હવે લગ્નની મોસમ પુર બહારમાં ખીલી છે. વસંત પંચમીએ તો મુહૂર્ત જોવાનું જ નહિ. લગ્નગાળાની અસર શાકભાજી ભાવ પર પણ વર્તાય. જાણવા મળ્યું છે કે કેટલાક શહેરોમાં (સુરતમાં પણ હશે જ) પ્રસંગ પૂરો થયા પછી તૈયાર રસોઇ વધી હોય તેનો ઉપયોગ જરૂરિયાતમંદોને વહેંચવામાં થાય. સેવાભાવી સંસ્થાઓનું આ ઉત્તમ કાર્ય છે. ફોન પર ખબર મળતા જાણ થતા સ્વયંસેવકો વાડી અગર સ્થળ પર પહોંચી જાય અને વધેલા રાંધેલા ધાનનો યોગ્ય નિકાલ કરવામાં આવે. ભૂખ્યાજનોની જઠરાગ્નિને ઠારવાની અદ્ભૂત અને ઉત્તમ સેવા. સામાન્ય રીતે જે કુટુંબમાં પ્રસંગ હોય તે ખૂબ જ વ્યસ્ત રહે. રસોઇ વધી પડી છે એવી જાણ થાય ત્યારે તેનો નિકાલ કરવા જેટલી હોંશ સુધ્ધા ન હોય. ડસ્ટબીનો અડધી ભરેલ ડીસથી છલકાતા હોય. બગાડ નર્યો બગાડ! કંકોતરી આગોતરી લખવામાં આવે છે તેમ રાંધેલા ડસ્ટબીનમાં પડેલ રસોડામાં વધેલ ખોરાક માટે પ્રસંગ ઉજવનારાઓએ આવી વ્યવસ્થા પણ અગાઉથી કરવી જોઇએ. ફુડબેંકની સંખ્યા વધવી જરૂરી.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દેશની રેસલિંગ વિજેતાએ પણ કહેવું પડયું ‘આ દેશમાં દીકરી તરીકે જન્મ ન લેવો જોઇએ’
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડયા અને ખાસ કરીને તેના અધ્યક્ષ સામે દેશના ત્રીસ જેટલા રેસલર્સ દ્વારા શરૂ થયેલા ધરણા પ્રદર્શનના કાર્યક્રમોમાં અનેક વળાંકો આવ્યા અને આ કાર્યક્રમો સમેટાયા. પરંતુ આ પ્રદર્શનો દરમિયાન રમત મંત્રાલય સાથે યોજાયેલી એક બેઠક પછી જાણીતી રેસલર વિનેશ ફોગાટે લાગણીશીલ થઇને જે વાકય કહયું તે આપણને હચમચાવી દે એવું છે. વિનેશે કહ્યું કે ‘આ દેશમાં દીકરી તરીકે જન્મ ન લેવો જોઇએ.’ દેશમાં બીજા બધા મુદ્દાઓની ચર્ચા અને અવાજોની વચ્ચે આ વાકય દબાઇ ગયું. દેશને ગૌરવ અપાવનાર એક દીકરીએ આવું વાકય કહેવું પડે એ આપણા માટે વિચારણીય છે. હજી પણ આપણા દેશમાં દીકરીઓ સ્ત્રીઓની સલામતી સંદર્ભે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો સ્પષ્ટ નિર્દેશ આ વાકય પરથી સાંપડે છે. મૂળ પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કયારે બદલાશે? બદલાશે ખરી?
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.