એક ગામમાં એક માણસ પોતાના ઘરની બહાર એક છોડ વાવી રહ્યો હતો. ત્યારે તેના પાંચ વર્ષના દીકરાએ આવીને પૂછ્યું, ‘પિતાજી, તમે અહીં એક છોડ વાવી રહ્યા છો. છોડ તો બગીચામાં ઉગાડવાના હોય ને?’ પેલા માણસે કહ્યું, ‘તારી વાત સાચી છે દીકરા કે છોડ બગીચામાં ઉગાડવાના હોય પરંતુ આ જો…’ઘરની પાસે આવેલા એક ઘટાદાર ઝાડ તરફ ઈશારો કરતાં તેમણે કહ્યું, ‘આ ઘટાદાર છાયો આપતું ઝાડ મારા દાદાએ ઉગાડ્યું હતું અને હું અને તારા કાકા જ્યારે નાના હતા ત્યારે રમતાં રમતાં થાકી જઈએ ત્યારે આ ઝાડના છાંયડામાં આરામ કરતા અને રસ્તા પર આવતાં જતાં લોકો પણ ગરમીમાં થોડો વિશ્રામ લેવા આ ઝાડ નીચે બેસે છે.
તેનાં પાંદડાંઓ ઓક્સીજન આપે છે ,પંખીઓ અહીં માળા બાંધે છે. એટલે દીકરા હું પણ અહીં આ છોડ વાવી રહ્યો છું, જે થોડાં વર્ષોમાં મોટું ઝાડ થશે અને આપણને બધાને છાંયડો અને શીતળતા આપશે.’ આમ કહીને પિતાજીએ છોડ વાવી દઈને પાણી પાયું. બીજે દિવસે સવારે પિતાજી જ્યારે ઊઠીને નવા વાવેલા છોડને પાણી પીવડાવવા બહાર આવ્યા તો જોયું કે તેમનો પાંચ વર્ષનો નાનકડો દીકરો ધીમે ધીમે પોતાના હાથોથી જમીન ખોદી રહ્યો હતો.
પિતાજીએ તેને પૂછ્યું, ‘આ શું કરે છે દીકરા?’ ત્યારે નાનકડા છોકરાએ કહ્યું, ‘પિતાજી, હું પણ તમે વાવેલા છોડની બાજુમાં એક નવો છોડ વાવું છું, જેથી તે પણ ઊગીને ઝાડ થાય અને બધાને ઠંડક આપે.’ પોતાના નાનકડા દીકરાની વાત સાંભળી પિતાજી ખુશ થઈ ગયા અને તેને કહ્યું. ‘અરે વાહ, મેં આટલાં વર્ષો બાદ દાદાજીની ઝાડ વાવવાની પરંપરા નિભાવી અને તું અત્યારે જ નિભાવી રહ્યો છે. તારી સમજ પર મને ગર્વ છે.
ચલ, આપણે સાથે મળીને નવો છોડ વાવીએ.’ પિતા પુત્રે સાથે બીજો નવો છોડ વાવ્યો અને તેને પાણી પાયું.નાનકડો છોકરો રોજે રોજ હોંશે હોંશે છોડને પાણી આપતો અને ધ્યાન રાખતો અને તેના મોટા થવાની રાહ જોવા લાગ્યો અને પિતાજી તેને ઘરની પરંપરા નિભાવતો જોઇને રાજી થતા. વૃક્ષ આપણા માટે જીવાદોરી સમાન છે તે આપણે યાદ રાખવું જોઈએ અને આવી પરંપરા નિભાવવી જોઈએ. વર્ષમાં જન્મદિને, ખાસ દિને, તહેવારો પર વૃક્ષ ઉગાડવાની પરંપરા શાસ્ત્રોમાં પણ લખી છે તે આપણે બધાએ આપણી આવનારી પેઢી માટે નિભાવવી જોઈએ.