Editorial

દુનિયાની વધતી જતી વસ્તી નિયંત્રણમાં નહીં આવે તો મોટી સમસ્યા સર્જાશે

દેશ અને દુનિયાની જો કોઇ સૌથી મોટી સમસ્યા હોય તો તે વધતી  જતી વસ્તી છે. જો આજ પ્રકારે વસ્તી વધતી જશે તો આગામી વર્ષોમાં દેશ અને દુનિયા સામે અનેક એવી સમસ્યા ઉભી થશે કે જેના પર નિયંત્રણ કરવું લગભગ અશક્ય બની જશે એટલે વસ્તી નિયંત્રણમાં આવે તે ખૂબ જ જરૂરી છે. આજે 11મી જુલાઇ છે એટલે કે તેને આખી દુનિયા વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવે છે. આ દિવસની ઉજવણી પાછળ એક માત્ર ઉદ્દેશ્ય છે અને તે એ છે કે, વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવી શકે. આ ઉજવણીની શરૂઆત યુનાઇટે નેશન્સ દ્વારા  1989માં કરવામાં આવી હતી.

એક અંદાજ મુજબ દર વર્ષે સાડા આઠ કરોડ લોકો દુનિયામાં વધારે ઉમેરાઇ છે અને જો આ અંદાજ મુજબ ગણતરી કરવામાં આવે તો વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે. વિશ્વના લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી. આ એટલી મોટ સમસ્યા છે કે ભવિષ્યમાં કોઇ પણ દેશના વિકાસ સામે સૌથી મોટો પડકાર હશે તો તે વસ્તી વધારાનો હશે. ચીનની વાત કરીએ તો ચીન સામ્રાજ્યવાદી દેશ છે. અહીં લોકો પર કેટલી રીતે પ્રતિબંધ મુકીને વસ્તીવધારા પર કાબુ મેળવવાનાં પ્રયત્નો કરાઈ રહ્યા છે. પરંતુ ભારત લોકતાંત્રીક દેશ છે. સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબુ મેળવવો અશક્ય છે. તાજેતરમાં યુનિસેફના એક અહેવાલમાં અનાજની કટોકટી માટે એશિયાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

આ વાત હવે ઝડપથી સ્વીકારી લેવી જોઈએ કે અનાજની તંગી દિવસેને દિવસે વધી રહી છે. અનાજ શા માટે, અનાજની સાથે સાથે જળ સંકટ પણ વધી રહ્યો છે. વધતી જતી વસ્તીના કારણે પ્રદુષણનું પ્રમાણ પણ એટલી જ હદે વધી રહ્યું છે. જેને પગલે જમીનની ફળદ્રુપતામાં ઝડપીથી ઘટાડો થઈ રહ્યો છે તદ્દ ઉપરાંત પાણીનું સ્તર પણ ઘટી રહ્યું છે. જો આપણે સમય રહેતા સભાનતા દાખવી વધતી વસ્તીને રોકવા પ્રયત્ન નહીં કરીએ તો એક દિવસ ભૂખમરો અને જળ સંકટનો સામનો કરવો પડશે. વસ્તી વધારાને નાથવા દરેક વ્યક્તીએ સભાનતા દાખવી પડશે. ભગવાન આપણને બાળક આપે છે આ માનસિકતાને આપણે છોડવી પડશે નહિતર આવનારા સમય પરીસ્થિતિ વધારે કથળી શકે છે. એટલે આ સમસ્યા પર યેનકેન પ્રકારે નિયંત્રણ લાવવું ખૂબ જ જરૂરી છે.

દુનિયામાં ચીને આ પ્રકારનો પહેલો પ્રયત્ન શરૂ કર્યો હતો અને તેમાં તેને મહ્દઅંશે સફળતા પણ મળી છે. વસ્તીને દ્રષ્ટીએ વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે અને ત્યાર પછી ભારતનો નંબર આવે છે. પરંતુ આગામી 10 કે 20 વર્ષમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત ચીનને પાછળ મૂકી દે તેમાં બે મત નથી. વસ્તીને નિયંત્રણમાં લેવા માટે ઉત્તર પ્રદેશે જે પ્રયત્નો શરૂ કર્યાં છે તે સરાહનીય છે. એવું એટલા માટે છે કે,  કોઇને કોઇએ તો આ દિશામાં પહેલ કરવી જ પડશે.

ઉત્તરપ્રદેશ સરકારે બે દિવસ પહેલા જ વસ્તી નિયંત્રણના ખરડા 2021ની જોગવાઇ કરી છે. આ સૂચિત ખરડા માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે અને  તે માટેની છેલ્લી તારીખ ૧૯ જુલાઇ છે. જો આ ખરડો કાયદો બનશે તો તે પરિણીત યુગલને લાગુ પડશે જ્યાં છોકરાની વય ૨૧ વર્ષથી ઓછી નહીં અને છોકરીની વય ૧૮ વર્ષથી ઓછી નહીં હોય. ઉત્તર પ્રદેશમાં પર્યાવરણીય અને આર્થિક સ્ત્રોતો મર્યાદિત બની ગયા છે તેથી વસ્તી નિયંત્રણની તાકીદની જરૂરિયાત છે એમ આ ખરડાના મુસદ્દામાં કહેવાયું છે.

આ ખરડો જ્યારે કાયદો બની જશે ત્યારે તેને પ્રોત્સાહન આપવા માટે એવી નીતિ નક્કી કરવામાં આવી છે કે, બે બાળકોની નીતિ અપનાવનારા સરકારી નોકરોને તેમની નોકરીના સમગ્ર કાર્યકાળ દરમ્યાન વધારાના બે ઇન્ક્રિમેન્ટ મળશે, મેટરનિટી લીવ અને જે કિસ્સામાં જરૂરી હોય ત્યાં પેટરનિટી લીવ પણ પૂરા પગાર, ભથ્થાઓ સાથે મળશે તથા નેશનલ પેન્શન સ્કીમ હેઠળના નોકરીદાતાના ફાળામાં ત્રણ ટકાનો વધારો અપાશે. જો કે વિપક્ષ આ કાયદાનો વિરોધ કરે છે પરંતુ સાચી હકીકત એ છે કે, વસ્તીને નિયંત્રણ લાવવા માટે નાની તો નાની પરંતુ શરૂઆત તો કરવી જ પડશે નહીં તો આવનારા દિવસોમાં આ સમસ્યા બીજી અનેક સમસ્યાને જન્મ આપશે.

Most Popular

To Top