Charchapatra

રાષ્ટ્રભાષાનો આગ્રહ સરકારી તંત્રોમાં જ નથી તો લોકોમાં કેવી રીતે હોય

કોઈપણ સ્વતંત્ર રાષ્ટ્રના ગૌરવનું પ્રતીક એટલે તેનું રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય ખેલ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ચલણ અને રાષ્ટ્રભાષા જ હોઈ શકે. તે જોતાં આપણી પણ રાષ્ટ્રભાષા હોવી ખૂબ જરૂરી છે.  આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ દેશમાં વધુ પ્રમાણમાં બોલાતી એવી હિન્દી ભાષાને દેશના વ્યવહારની ભાષા તરીકે સમર્થન આપેલું. તે અનુસાર આઝાદી પછી રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ મહદ્અંશે ‘હિન્દી’નો ઉપયોગ થતો આવ્યો છે. વળી હિન્દી જ રાષ્ટ્રભાષા છે એમ સમજીને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના ડિગ્રી અભ્યાસક્રમમાં ‘હિન્દી’ વિષયને પસંદ કરી સ્વદેશાભિમાનને જાળવવાનો પ્રયત્ન કરેલ છે અને કરે છે.

વળી ગુજરાત બિન હિન્દીભાષી રાજ્ય હોવા છતાં પ્રતિવર્ષ 14મી સપ્ટેમ્બરને ‘હિન્દી દિન’ તરીકે ઉજવે છે ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ પણ ‘હિન્દી’ના વિશેષ અભ્યાસાર્થે હિન્દી પહલી, દૂસરી, તીસરી, વિનિત, સેવક જેવી પરીષાઓનું આયોજન પણ કરે છે. અને હવે આજે 75 વર્ષે રાષ્ટ્રભાષા માટેનો વિવાદ કમનસીબ ઘટના જ કહી શકાય. જોકે, બંધારણના અમલથી જ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો મળવો જોઈતો હતો. જે ન થતાં આ વિવાદ આજે પણ વણ ઉકેલ્યો જ રહ્યો છે. કહેવાનું મન થાય છે કે આઝાદીથી આજપર્યંતના રાષ્ટ્રીય શાસકોએ આ મુદ્દાને પ્રાથમિકતા ન આપી જે દુ:ખદ કરી શકાય, કેમ કે વિશ્વમાં રાષ્ટ્રભાષામાં વિનાનો દેશ શોધવો મુશ્કેલ છે. એટલે હવે સમગ્ર દેશમાં સમજ કેળવી બુલેટ ટ્રેનનો અમલ થાય તે પહેલાં બંધારણીય રીતે દેશના મોટા ભાગના રાજ્યોમાં બોલાતી એવી હિન્દી ભાષા જ રાષ્ટ્રભાષા તરીકે જાહેર થવી જોઈએ. નહિતર તેના વિના વિકાસ અધૂરો જ ગણાશે.
નવસારી – કે.બી. પટેલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બ્રેનવોશ કે મજબૂરી
શ્રીમદ ભગવદ્‌ ગીતામાં ઉપદેશ છે ‘બીજાનો ધર્મ આચરવો સહેલો હોય, અન તેના કરતા પોતાનો ધર્મ કઠીન અને ઓછા ગુણવાળો હોય તો પણ મનુષ્ય માટે પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે અને શ્રેય કરનાર છે, કારણ કે પોતાને માટે સ્વભાવિક રીતે નિયત થયેલ ધર્મનું આચરણ કરનાર મનુષ્ય પાપને પામતો નથી.’ વર્ષોથી ભારતમાં ખૂણે ખૂણે વ્યવસ્થિત ધર્મપરિવતરન કરાવવાની કાર્યવાહી ચાલે છે. તાજેતરમાં વર્તમાનપત્રમાં સમાચાર વાંચ્યા કે એક ગ્રુપ ધર્મ પરિવર્તન કરી રહ્યું છે. અલબત્ત થોડા વર્ષો પહેલા ઉંડે ઉંડે ગામડાઓમાં ભૂખમરો જોવા મળતો. હવે શહેરોમાંથી માનવતાવાદી તત્વો સ્વયં આદિવાસી ગામડાઓમાં જઇ ત્યાં વસતા કુટુંબોને સહાય કરે છે. તબિબિ શૈક્ષણિક સહાય તેમજ ઘરવખરીની સુવિધા પહોંચાડે છે. સરકારી મદદ જુદી. તો પછી લાલચમાં આવી ધર્મપરિવર્તનને સ્થાન શા માટે અપાય?
સુરત     – કુમુદભાઇ બક્ષી   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top