Business

દેશના શ્રીમંતો તેમની સંપત્તિ વધારવાને બદલે નાણાં બજારમાં ફરતા રાખે તો વિકાસ આગળ વધે

એક સમયે જેને વિદેશીઓ દ્વારા ગરીબોના દેશ તરીકે કહેવામાં આવતો હતો તેવા ભારત દેશમાં હવે દિન-પ્રતિદિન શ્રીમંત લોકોની સંખ્યા અને સંપત્તિ સતત વધી રહી છે. આજે જો ભારતના શ્રીમંત લોકોની યાદી બનાવીને તેમની સંપત્તિને ગણવામાં આવે તો તે 60 લાખ કરોડથી પણ વધારે થાય છે. તેમાં પણ જો 2700 કરોડથી વધુની નેટવર્થ છે તેવા દેશના વેપારીઓની સંપત્તિ ગણવામાં આવે તો તે 1.3 ટ્રિલિયન ડોલર એટલે કે 110 લાખ કરોડ થાય છે. આ રકમ સ્વિટ્ઝરલેન્ડ અને યુએઈ જેવા દેશોના અર્થતંત્રને ભેગા કરવામાં આવે તો તેના કરતાં પણ વધારે છે. તાજેતરમાં હુરૂન ઈન્ડિયા દ્વારા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે. જોકે, ધનિકોની આ સંપત્તિનો ફાયદો જે રીતે દેશને થવો જોઈએ તેવી રીતે થતો નથી.

આ રિપોર્ટ પ્રમાણે, અંબાણી પરિવાર, બિરલા પરિવાર અને બજાજ પરિવારની જ કુલ સંપત્તિનો આંક 460 અબજ ડોલર એટલે કે 38.62 કરોડ ડોલરથી વધુ છે. જે સિંગાપોરની અર્થવ્યવસ્થા જેટલી છે. એકલા અંબાણી પરિવારની જ સંપત્તિ દેશની કુલ સંપત્તિના 10 ટકા જેટલી છે. એટલે કે અંબાણી પરિવારે દેશનું સૌથી શ્રીમંત પરિવાર છે. અંબાણી પરિવારને રિપોર્ટમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડના મુકેશ અંબાણીના પરિવારની સંપત્તિ 25.75 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે બીજા ક્રમે બજાજ ફેમિલીના નીરજ બજાજ છે. બજાજ પરિવારની કુલ સંપત્તિ 7.12 લાખ કરોડ છે. જ્યારે ત્રીજા સ્થાને કુમાર મંગલમ બિરલાનો પરિવાર 5.38 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. જો દેશના શ્રીમંત પરિવારોની યાદી બનાવવામાં આવે તો તેમાં આ પરિવારો બાદ જિંદાલ પરિવાર, નાદર પરિવાર, મહિન્દ્રા પરિવાર, દાની, ચોકસી અને વકીલ પરિવાર, પ્રેમજી પરિવાર, રાજીવસિંહ પરિવાર, મુરૂગપ્પા પરિવારનો પણ સમાવેશ થાય છે.

આમ તો અદાણી પરિવાર પણ દેશના ધનાઢ્ય પરિવાર પૈકી એક છે પરંતુ આ યાદીમાં તેમને સામેલ કરવામાં આવ્યા નથી. આ યાદીમાં તે જ પરિવારોનો સમાવેશ કરાયો છે કે જે પેઢીઓથી સંપત્તિ ધરાવે છે. જ્યારે અદાણી પરિવારની આ પ્રથમ પેઢી જ છે. શ્રીમંતોની આ જ યાદીમાં સીરમ સંસ્થાનો પૂનાવાલા પરિવાર 2.37 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે. દેશના શ્રીમંતોની સંપત્તિમાં એક જ વર્ષમાં ત્રણ ચતુર્થાંશનો વધારો થયો છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે આ શ્રીમંત પરિવારો દ્વારા પોતાની સંપત્તિનો સંગ્રહ કરવામાં આવે છે પરંતુ તેને દેશના બજારોમાં ફેરવવામાં આવતી નથી. જેને કારણે દેશમાં મંદીનો અનુભવ થતો રહે છે. અર્થશાસ્ત્ર પ્રમાણે જેમ પૈસો ફરે તેમ તેજી વધે અને જેમ પૈસો ફરતો બંધ થાય તેમ તેજી ઘટે છે.

ભૂતકાળમાં જ્યારે મનમોહનસિંગ દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે ફિક્કીના એક કાર્યક્રમમાં દેશના શ્રીમંત પરિવારોને કહ્યું હતું કે, તેઓ નાણાંનો સંગ્રહ કરવાને બદલે તેને બજારોમાં વહેતા મુકે. હાલમાં પણ દેશમાં કેશ લિક્વિડિટીની ભારે સમસ્યા છે. જો શ્રીમંતો આ નાણાં દેશના બજારોમાં ફરતા કરે તો દેશમાં લોકોને તેજીનો અનુભવ થઈ શકે છે. દેશના શ્રીમંત પરિવારો પોતાની સંપત્તિ વધારવામાં વ્યસ્ત છે પરંતુ જો તેઓ આ સત્ય સમજશે તો દેશનો સર્વાંગી વિકાસ થશે તે નક્કી છે.

Most Popular

To Top