અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાંથી વિદાય થવાનું ચાલુ કર્યું કે તરત તાલિબાને અફઘાનિસ્તાનની વધુ ને વધુ જમીન કબજે કરવાના યુદ્ધને ઉગ્ર બનાવી દીધું છે. તાલિબાને હમણાં જ તાજિકિસ્તાનના પ્રવેશદ્વાર સમું અમુ દરિયા શહેર કબજે કર્યું છે અને ઐતિહાસિક કંદહાર શહેર પણ તેમના કબજામાં આવી ગયું છે. શનિવારે ૨૪ કલાકમાં અફઘાનિસ્તાનના ૧૩ જિલ્લાઓ તાલિબાનના કબજામાં આવી ગયા છે. અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન વચ્ચેની સરહદ પર આવેલા વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા હાઇ વે પર પણ તાલિબાને કબજો જમાવ્યો છે. અફઘાનિસ્તાનનું લશ્કર તાલિબાનનો જોરદાર સામનો કરી રહ્યું છે, પણ તાલિબાનના હાથમાં વિદાય લઈ રહેલા અમેરિકન સૈન્યનાં હથિયારો આવી જતાં તાલિબાનની તાકાત એકદમ વધી ગઈ છે.
તાલિબાનની નજર હવે કાબુલ ઉપર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે ૧૧ સપ્ટેમ્બર પહેલાં અમેરિકાના તમામ સૈનિકો વતન પાછા ફરશે. ત્યાર પછી કાબુલ પર કબજો જમાવતા તાલિબાનને વાર નહીં લાગે. ૧૯૯૬ ના તાલિબાનમાં અને આજના તાલિબાન વચ્ચે ઘણો ફરક છે. ૧૯૯૬ નું તાલિબાન માત્ર સુન્ની પશ્તુન સૈનિકોનું બનેલું હતું. આજના તાલિબાનમાં ૪૦ ટકા અફઘાન તાજિક અને ઉઝબેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુપ્તચર સંસ્થાઓની માહિતી મુજબ તાલિબાનમાં હવે શિયા કમાન્ડર પણ છે, કારણ કે તેઓ સમગ્ર ઇસ્લામનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરે છે.
જાણકારો કહે છે કે તાલિબાન જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં વધુ ને વધુ જમીન જીતી રહ્યું છે ત્યાં સુધી તેની એકતા ટકી રહેશે; પણ અફઘાન સૈન્ય જ્યાં તેને જોરદાર ટક્કર આપશે ત્યાં તેની અંદરની ત્રુટિઓ બહાર આવશે. ગમે તે રીતે અફઘાનિસ્તાન ગૃહયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે. તેને કારણે પાકિસ્તાનની તેના ઉપરની પકડ ઢીલી પડશે. અફઘાનિસ્તાનના જે નાગરિકો તાલિબાનની કડકાઇથી બચવા માગતા હશે તેઓ પાકિસ્તાનમાં નિરાશ્રિત બનીને ઠલવાશે.
પાકિસ્તાનમાં જો મોટી સંખ્યામાં અફઘાન નિરાશ્રિતો આવશે તો પાકિસ્તાન પોતે પણ અસ્થિર બની જશે. વળી અફઘાનિસ્તાનની શાંતિપ્રક્રિયામાં ફાળો આપવાનું વચન તેણે અમેરિકાને આપેલું છે. પાકિસ્તાને અમેરિકન ગુપ્તચરોને અફઘાનિસ્તાન પર નજર રાખવા માટે તેનાં લશ્કરી થાણાંઓનો ઉપયોગ કરવાની છૂટ નથી આપી; પણ તેણે કરાંચીમાં અને ક્વેટામાં તાલિબાનના નેતાઓને આશરો જરૂર આપ્યો છે.
અહીં પાકિસ્તાનનું જૂઠાણું પકડાઈ જાય છે. પાકિસ્તાનના નેતાઓ તાલિબાન સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે, તેની અમેરિકાને જાણ હતી. આ સંબંધોનો ઉપયોગ તેણે તાલિબાનને મંત્રણાના ટેબલ પર લાવવા માટે કર્યો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિજયથી ભારતે પણ સચેત થઈ જવાની જરૂર છે. હવે અમેરિકન લશ્કર પાસેનાં અદ્યતન શસ્ત્રો તાલિબાનના હાથમાં આવશે, જેનો ઉપયોગ કાશ્મીરમાં ભારત સામે કરવામાં આવશે. તાજેતરમાં ભારતનાં સુરક્ષા દળોએ જમ્મુમાં જૈશના આતંકવાદી પાસેથી અમેરિકન બનાવટની એમ-૪ રાઇફલ કબજે કરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય થશે તો ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં લડતાં ઉગ્રવાદી જૂથોની તાકાત પણ એકદમ વધી જશે.
અફઘાનિસ્તાનમાં અમેરિકાનો સૌથી મોટો અડ્ડો બાગરામ હવાઇ મથક હતું. અમેરિકાએ તે હવાઇ મથક ખાલી કર્યું કે તરત તાલિબાને કંદહાર પ્રાંતના પંજવાઇ જિલ્લા પર પોતાનો કબજો જમાવી દીધો હતો. પંજવાઇ જિલ્લો પડતાં જ અફઘાનિસ્તાનના ૩૦૦ સૈનિકો ભાગીને તાજિકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જો તાલિબાન દ્વારા પંજવાઈ જિલ્લામાં કડક શરિયા કાનૂન લાગુ કરવામાં આવશે તો હજારો લોકો ભાગીને તાજિકિસ્તાનમાં આશરો લેશે તેવું મનાય છે. અફઘાનિસ્તાનમાં કુલ ૪૨૧ જિલ્લાઓ પૈકી ૧૦૦ જિલ્લાઓ આજે તાલિબાનના કબજામાં છે.
અફઘાનિસ્તાનની ઉત્તરમાં આવેલા બડાખશાન પ્રાંતના ૧૦ પૈકી ૮ જિલ્લાઓ કોઈ પણ જાતના યુદ્ધ વગર તાલિબાનના કબજામાં આવી ગયા હતા. તેમાં જે અફઘાન સૈન્ય લડી રહ્યું હતું તેની પાસે શસ્ત્રો અને ખાદ્યસામગ્રી પણ ખૂટી ગઈ હતી. સેંકડો અફઘાન સૈનિકો સામેથી શરણે આવ્યા હતા. તેઓ પોતાનો યુનિફોર્મ ઊતારીને બડાખશાનની રાજધાની ફૈઝાબાદ તરફ રવાના થયા હતા. જે અફઘાન સૈનિકો તાલિબાનને શરણે આવે છે તેમને તાલિબાન દ્વારા ઘરે પાછા ફરવા માટેનું ટિકિટ ભાડું પણ આપવામાં આવે છે. અમેરિકન લશ્કર દ્વારા તાલિબાન સામે લડવા માટે કેટલાંક લડાયક જૂથોને પણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. હવે તેઓ પણ તાલિબાન સામે શરણે આવી રહ્યા છે.
અમેરિકી લશ્કરે તા. ૨ જુલાઇના રોજ બાગરામ હવાઈ અડ્ડા પરનો કબજો છોડ્યો તે તેના માટે ગૌરવનું પ્રતીક હતો. આ હવાઈ અડ્ડો કાપિસા પ્રાંતની પશ્ચિમમાં આવેલો છે. પ્રસિદ્ધ વ્યાકરણકાર પાણિનીએ તેના પુસ્તકમાં કાપિસી નગરીનો ઉલ્લેખ કર્યો છે. આ નગરી તેના કાપિસયાના વાઇન માટે પણ વિખ્યાત છે. બાગરામ હવાઈ અડ્ડો પારવાન પ્રાંતમાં છે. અફઘાનિસ્તાન પર અમેરિકાનો કબજો ટકાવી રાખવામાં તેની ચાવીરૂપ ભૂમિકા હતી. આ જિલ્લામાં આવેલી ૨.૬ કિ.મી. લાંબી સલાંગ ટનેલ કાબુલને મઝારે શરીફ સાથે જોડે છે. બાગરામ હવાઇ અડ્ડો કાબુલથી ૬૦ કિલોમીટર ઉત્તરે આવેલો છે. તેનું બાંધકામ સોવિયેટ રશિયા દ્વારા ૧૯૫૦ ના દાયકામાં કરવામાં આવ્યું હતું, જ્યારે રશિયા-અમેરિકા વચ્ચે ઠંડો વિગ્રહ ચાલતો હતો.
અફઘાનિસ્તાનને સામ્યવાદી પ્રભાવથી મુક્ત રાખવા માટે ૧૯૫૦ ના દાયકામાં અમેરિકાએ અફઘાનિસ્તાન સાથેના સંબંધો ગાઢ બનાવવા માંડ્યા હતા. ૧૯૫૮ માં તેણે અફઘાનિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન દાઉદ ખાનને અમેરિકા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ૧૯૫૯ ના ડિસેમ્બરમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ આઇઝન હોવરે કાબુલની મુલાકાત લીધી હતી ત્યારે રાજા મોહમ્મદ ઝાહિર શાહે તેમને આવકાર આપ્યો હતો. ૧૯૬૩ માં રાજા ઝાહિર શાહે અમેરિકાની મુલાકાત લીધી ત્યારે પ્રમુખ કેનેડીએ તેમના માનમાં ભોજન સમારંભ યોજ્યો હતો.
૧૯૭૩ માં અફઘાનિસ્તાનના રાજા ઇટાલીમાં આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે દાઉદ ખાને તેમની સામે બળવો કર્યો હતો અને રાજાશાહીને ખતમ કરીને સત્તાનાં સૂત્રો હસ્તગત કરી લીધાં હતાં. તેણે અફઘાનિસ્તાનને પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. ૧૯૭૮ માં દાઉદ ખાન સામે ડાબેરી પક્ષો દ્વારા બળવો કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. ૧૯૭૯ માં ડાબેરી પક્ષોના કાર્યકરો દ્વારા કાબુલના અમેરિકી રાજદૂતની પણ હત્યા કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનના ડાબેરી પક્ષો સોવિયેટ રશિયાની કઠપૂતળી સમાન હતા. ૧૯૭૯ માં સોવિયેટ દેશના લશ્કરે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો અને કાબુલમાં ડમી સરકારની સ્થાપના કરી હતી.
સોવિયેટ સંઘે ૧૯૮૯ માં અફઘાનિસ્તાન પર કબજો છોડી દીધો તે પછી ૧૯૯૨ માં તાલિબાને કાબુલ કબજે કરી લીધું હતું ત્યારે બાગરામ હવાઇ મથક તાલિબાનના કબજામાં આવ્યું હતું. ૨૦૦૧ માં અમેરિકાના લશ્કરે હુમલો કરીને બાગરામ કબજે કર્યું હતું. હવે અમેરિકાએ બાગરામ હવાઇ મથકનો કબજો છોડ્યો છે ત્યારે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.