અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના અધિકારોનું રક્ષણ કરવું અને કાયદાના રાજની રખેવાળી કરવી એ સર્વોચ્ચ અદાલતનું બંધારણચીંધ્યું કર્તવ્ય પણ છે એટલે સર્વોચ્ચ અદાલત તેનાથી છટકી ન શકે. એનાથી એક ફાયદો એ થાય કે લોકોને જાણકારી મળે કે દેશમાં ચાલી શું રહ્યું છે. કઈ રીતે શાસકો વિવેક, લોકતાંત્રિક મર્યાદા અને બંધારણનો ભંગ કરી રહ્યા છે.
બીજો ફાયદો એ થાય કે સરકારે અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવો પડે. સંસદમાં જવાબ આપવાથી છટકી શકાય, પણ અદાલતોમાં જવાબ આપવાથી છટકી ન શકાય. એનાથી નાગરિકોને જાણ થાય કે સરકાર પાસે કોઈ તર્કશુદ્ધ દલીલો પણ નથી. આમાં ત્રીજો ફાયદો એ થાય કે અદાલતોમાં બધા જજ કરોડરજ્જુ વિનાના, ડરપોક, કઢીચટ્ટા, બીકાઉ લાલચી હોતા નથી. તેમાંના કેટલાક જજો નાગરિક અને ન્યાયના પક્ષે ઊભા રહેવા જેટલું કાઠું ધરાવતા હોય છે. અદાલત જો નાગરિક અને ન્યાયનો પક્ષ લે તો સરકારને ભારે પડી જાય.
આ સિવાય જજોને ખબર છે કે ન્યાયતંત્રમાં સાઇટેશન એટલે કે પાછલા ચુકાદાઓને પ્રમાણ તરીકે સતત ટાંકવામાં આવે છે. આ વકીલાત અને ન્યાયતંત્રની અનિવાર્ય જરૂરિયાત છે. એક ખટલો એવો નહીં જોવા મળે જેમાં પાંચ-દસ સાઇટેશન ન હોય અને જ્યારે ખટલો મૂળભૂત અધિકાર વિશેનો હોય, કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગેનો હોય કે એવા બીજા ભારતીય રાજ્યના કલેવર અને પ્રાણને લગતા હોય ત્યારે તો એમાં ઢગલોએક સાઇટેશન આપવામાં આવે છે.
આને કારણે ભવિષ્યમાં વારંવાર અદાલતોમાં આપણી આબરુની પાઘડી ઉછળવાની છે એ ડરે કેટલાક જજો ન્યાયસંગત ચુકાદા આપે છે. શાસકો તો આવે ને જાય, પણ ભવિષ્યમાં સો-બસો વરસ સુધી દેશની અદાલતોમાં અને કવચિત વિદેશની અદાલતોમાં વકીલો દલીલ કરતી વખતે આપણને હાજર કરવાના છે. આવનારી પેઢી અદાલતોમાં આપણી આવડતની, આપણી પ્રામાણિકતાની અને ન્યાયનિષ્ઠાની કસોટી કરતી જ રહેવાની છે.
ઉદાહરણ આપવું હોય તો ઈમરજન્સીનું આપી શકાય. ઓમ મહેતા ઈમરજન્સીના દિવસોમાં રાજ્ય કક્ષાના પ્રધાન હોવા છતાં કેન્દ્રના સર્વેસર્વા ગૃહ પ્રધાન હતા અને તેમની જાણકારીમાં અને ટેકા સાથે નાગરિકો સાથે અત્યાચાર કરવામાં આવતા હતા. આજે તેઓ ભુલાઈ ગયા છે, બીજી બાજુ ન્યાયમૂર્તિ પી. એન. ભગવતી, ન્યાયમૂર્તિ એ. એન. રે, ન્યાયમૂર્તિ એમ. એચ. બેગની કુખ્યાતિ તેમનો પીછો નથી છોડતી. તેઓ ખરા ટાણે સત્યની સાથે, ન્યાયની સાથે, બંધારણની સાથે અને નાગરિકના પડખે ઊભા રહેવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
ન્યાયમૂર્તિ ભગવતી તો એટલી હદે અપરાધભાવ અનુભવતા હતા કે મૃત્યુ પહેલાં તેમણે તેમની ભૂલ સ્વીકારી લીધી હતી અને આડકતરી રીતે માફી માગી હતી. વેચાઈ જવું સહેલું છે, પણ વેચાણખત વારંવાર ટાંકવામાં આવે અને એ પણ સદીઓ સુધી ત્યારે એ બહુ વસમું નીવડતું હોય છે. માટે અદાલતોના દરવાજા ખખડાવતા રહેવું જોઈએ. ત્યાં ભલે સંખ્યામાં થોડા પણ પ્રામાણિક અને હિંમત ધરાવનારા જજો બેઠા છે જેને સરકાર ખરીદી શકવાની નથી. તેઓ બંધારણ અને ન્યાયના પક્ષે ઊભા રહેશે. જેમનામાં હિંમત ખૂટે છે એવા, પણ લાજશરમ ધરાવનારા જજો ભવિષ્યમાં તેમના ચુકાદાઓના સાઇટેશનથી ડરીને ન્યાયની વિરુદ્ધ બહુ દૂર નહીં જાય. થોડુંક દહીંદૂધિયું વલણ રાખશે એટલું જ.
સરકાર આ જાણે છે અને સરકારે ઉપાય શોધ્યો છે, ન રહે બાંસ ન બજે બાંસુરી. જજોની નિમણૂકો જ નહીં કરવાની. સમૂળગા ન્યાયતંત્રનું જ કાસળ કાઢી નાખવાનું. રોજ હજારો નવા કેસ આવતા હોય, કામનો ભરાવો હોય, અમુક ગંભીર કેસોને લઈને માનસિક દબાવ હોય, સમાજની અપેક્ષા હોય, ગંભીર કેસોમાં મીડિયાની નજર હોય અને જજો ઓછા પડતા હોય ત્યારે ન્યાયતંત્ર કેવી ગુંગળામણ અનુભવે એની કલ્પના કરી જુઓ. કોવીડના બીજા મોજા વખતે બન્યું હતું એમ ઓક્સીજનની સપ્લાઈ જ બંધ કરી દેવાની. જજો હોય તો કોઈ તમારી રાવ સાંભળશે ને!
પ્રમાણ જોઈએ છે? સૌથી મોટી ટાર્ગેટ કલકત્તાની વડી અદાલત છે, કારણ કે તે કોલકત્તામાં છે. બંગાળમાં ગજ વાગતો નથી કલકત્તાની વડી અદાલત માટે ૭૨ જજોની નિમણૂક (sanctioned strength) કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૧ જજો છે અને ૪૧ જગ્યા ખાલી છે. કોલકત્તામાં અડધા કરતાં વધુ અદાલત ખાલી પડી છે. બીજો મોટો ટાર્ગેટ દિલ્હીની વડી અદાલત છે, કારણ કે એ દિલ્હીમાં છે. દિલ્હીની વડી અદાલતમાં કુલ ૬૦ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૦ જજો છે.
જેને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ભરવામાં આવતી નથી. ત્રીજી ટાર્ગેટ અલ્હાબાદની વડી અદાલત છે અને એનું કારણ પણ દેખીતું છે. ત્યાં બીજેપીનો સૌથી મોટો રાજકીય દાવ લાગેલો છે અને ઉપરથી મુખ્ય પ્રધાન તુંડમિજાજી તેમ જ આવડત વિનાનો ફૂહડ છે. અલ્હાબાદની વડી અદાલતને કુલ ૧૬૦ જજો ફાળવવામાં આવ્યા છે અને અત્યારે તેની પાસે ૯૪ જજો છે અને ૬૬ જગ્યા ખાલી પડી છે. એ પછી ગુજરાતની વડી અદાલત ટાર્ગેટ છે, કારણ કે ગુજરાતમાં પણ શાસનના નામે મીંડું છે. ગુજરાતની વડી અદાલતને બાવન જજો ફાળવવામાં આવ્યા છે, પણ અત્યારે તેની પાસે ૨૮ જજો છે અને ૨૪ જગ્યા ખાલી છે.
આ વિગત પહેલી ઓગસ્ટ ૨૦૨૧ ની છે અને તે ભારત સરકારની ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કુલ મળીને ભારતની ૨૫ વડી અદાલતોમાં ૧૦૯૮ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને તેની સામે ૬૪૩ જજો કામ કરે છે અને ૪૫૫ જગ્યાઓ ખાલી પડી છે. લગભગ ૪૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે અને તેને ચાહી કરીને ભરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતની સ્થિતિ થોડીક સારી છે. સર્વોચ્ચ અદાલતને ૩૪ જજો ફાળવવામાં આવ્યા છે, ૨૬ જજો કામ કરે છે અને આઠ જગ્યા ખાલી પડી છે. એને પણ કદાચ અડધોઅડધ ખાલી કરી નાખવામાં આવશે.
ન્યાયતંત્ર ગુંગળામણ અનુભવે એ સ્વાભાવિક છે. કે ૨૦૧૬ માં એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી. એસ. ઠાકુર એક સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને આજીજી કરી હતી કે મહેરબાની કરીને ન્યાયતંત્રને બચાવો. અમારી પાસે જજો નથી અને ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે. વડા પ્રધાને તેમના ભાષણમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીડાનો ઉલ્લેખ સુદ્ધાં નહોતો કર્યો, પ્રતિસાદ તો દૂરની વાત છે. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રડે અને વડા પ્રધાન મોઢું ફેરવી લે?
હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ. કે. કૌલ અને હૃષીકેશ રોયે હૈયાવરાળ કાઢી છે. એક કેસમાં સુનાવણી દરમ્યાન આ બે જજોએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની કોલેજિયમે વડી અદાલતોમાં જજોની નિમણૂકો માટે નામ મોકલ્યાં છે, પણ કેન્દ્ર સરકાર ભરતી જ નથી કરતી. આ પહેલાં ૨૦ મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચે સરકારને જજોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને તે માટે ૧૮ અઠવાડિયાંનો સમય આપ્યો હતો. મુદતનાં ૧૬ અઠવાડિયાં વીતી ગયાં છે, પણ નિમણૂકો કરવામાં આવતી નથી. માટે જજોએ સરકારના વલણને તુંડમિજાજી ઉદ્દંડ તરીકે ઓળખાવ્યું છે. ન્યાયમૂર્તિ દાયકા પહેલાં દિલ્હીની વડી અદાલતમાં જજ તરીકે જોડાયા ત્યારે દિલ્હીની વડી અદાલતમાં જજોની કુલ સંખ્યા ૩૩ જજોની હતી અને તેઓ ૩૨ મા ક્રમે હતા.
હવે બે વાત ભક્તરાજને કહેવાની રહે છે. વિદેશી કંપનીઓ ભારતમાં નાણાંનું રોકાણ કરતી વખતે શરત મૂકે કે જો કોઈ મતભેદ કે ઝઘડો થાય તો ખટલો અમારા દેશની અદાલતમાં ચાલશે. ભારતની અદાલતમાં નહીં, કારણ કે ભારતમાં ટાણાસર ન્યાય મળતો નથી, ત્યારે તમે પોરસાશો કે શરમ અનુભવશો? આવું બની રહ્યું છે અને બીજું, કાલે તમને ન્યાય જોઈતો હશે ત્યારે તમે કોની પાસે જશો? કલ્પના કરો કે તમારી સાથે ભયંકર ખોટું થયું હોય, તમારી આંતરડી ન્યાય માટે કકળતી હોય અને સામે ન્યાય તો બાજુએ રહ્યો, ન્યાયતંત્ર સાંભળવાની સ્થિતિમાં પણ ન હોય! કલ્પના કરી જુઓ. આ શક્ય છે, કારણ કે તમે એક સામર્થ્યહીન અદના નાગરિક છો. તાળીઓ પાડતાં પહેલાં અને સીટીઓ વગાડતાં પહેલાં પોતાનું હિત તો જુઓ! કંઈ નહીં તો તમારાં સંતાનોને તો સુરક્ષિત ભવિષ્ય આપતાં જાવ! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.