખ્યું છે તે હજારો વર્ષની પરંપરાથી ચાલ્યું આવે છે, તેને લાખો લોકો અનુસરે છે માટે સાચું માનશો નહીં, પરંતુ હું કહું છું તે તમારી વિવેકબુદ્ધિને સાચું લાગે તો જ તેને માનજો.’ સ્પષ્ટ છે કે ભારતીય સંસ્કૃતિ સત્ય માટે કોઇ ગ્રંથ, ગુરુ, પંથ, બહુમતી અને પરંપરાને સત્ય માનતી નથી. એ સંજોગોમાં ગીતામાં લખેલા પુનર્જન્મના સિધ્ધાંતને આપણા તર્ક અને અનુભવની એરણ પર ચકાસ્યા વિના આપણે કેમ માની શકીએ? આપણને, આપણા પૂર્વજોને કે કોઇને પોતાના પૂર્વજન્મની ખબર નથી, તો ગીતા લખનાર આર્ય વિદ્વાનને પુનર્જન્મનું જ્ઞાન કેવી રીતે હોઇ શકે? તેથી કહી શકાય કે પુનર્જન્મનો ખ્યાલ માત્ર વર્ણવ્યવસ્થાને સાચી ઠેરવવા માટે ઉપજાવી કાઢવામાં આવ્યો છે. કડોદ – એન.વી. ચાવડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.