સુરત (Surat): સુરત (Surat), અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot) અને વડોદરામાં (Vadodara) કોર્ટ કાર્યવાહી બંધ રહેતા ચારેય વકીલ મંડળના પ્રમુખોની મીટીંગ મળી હતી. તેઓએ ગુજરાત હાઇકોર્ટની (Gujarat HC) ચીફ જસ્ટીસને પત્ર લખીને તા. 11મી ફેબ્રુઆરી સુધીમાં કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી હતી. જો ત્યાં સુધીમાં કોર્ટ શરૂ કરવાની તારીખ જાહેર નહીં કરાય તો તા. 12મીના રોજથી ચારેય શહેરના વકીલો જાતે જ કોર્ટમાં પ્રવેશીને કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે.
કોરોના (Corona Virus/ Corona Pandemic) શરૂ થયો ત્યારથી અત્યાર સુધી એટલે કે 10 મહિના સુધી કોર્ટની કાર્યવાહી બંધ રહી છે. જેના કારણે જૂનિયર અને સિનિયર વકીલોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આર્થિક તંગીના કારણે કેટલાક જૂનિયર વકીલો ડિપ્રેશનમાં આવી ગયા છે અને તેઓએ ઘરનું ગુજરાન ચલાવવા માટે મજૂરીકામ પણ શરૂ કર્યું હોવાની વિગતો છે.
સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોર્ટ કાર્યવાહી શરૂ કરવાની માંગણી ઉપર પણ કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. વકીલોમાં થતી ચર્ચા પ્રમાણે અત્યાર સુધીમાં સરકારી તેમજ પ્રાઇવેટ સ્કૂલો, વિવિધ કચેરીઓ અને તમામ પ્રાઇવેટ અને સરકારી સેક્ટરો શરૂ થઇ ગયા છે પરંતુ હજુ સુધી કોર્ટ કાર્યવાહી શરૂ નહી થતા વકીલોમાં નારાજગી જોવા મળી હતી. દરમિયાન રવિવારે સુરત વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, અમદાવાદ વકીલ મંડળના પ્રમુખ પ્રહલાદભાઇ, વડોદરાના હસમુખભાઇ ભટ્ટ, તેમજ રાજકોટના પ્રહલાદભાઇ સહિત અન્ય વકીલોની મીટીંગ મળી હતી.
સુરતના પ્રમુખ બ્રિજેશ પટેલના જણાવ્યા પ્રમાણે સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાના વકીલ મંડળના પ્રમુખોએ ભેગા થઇને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથને આવેદનપત્ર આપી જણાવ્યું હતુ કે, ગુજરાત હાઇકોર્ટ તા. 11મી ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા લેવલની કોર્ટ શરૂ કરવાની જાહેરાત નહી કરે તો તા. 12મી ફેબ્રુઆરીના રોજ સવિનય કાનુન ભંગ કરીને ચારેય શહેરના વકીલ મંડળના પ્રમુખોની હાજરીમાં જ તમામ વકીલો વિવિધ કોર્ટમાં હાજર રહેશે અને ફિઝીકલ રીતે કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે. જો કે, આ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થાય તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. હવે સુરત સહિત ચારેય મહાનગરોના વકીલો આંદોલનના મુડમાં આવી ગયા છે અને વકીલો ઉપર પડતી આર્થિક મુશ્કેલીને લઇને તમામ વકીલો બાંયો ચઢાવીને વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા પણ જોવાઇ રહી છે.