Charchapatra

અમેરિકા બળજબરીથી ગ્રીનલેન્ડ કબજે કરશે તો નાટોના દેશો વચ્ચે યુદ્ધ થશે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મેડનેસમાં પણ મેથડ જોવા મળે છે. પહેલાં તેમણે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી, હવે તેઓ ગ્રીનલેન્ડ ટાપુને અમેરિકામાં ભેળવી દેવાની વાત કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ડેનમાર્કના સ્વ-શાસિત પ્રદેશ અને વિશ્વના સૌથી મોટા ટાપુ ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ૨૦૧૯ માં તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ મુદ્દા પર વિચાર કર્યો હતો, પરંતુ કોઈ પગલાં લીધા ન હતાં. એવું બિલકુલ નથી કે અમેરિકાએ અગાઉ કોઈ વિસ્તાર ખરીદ્યો નથી.

દેશનું સૌથી મોટું રાજ્ય અલાસ્કા અમેરિકા દ્વારા ૧૮૬૭ માં રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. અલાસ્કા અને ગ્રીનલેન્ડ બંનેમાં ઠંડુ વાતાવરણ, ઓછી વસ્તી ગીચતા, વ્યૂહાત્મક સ્થાનો અને તેલના ભંડાર છે. અલાસ્કામાં ૫,૮૬,૪૧૨ ચોરસ માઇલનો સમાવેશ થાય છે, તે સમયે તેની કિંમત માત્ર ૭૨ લાખ ડોલર હતી, જે આજે આશરે ૧૫.૩૫ કરોડ ડોલર મિલિયન થાય છે. એક રિપોર્ટ અનુસાર ૮,૩૬,૦૦૦ ચોરસ માઈલમાં ફેલાયેલા ગ્રીનલેન્ડની કિંમત ૨૩ કરોડ ડોલર આંકવામાં આવી શકે છે, જે અલાસ્કાની એડજસ્ટેડ કિંમત કરતાં ૪૫ % વધુ છે.

અમેરિકાએ અગાઉ પણ ગ્રીનલેન્ડ ખરીદવાની શક્યતાઓ તપાસી હતી. ૧૯૪૬ની અમેરિકાની દરખાસ્તમાં ૧૦ કરોડ ડોલરના સોનાના બદલામાં ગ્રીનલેન્ડ ખરીદવાનો વિચાર કરવામાં આવ્યો હતો, જેની કિંમત આજે ૧.૬ અબજ ડોલર કરતાં વધુ છે. અમેરિકાએ ૧૯૧૭માં ડેનમાર્ક પાસેથી અમેરિકન વર્જિન ટાપુઓ ૨.૫ કરોડ ડોલર (આજની કિંમતમાં અંદાજે ૬૧.૬૨ કરોડ ડોલર) માં ખરીદ્યા હતા. ૧૮૦૩ માં લ્યુઇસિયાનાને ફ્રાન્સ પાસેથી ૧.૫ કરોડ ડોલર (આજની કિંમતમાં લગભગ ૪૧.૮૮ કરોડ ડોલર) માં ખરીદવામાં આવ્યું હતું. ૨૦૨૧માં ગ્રીનલેન્ડની જીડીપી ૩.૨૪ અબજ ડોલર બિલિયન હતી. જો કે, ગ્રીનલેન્ડ ખરીદવાની વાસ્તવિક કિંમત વિશે અનિશ્ચિતતા રહે છે. અમેરિકાના બંધારણ હેઠળ ભંડોળ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર પડશે. સવાલ એ છે કે ડેન્માર્ક ગ્રીનલેન્ડ વેચવા તૈયાર ન થાય તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે?

ગ્રીનલેન્ડમાં અમેરિકાને રસ પડવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. આ ટાપુ ઉત્તર અમેરિકાથી યુરોપના સૌથી ટૂંકા માર્ગ પર સ્થિત છે. તેમાં દુર્લભ ખનિજોનો સૌથી મોટો ભંડાર છે, જે બેટરી અને ઉચ્ચ તકનીકી સાધનોના ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ છે. ગ્રીનલેન્ડમાં એક વિશાળ અમેરિકન સૈન્ય મથક છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવા માટે ડેનમાર્ક સામે લશ્કરી અથવા આર્થિક પગલાંનો ઉપયોગ કરવાની સંભાવનાને નકારી કાઢશે નહીં. આ ટાપુઓ ચીન અને રશિયન જહાજો પર નજર રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે, જે આ દિવસોમાં દરેક જગ્યાએ દેખાઈ રહ્યા છે. અમેરિકાને આર્થિક સુરક્ષા માટે ગ્રીનલેન્ડની જરૂર છે.

એક મોટો પ્રશ્ન એ છે કે શું ગ્રીનલેન્ડ ખરીદવું ખરેખર એટલું સરળ છે? ૨૦૧૯ માં ડોનાલ્ડ ટ્રમ્પે ડેનમાર્કનો તેમનો પ્રવાસ રદ કર્યો હતો, કારણ કે વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને ગ્રીનલેન્ડ ખરીદવાના અમેરિકાના વિચારને ફગાવી દીધો હતો. ૫૭,૦૦૦ની વસ્તી ધરાવતું ગ્રીનલેન્ડ ૬૦૦ વર્ષથી ડેનમાર્કનો ભાગ છે. ડેનિશ વડા પ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને ડેનિશ ટીવીને જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડના લોકોનું છે અને માત્ર સ્થાનિક વસ્તી જ તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે. તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી, પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે ડેનમાર્કને નાટોના સાથી અમેરિકા સાથે ગાઢ સહકારની જરૂર છે.

ગ્રીનલેન્ડની સંભવિત કિંમત બાબતમાં નિષ્ણાતોએ સેંકડો અબજ ડોલરથી લઈને ટ્રિલિયન ડોલર સુધીના સટ્ટાકીય અંદાજો રજૂ કર્યા છે. ગ્રીનલેન્ડ તેના દુર્લભ પૃથ્વી ખનિજો અને સંસાધનની સંભવિતતાને કારણે ૧.૧ ટ્રિલિયન ડોલરનું મૂલ્ય હોઈ શકે છે. આ ગણતરીમાં ગ્રીનલેન્ડની અર્થવ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની કિંમતનો સમાવેશ થાય છે. ગ્રીનલેન્ડના પ્રદેશને અમેરિકામાં ભેળવી દેવા માટે તેણે ખાણકામ, ઊર્જા અને સામાજિક સેવાઓમાં ભારે રોકાણ કરવાની જરૂર પડશે. આ કિંમતને ૧.૫ ટ્રિલિયન ડોલર અથવા વધુ સુધી લાવી શકે છે, જે તેને ઇતિહાસમાં સૌથી મોંઘા એક્વિઝિશનમાંથી એક બનાવે છે. ગ્રીનલેન્ડના 57,000 રહેવાસીઓ માટે વળતરનો પ્રશ્ન પણ છે.

તેમાં ગ્રીનલેન્ડના રહેવાસીઓને સીધી ચૂકવણી કરવાની દરખાસ્ત છે, જે પ્રતિ વ્યક્તિ ૧ લાખથી ૧૦ લાખ ડોલર સુધીની હોઈ શકે છે. તેનાથી કુલ ખર્ચ ૫.૭ અબજ વધીને ૫૭ અબજ ડોલર થઈ શકે છે. ગ્રીનલેન્ડ હસ્તગત કરવાનો કોઈપણ પ્રયાસ કરતાં પહેલાં અમેરિકાએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંધિઓ અને મહત્વપૂર્ણ રાજદ્વારી અવરોધોને દૂર કરવા જોઈએ. ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના નેતાઓએ વેચાણના વિચારને સતત નકારી કાઢ્યો છે. આ મુદ્દે દાદાગીરી કરવાના અમેરિકાના પ્રયાસથી નાટોના ભાગીદારો સહિત મુખ્ય સહયોગીઓ સાથેના તેના સંબંધોને નુકસાન થશે અને કદાચ યુદ્ધ પણ ફાટી નીકળશે.

વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ ટેક્સાસ કરતાં ત્રણ ગણો મોટો હોવાનું કહેવાય છે અને તે ૫૭,૦૦૦ થી વધુ લોકોનું ઘર છે, જેમાંથી મોટા ભાગના લોકો અલાસ્કા, કેનેડા, ગ્રીનલેન્ડ અને રશિયાના આર્કટિક પ્રદેશોના મૂળ રહેવાસીઓ છે. ઐતિહાસિક રીતે ગ્રીનલેન્ડ ડેનમાર્કની વસાહત હતી. તે ૧૯૭૯માં સ્વશાસિત બન્યું હતું, પણ તે હજુ પણ ડેનમાર્કનો પ્રદેશ છે. જોકે ગ્રીનલેન્ડના વડા પ્રધાન મ્યૂટ એગેડે ડેનમાર્કથી સ્વતંત્રતાની હાકલ કરી છે. ગ્રીનલેન્ડને તેનું ભૌગોલિક સ્થાન અને તેની ખનિજ સમૃદ્ધિ ખાસ બનાવે છે. ગ્રીનલેન્ડ અમેરિકા, રશિયા અને યુરોપ વચ્ચેના આર્કટિક સર્કલને ભૌગોલિક રીતે વ્યૂહાત્મક બનાવે છે. આર્કટિક સમુદ્રમાં બરફ પિગળવાને કારણે તે શિપિંગ અને વેપાર માટે વધુ ખુલ્લો બન્યો હોવાથી ગ્રીનલેન્ડનું મહત્ત્વ વધી ગયું છે.

ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની મહત્વાકાંક્ષા પાછળ ચીનને દૂર રાખવાની ઇચ્છા પણ છે. ૨૦૧૯ માં રિપબ્લિકન ધારાસભ્યોએ ચેતવણી આપી હતી કે ચીન ગ્રીનલેન્ડ પર એરપોર્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ત્યાં જૂનું અમેરિકન નેવલ બેઝ પણ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીને પણ આર્કટિક સમુદ્ર મારફતે નવા દરિયાઈ રૂટમાં નોંધપાત્ર રસ દાખવ્યો છે. ગયા નવેમ્બરમાં ચીન અને રશિયા આર્કટિક શિપિંગ રૂટ વિકસાવવા સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. ગ્રીનલેન્ડ મહત્વપૂર્ણ ખનિજોનો સમૃદ્ધ સ્રોત છે. તે કોલસો, જસત, તાંબુ, લોખંડ, હીરા અને તેલથી સમૃદ્ધ છે. આ ખનિજો ઉચ્ચ સ્તરીય સૈન્ય, ગ્રીન એનર્જી અને ઔદ્યોગિક ટેક્નોલોજી માટે મહત્ત્વપૂર્ણ છે અને તે અમેરિકાને ચીન પર સરસાઈ અપાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લે તે પછી નવા મોરચે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના વધી રહી છે.

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પરની ધમકીને લઈને અમેરિકા અને તેના સાથી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ગ્રીનલેન્ડને અમેરિકા સાથે ભેળવી દેવાની ટ્રમ્પની ધમકી બાદ હવે નાટોના બે મોટા દેશોએ ચેતવણી જાહેર કરી છે. પહેલી વાર જર્મની અને ફ્રાન્સે આ અંગે નિવેદન આપ્યું છે, જેમાં ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાને યુરોપિયન એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ડેનમાર્કના સ્વાયત્ત વિસ્તારને કબજે કરવા માટે સૈન્ય બળનો ઉપયોગ કરવાની શક્યતાને નકારી શકાય નહીં.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની ધમકી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે સીમાઓની અખંડિતતાનો સિદ્ધાંત દરેક દેશને લાગુ પડે છે, પછી ભલે તે ખૂબ નાનો હોય કે ખૂબ શક્તિશાળી હોય. ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન નોએલ બેરોટે જણાવ્યું હતું કે કોઈ પણ સંયોગોમાં યુરોપિયન યુનિયન અન્ય દેશોને તેની સરહદો પર હુમલો કરવાની મંજૂરી આપશે નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top