Columns

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો ચીન કોની પડખે રહેશે?

ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ ચીન અને પાકિસ્તાનને જુદાં પાડવા ભારત માટે અશક્ય છે. સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ X પર દાવો કરવામાં આવ્યો હતો કે ચીને પાકિસ્તાનને તેના JF-૧૭ ફાઇટર જેટ માટે ભારત સાથેના તણાવને ધ્યાનમાં રાખીને PL-૧૫ ખૂબ જ લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોની તાત્કાલિક ડિલિવરી કરી દીધી છે. આ મિસાઈલની રેન્જ ૨૦૦ થી ૩૦૦ કિલોમીટરની હોવાનું માનવામાં આવે છે. તેનાથી તેને ભારતનાં ફાઈટર જેટ વિમાનો માટે એક પડકાર ઊભો થશે તેમ માનવામાં આવી રહ્યું છે. ચીન માટે જો ભારત એમ માનતું હોય કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત યુદ્ધમાં ચીન ભારતની તરફરેણ કરશે અથવા તટસ્થ રહેશે, તો તે ભારતની મોટી ભૂલ છે. ચીન પાકિસ્તાનનું પરંપરાગત સાથીદાર છે અને રહેશે.

ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર વચ્ચે ફોન પર વાતચીત થઈ તે પછી ચીને નિષ્પક્ષ તપાસની પાકિસ્તાનની માંગણીને સમર્થન આપ્યું છે. આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે એક જવાબદાર દેશ તરીકે પાકિસ્તાન નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં સહયોગ કરવા તૈયાર છે. ચીને તાજેતરમાં પહેલગામના આતંકવાદી હુમલાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું.

આ નિવેદનથી ગેલમાં આવી ગયેલા ભારતના નેતાઓને ઠંડો ડામ દેતા હોય તેમ ચીને પહેલગામ હુમલાની નિષ્પક્ષ તપાસ કરાવવાની પાકિસ્તાનની માગણીને ટેકો જાહેર કર્યો છે. આ તપાસની માગણી કરવાનો અર્થ એવો થાય છે કે પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું ચીનને સ્વીકાર્ય નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય અને ભારતનું લશ્કર પશ્ચિમી મોરચે લડતું હોય ત્યારે ચીન લડાખ અથવા અરુણાચલ પ્રદેશના રસ્તે ભારત પર આક્રમણ કરીને મુસીબત પેદા કરી શકે છે. ચીન અને ભારત વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલર નજીક પહોંચી ગયો છે ત્યારે ચીન પાકિસ્તાનને મદદ કરીને પોતાના પગ ઉપર કુહાડો મારવા તૈયાર થશે કે નહીં તે જોવાનું રહે છે.

ચીન અને પાકિસ્તાન પરંપરાગત સાથીદાર છે. આર્થિક મોરચો હોય કે સંરક્ષણ ક્ષેત્ર, ચીને પાકિસ્તાનને મદદ કરી છે. બંને વચ્ચેની મિત્રતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળે છે. જો કે, આ મિત્રતા પહેલાં એટલી ગાઢ નહોતી. સ્વતંત્રતા પછી ભારત માટે ચીનની પ્રાથમિકતા પાકિસ્તાન કરતાં ઘણી વધારે હતી. ૧૯૫૬માં ચીનના વડા પ્રધાન ચાઉ-એન-લાઈની મુલાકાતે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરી હતી.

દરમિયાન, એક સમય એવો આવ્યો જ્યારે પાકિસ્તાન ચીનથી ચિંતિત લાગતું હતું. ૧૯૫૮માં પાકિસ્તાનમાં થયેલા બળવા પછી પ્રથમ લશ્કરી શાસક બનેલા ફિલ્ડ માર્શલ અયુબ ખાન ચીનની વિસ્તરણવાદી નીતિથી ખૂબ ચિંતિત હતા. પોતાની ચિંતાઓને દૂર કરવા માટે ૧૯૫૯માં તેમણે ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો એક પ્રસ્તાવ સાથે સંપર્ક કર્યો હતો. અયુબ ખાને ભારત સમક્ષ સંયુક્ત સંરક્ષણ કરારનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ નેહરુએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

૧૯૬૧માં જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લઈ રહ્યું હતું અને ચીનના સમર્થનમાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તત્કાલીન સિંચાઈ અને ઉદ્યોગ મંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ કર્યું હતું. તેમણે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની તરફેણમાં મતદાન કર્યું. થોડા સમય પછી અમેરિકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી પરંતુ પાકિસ્તાનનો નિર્ણય પહેલાંથી જ થઈ ગયો હતો. ત્યારથી પાકિસ્તાન ચીનનું સમર્થક રહ્યું છે. ૧૯૬૨માં જ્યારે ચીને સરહદ વિવાદ પર ભારત સાથે યુદ્ધ કર્યું ત્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતાનું મુખ્ય કારણ ભારત પ્રત્યેની તેમની સામાન્ય દુશ્મનાવટ બની ગઈ. હવે ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતાનું મુખ્ય કારણ ભારત સાથેની દુશ્મનાવટ કરતાં ઘણું વધારે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ચીનનું ઘણું બધું દાવ પર છે.

આંતરરાષ્ટ્રીય બાબતોમાં ચીને ભારત સામે નિર્ભયતાથી પાકિસ્તાનને ટેકો આપ્યો છે. પછી ભલે તે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન સામે કાર્યવાહી હોય કે FATFની બ્લેકલિસ્ટનો મુદ્દો હોય. ચીન ભલે કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય માની રહ્યું હોય, પરંતુ CPECમાં પાકિસ્તાનને ટેકો આપીને તેણે સરહદ મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર અથવા CPEC એ ચીનના મહત્ત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ બનાવવામાં આવી રહેલા વેપારી નેટવર્કનો એક ભાગ છે. CPEC હેઠળ પાકિસ્તાનમાં ઘણા માળખાગત સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાં ચીને ૬૨ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનની કથળતી જતી અર્થવ્યવસ્થાને લોન દ્વારા સ્થિર કરવાનું શ્રેય પણ ચીનને આપવામાં આવે છે. બીજી તરફ પાકિસ્તાન ક્યારેય ચીન ઉઇગુર મુસ્લિમો સાથે જે રીતે વર્તન કરી રહ્યું છે તેની સામે અવાજ ઉઠાવતું નથી. બાકીની દુનિયા ગમે તે કહે, ચીનને આ મુદ્દે પાકિસ્તાનનો ટેકો મળી રહ્યો છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સહયોગમાં ઘણાં પાસાંઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાની સેના ચીનમાં તાલીમ મેળવે છે. સંયુક્ત લશ્કરી કવાયતો ઉપરાંત, આતંકવાદવિરોધી કવાયતો પણ એકસાથે યોજવામાં આવે છે. એટલું જ નહીં, ચીન પાકિસ્તાનને પરમાણુ શસ્ત્રો, યુદ્ધ જહાજો, વિમાનો અને મિસાઇલો જેવાં લશ્કરી સાધનો બનાવવામાં પણ મદદ કરે છે. પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને ૧૮ ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ચીની શસ્ત્રોનો સૌથી મોટો આયાતકાર છે. તેમાં અમેરિકન વેબસાઇટ રેન્ડ કોર્પોરેશનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ૨૦૦૦-૨૦૧૪ની વચ્ચે ચીનના કુલ શસ્ત્ર વેચાણમાંથી ૪૨ ટકા શસ્ત્રો પાકિસ્તાન દ્વારા ખરીદવામાં આવ્યાં હતાં.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ફોન કોલ દરમિયાન પાકિસ્તાની વિદેશ પ્રધાન ઈશાક ડારે ચીનના વિદેશ પ્રધાનને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ઇશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાન હંમેશા આતંકવાદ સામે લડવામાં દૃઢ નિશ્ચય રહ્યું છે અને તણાવ વધારી શકે તેવી કોઈ પણ કાર્યવાહીનો વિરોધ કરે છે.

પાકિસ્તાન આ પરિસ્થિતિને પરિપક્વ રીતે સંભાળવા માટે પ્રતિબદ્ધ છે અને તે ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે આ બાબતમાં વાતચીત ચાલુ રાખશે. તેના પ્રતિસાદમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ કહ્યું કે ચીન પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. એક મજબૂત મિત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે, ચીન પાકિસ્તાનની કાયદેસર સુરક્ષા ચિંતાઓને સંપૂર્ણપણે સમજે છે અને તેના સુરક્ષા હિતોનું રક્ષણ કરવાના તેના પ્રયાસોને સમર્થન આપે છે. ચીનને આશા છે કે બંને પક્ષો સંયમ રાખશે અને તણાવ ઘટાડવા માટે કામ કરશે. આ સંઘર્ષ ભારત અને પાકિસ્તાનના મૂળભૂત હિતોને કે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ફાયદો કરતો નથી.

ચીનના વિદેશ પ્રધાનના નિવેદન પરથી ખ્યાલ આવે છે કે તેને ભારતની જેટલી ચિંતા છે, તેના કરતાં ક્યાંય વધુ ચિંતા તેના મિત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર પાકિસ્તાનની સુરક્ષાની છે. આ કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પેદા થયો કે તરત તેણે પાકિસ્તાનને PL-૧૫ ખૂબ જ લાંબા અંતરની મિસાઈલની તાત્કાલિક ડિલિવરી કરી દીધી છે. ભૂતકાળમાં પાકિસ્તાનને અણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પણ પરોક્ષ રીતે ચીને જ આપી હતી.

ચીને પહેલગામ હુમલા પછી તેમાં માર્યા ગયેલાં લોકો માટે શોક વ્યક્ત કરીને સંતોષ માન્યો છે, પણ પાકિસ્તાનને ‘એક મજબૂત મિત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર’ ગણાવીને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના વડા પ્રધાન શી જિનપિંગને અમદાવાદમાં બોલાવીને ઢોકળાં અને ફાફડા ખવડાવ્યાં તેથી એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે ચીન ભારતનું મિત્ર બની ગયું છે.

Most Popular

To Top