ગયા વર્ષની શરૂઆતમાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારબાદથી દુનિયાએ રોગચાળો અને તેને લગતા જાત જાતના ઘટના ક્રમો જોયા છે. રોગચાળો વકરવા માંડ્યો પછી રસી શોધવા માટેના ધમપછાડા શરૂ થયા. આમાં રાજકીય રંગ પણ ઉમેરાયો. રસી કોણ વહેલી બનાવે તેવી જાણે હરિફાઇ શરૂ થઇ. ખરેખર તો ઉતાવળે જ કહી શકાય તેવી રીતે ઘણી રસીઓ બનાવી નાખવામાં આવી. રસીઓ શોધાઇ પછી રસીઓને માન્યતાના મુદ્દાઓ ઉભા થયા, માન્યતા મળી પછી રસીઓનું ઉત્પાદન કેટલી ઝડપે અને કેટલું થઇ શકશે? અને ગરીબ દેશોને રસી મળી રહેશે કે કેમ? વગેરે પ્રશ્નો ઉભા થયા. શરૂઆતમાં રસીની તંગીના પ્રશ્નો ઉઠ્યા. દુનિયાના સૌથી મોટા રસી ઉત્પાદક ભારતમાં જ રસીની તંગી સર્જાઇ, પછી ભારતે રસીઓની નિકાસ બંધ કરી. રસીઓનો પુરવઠો હવે જ્યારે વધ્યો છે ત્યારે રસી મૂકવા માટેની સિરિંજોની તંગીનો નવો મુદ્દો ઉભો થયો છે.
દુનિયાભરના દેશોમાં કોવિડ-૧૯ સામે ઝડપી રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે હવે વિશ્વના અનેક ભાગોમાંથી હવે સિરિંજ્સની તંગીની બૂમરાણ ઉઠવા માંડી છે. જ્યારે કોવિડ-૧૯ના રસીના ડોઝિસનો પુરવઠો વધવા માંડ્યો છે ત્યારે હવે સિરિંજોની તંગી સર્જાઇ છે અને ખાસ કરીને નીચી તથા મધ્યમ આવકવાળા દેશોમાં બે અબજ કરતા વધુ સિરિંજોની તંગી છે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ તંગી મુખ્યત્વે રસીઓ મૂકવા માટે વપરાતી ખાસ પ્રકારની સિરિંજોની જ છે અને તેને કારણે રાબેતા મુજબના રસીકરણને પણ અસર થઇ શકે છે એમ જણાવવામાં આવ્યું છે. યુએનની બાળકો માટેની એજન્સીએ જણાવ્યું હતું કે ઓટો ડિસ્પોઝેબલ એવી સિરિંજોની ૨.૨ અબજ જેટલી ઘટ જણાય છે. આ સિરિંજો રસી મૂકાયા બાદ આપમેળે લૉક થઇ જાય છે અને આ રીતે તેનો ફરીથી ઉપયોગ થઇ શકતો નથી. તેણે આ તંગી માટે નોંધપાત્ર ઉંચી માગને જવાબદાર ગણાવી હતી.
આ ઉપરાંત સપ્લાય ચેઇન ખોરવાવાનું, જ્યાં ઉત્પાદન થતું હોય તે દેશો દ્વારા સિરિંજોની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો તથા રસીઓના પુરવઠામાં અચાનક થયેલા મોટા વધારાને પણ જવાબદાર ગણાવ્યો હતો. રસીઓની આ તંગી ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધારે છે. આફ્રિકન આરોગ્ય અધિકારીઓ અને યુએનના અધિકારીઓએ બે અબજ કરતા વધુ સિરિંજોની તંગીની ચેતવણી ઉચ્ચારી છે. કોવિડ-૧૯ની રસીના ડોઝિસનો તંગીનો ભય એના પછી ઉભો થયો છે જ્યારે મહિનાઓના વિલંબ પછી આફ્રિકા ખંડમાં કોવિડ-૧૯ના ડોઝિસનો પુરવઠો વધ્યો છે. પરંતુ હવે સિરિંજોની તંગી આફ્રિકામાં ફરીથી રસીકરણને ખોરંભે પાડી શકે છે જ્યાં મોટા ભાગના દેશોમાં હજી પણ રસીકરણ નોંધપાત્ર ઓછું છે એ મુજબ હુના આફ્રિકાના ડિરેકટરે જણાવ્યું હતું.
દેખીતી રીતે સિરિંજોની હાલમાં સર્જાયેલી તંગી ગરીબ દેશોમાં, ખાસ કરીને આફ્રિકન દેશોમાં રસીકરણની પ્રક્રિયા વધુ ધીમી કરી શકે છે જ્યાં આમ પણ રસીકરણ એકંદરે ઓછું રહ્યું છે. ગરીબ દેશોમાં ઓછા રસીકરણની ચર્ચા શનિવારે ઇટાલીના રોમમાં જી-૨૦ સમિટના ઉદઘાટન સેસનમાં પણ થઇ હતી, જેમાં યજમાન દેશ ઇટાલીના વડાપ્રધાને એ બાબત તરફ નિર્દેશ કર્યો હતો કે વિશ્વના સૌથી ગરીબ દેશોમાં માત્ર ત્રણ ટકા જેટલા લોકોને જ હજી સધુી રસી મળી શકી છે. તેમણે એ બાબત તરફ યોગ્ય રીતે જ નિર્દેશ કર્યો છે કે ધનવાન અને ગરીબ દેશો વચ્ચે રસીકરણની મોટી ખાઇ એ નૈતિક રીતે તો અસ્વીકાર્ય છે જ, પરંતુ રોગચાળા સામેની વૈશ્વિક લડતને પણ હાનિકર્તા છે.
રસીઓના પુરવઠાની તંગી હોય કે રસીઓ મૂકવા માટેની સિરિંજોની તંગી હોય, ગરીબ દેશોને જ વધારે ભોગવવાનું આવે છે. રસી મૂકવા માટેની ડિસ્પોઝેબલ – એટલે કે એક વાર વાપરીને ફેંકી દેવાની, ફરી ઉપયોગમાં લઇ ન શકાય તે રીતે આપમેળે લૉક થઇ જતી સિરિંજો મોટા પ્રમાણમાં મેળવવાનું ગરીબ દેશોને ઘટેલા પુરવઠા વચ્ચે વધુ મોંઘુ પડે છે અને તેથી તેઓ આ સિરિંજોથી પણ વંચિત રહી રહ્યા છે. ઓછી આવક વાળા રાષ્ટ્રો પ્રત્યે દયા દાનની ભાવનાથી નહીં પણ પોતાની જવાબદારી સમજીને ધનવાન દેશોએ અને વૈશ્વિક સંસ્થાઓએ તેમને રસીકરણ માટે આવશ્યક પુરવઠો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઇએ.