હાલમાં રતન તાતાનું અવસાન થયું ત્યારે તાતા ગ્રુપમાં કેટલા કર્મચારીઓ છે તે આંકડો ફ્લેશ થયો હતો. આ આંકડો 10,28,000 દર્શાવતો હતો. મતલબ કે અંદાજે પરિવાર દીઠ પાંચ વ્યક્તિની સરેરાશ ગણીએ તો તાતા ગ્રુપ દ્વારા અંદાજે 50 લાખથી વધુ લોકોનું ભરણપોષણ થઈ રહ્યું છે. મોટી કંપનીઓ બિઝનેસમાં ઘાલમેલ કરતી હોય છે તેની અનેક સ્ટોરી આપણી સમક્ષ આવતી હોય છે પરંતુ તેઓના દ્વારા મસમોટું અર્થતંત્ર ફરતું રહે છે અને તેમાં લાખો લોકો નભી જાય છે તે વાત રજૂ થતી નથી. તાતા 150 વર્ષ પહેલાં સ્થપાયેલું ગ્રુપ છે અને તે અલગ-અલગ 35 સબસિડીરીઝ કંપનીઓમાં કાર્યરત છે. આ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા 10 લાખ અને 28 હજાર છે. આ રીતે વિશ્વની અનેક કંપનીઓ એવી છે જેમની કર્મચારીઓની સંખ્યા લાખોને આંબે છે, તેમાંની કેટલાંક જાહેર સાહસો પણ છે. જેમ કે, દુનિયાભરમાં કોઈ એક વિભાગ હેઠળ સૌથી વધુ લોકો નભતાં હોય તો તે ભારતનું રક્ષા મંત્રાલય છે. આ કંપની નથી, તે સરકારનું સાહસ છે એટલે તેની સરખામણી તાતા કે તેના જેવી અન્ય ખાનગી કંપનીઓ સાથે ન થઈ શકે પણ ભારતના રક્ષા મંત્રાલયની કર્મચારીઓની સંખ્યા દુનિયાભરમાં અવ્વલ આવે છે. આ સંખ્યા 29 લાખ છે. ભારતના રક્ષા મંત્રાલય હેઠળ નૌકા, હવાઈ અને પાયદળ તો આવે જ છે પરંતુ તે સિવાય પણ અનેક કંપનીઓ રક્ષા મંત્રાલય હેઠળ કાર્યરત છે. આ કંપનીઓમાં ‘હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ’, ‘ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ’, ‘ભારત ડાયનેમિક્સ લિમિટેડ’, ‘મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ’, ‘ગોવા શિપયાર્ડ લિમિટેડ’, ‘ગ્લિડર્સ ઇન્ડિયા લિમિટેડ’– આ પ્રકારની જુદી જુદી 16 જેટલી કંપનીઓ કાર્યરત છે. આ કર્મચારીઓ દેશની સુરક્ષા અને સંશોધન ઉપરાંત કટોકટીની પળ માટે તૈયાર રહે છે અને તેના નભાવ ખર્ચ માટે રક્ષા મંત્રાલયે વર્ષનું સાડા છ લાખ કરોડ જેટલું બજેટ ફાળવ્યું છે.
તાતાની જેમ દેશમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ચર્ચા હંમેશાં ચાલતી રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની સંખ્યા સાડા ત્રણ લાખની આસપાસ છે.
2024માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓની સંખ્યા થોડી ઘટી પણ છે. રિલાયન્સ, તાતા જેટલી જ મજબૂત કંપની છે અને તેનો બિઝનેસ દેશ-વિદેશમાં પ્રસરેલો છે. જો કે તેમના કર્મચારીઓની સંખ્યા તાતા ગ્રુપ કરતાં અડધાથી પણ ઓછી છે.
એ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઇઝેશન તરીકે દેશની સૌથી મોટી કંપની હોવા છતાં કર્મચારીઓની બાબતે તે તાતા ગ્રુપ કરતાં ઘણી પાછળ આવે છે. બીજું કે તાતાની સર્વિસ અને પ્રોડક્ટ્સ વિશ્વના 150થી વધુ દેશોને મળે છે. 100 જેટલા દેશોમાં તો તે સક્રિય રીતે કાર્યરત છે કારણ કે તાતા ગ્રુપ હોટલ ઇન્ડસ્ટ્રીઝ, એરલાઈન્સ, હોસ્પિટાલિટી, રિઅલ એસ્ટેટ, ટેલિકોમ્યુનિકેશન જેવા બિઝનેસમાં છે. જ્યારે રિલાયન્સના બિઝનેસ મૂડીકેન્દ્રી છે, જેમાં મસમોટું રોકાણ કરીને નફો રળવાનો ધંધો થાય છે. રિલાયન્સ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સમાં છે જ્યાં કર્મચારીઓ કરતાં મૂડીનું રોકાણ વધુ થાય છે.
ભારત જેવા દેશોમાં જ્યાં બેકારી સૌથી મોટો મુદ્દો બને છે ત્યાં આ કંપનીઓ તારણહાર જેવી બને છે, જે જંગી સંખ્યામાં નોકરી આપે છે. તાતા કંપની 150 વર્ષ જૂની છે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ 1958ના અરસામાં કરી હતી એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવરદા પણ 60 વર્ષથી વધુ થઈ ચૂકી છે પણ જે કંપની 1980ના અરસામાં સ્થપાઈ અને તેની કર્મચારીઓની સંખ્યા રિલાયન્સની જેટલી જ છે, તે કંપની એટલે ઇન્ફોસિસ- જેની કર્મચારીઓની સંખ્યા સવા ત્રણ લાખની આસપાસ છે. આજે ઇન્ફોસિસનું નામ એ રીતે ગાજતું નથી પરંતુ એક સમયે ITના બધા પ્રોફેશનલ્સનું સપનું ઇન્ફોસિસમાં જોબ મેળવવાનું રહેતું હતું. જો કે આજે પણ ઇન્ફોસિસ IT સેક્ટરમાં બીજા ક્રમાંકની સૌથી મોટી કંપની છે અને માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે તે ભારતની ટોપ 3 કંપનીઓમાં સ્થાન પામે છે.
સરકારના વિભાગમાં જેમ રક્ષા મંત્રાલયનું નામ સૌથી વધુ કર્મચારીઓ માટે લેવામાં આવે છે તેમ ભારતીય રેલના કર્મચારીઓની સંખ્યા 12 લાખની આસપાસ છે.
ભારતીય રેલવેને 187 વર્ષ થવા આવ્યાં છે અને રેલવે અંદાજે એક સદીથી મોટી સંખ્યામાં કર્મચારીઓની સેવા લેતું રહ્યું છે. રેલવેનું બજેટ એટલે જ અઢી લાખ કરોડની આસપાસ પહોંચે છે. ઇન્ફોસિસ જેવી પ્રોફાઈલ ધરાવનારી બીજી એક કંપની વિપ્રો છે. વિપ્રો કંપનીની સ્થાપના આઝાદીથી બે વર્ષ અગાઉ થઈ હતી. વિપ્રોના કસ્ટમર્સ આજે વિશ્વના 150થી વધુ દેશોમાં છે. વિપ્રો લિમિટેડ ક્લાઉડ કોમ્પ્યુટિંગ, કોમ્યુટર સિક્યુરીટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના વ્યવસાયમાં છે. તેના કર્મચારીઓની સંખ્યા 2,34,054 છે. વિપ્રોના કર્મચારીઓની સંખ્યા છેલ્લાં ચાર વર્ષમાં 50 હજાર જેટલી વધી છે પરંતુ બીજી તરફ વિપ્રો દ્વારા નવા કર્મચારીઓના વાર્ષિક પેકેજમાં ધરકમ ઘટાડો પણ થયો છે. એ કારણે વિપ્રો કંપની થોડા વખત માટે ન્યૂઝમાં પણ રહી હતી.
IT સેક્ટર અને રિલાયન્સ, તાતા જેવી કંપનીઓ અલગ-અલગ ક્ષેત્રમાં ધરખમ નોકરીઓ આપી રહ્યા છે. તેમ ભારતમાં બેંકિંગ સેક્ટરમાં પણ મોટા પ્રમાણમાં નોકરીઓ છે. તેમાં સૌથી પ્રથમ નામ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓની સંખ્યા 2,32,296 છે. ભારતમાં સૌથી વધુ કર્મચારીઓ ધરાવનારા જાહેર સાહસો અને ખાનગી કંપનીઓની યાદીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો દસમો ક્રમાંક આવે છે. આ ઉપરાંત કર્મચારીઓની સંખ્યાની રીતે HDFC બેન્કનું પણ નામ આવે છે. HDFC બેન્કના કર્મચારીઓની સંખ્યા 2,13,527ની આસપાસ છે.
આ બધામાં થોડી અલગ તરી આવતી કંપની લાર્સન એન્ડ ટુબ્રો ચાર લાખની આસપાસ કર્મચારીઓ ધરાવે છે. આઝાદીના સમયમાં સ્થપાયેલી આ કંપનીના સ્થાપક ડેન્માર્કના એન્જિનિયર હેનિંગ હોલ્ક લાર્સન હતા. દેશના ઉદ્યોગમાં યોગદાન માટે તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. લાર્સન એન્ડ ટુબ્રોનું વડું મથક મુંબઈ છે અને તેના ચેરમેન તરીકે હાલમાં એસ. એન. સુબ્રમણિયમ છે. લાર્સન એન્ડ ટુબ્રો અલગ અલગ કંપનીઓ સાથે સહયોગ કરીને અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. મુખ્ય તેનું કાર્ય કન્સ્ટ્રક્શન, એન્જિનિયરીંગ, ઇન્ડસ્ટ્રીઅલ ટેક્નોલોજી, વીજળી અને ફાઇનાન્શ્યલ સર્વિસ છે.
હવે આ લાર્સન એન્ડ ટુબ્રોએ સંરક્ષણના પણ કેટલાક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. આટલી મોટી કર્મચારીઓની સંખ્યા સાથે આ કંપનીઓ કેવી રીતે સંચાલિત થતી હશે તે માટે આ કંપનીઓનું માળખું સમજવું પડે.
જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો દાખલો લઈએ તો આ કંપનીના સર્વેસર્વા મુકેશ અંબાણી છે અને તેમનું પદ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનું છે. આ કંપનીમાં બીજી હરોળની પોઝિશનમાં મુકેશ અંબાણીના બે દીકરા અનંત અને આકાશ છે, જ્યારે દીકરી ઇશા એમ. અંબાણી પણ બીજી હરોળમાં છે. આ ત્રણેયના પદ પર ‘નોન-ઈગ્ઝેક્યુટિવ ડિરેક્ટર’ એમ લખેલું છે. એ પછીની પોઝિશન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ઝ્યુકેટિવ ડિરેક્ટર તરીકે હિતલ મેસવાણી, નિખિલ મેસવાણી, પી.એમ.એસ. પ્રસાદ, રેમિન્દર ગુજરાલ, શુમીત બેનરજી, અરૂંધતિ ભટ્ટાચાર્ય, કે. વી. ચૌધરી, યાસિર ઓધમન, કે. વી. કામથ અને હેગ્રીવ ખૈતાન છે. ઈગ્ઝેક્યુટિવ ડિરેક્ટર ઉપરાંત અન્ય લોકો ‘ઇન્ડિપેન્ડેટ ડિરેક્ટર’ તરીકેની પોઝિશન પર છે. ઉચ્ચ પોઝિશન પર રહેનારા આ તમામ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પડદા પાછળ કાર્યરત છે. તેમાંથી માત્ર અરૂંધતિ ભટ્ટાચાર્ચ અને કે. વી. કામથનું નામ જ જાણીતું છે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંતર્ગત આવતી જુદી જુદી કંપનીઓમાં પણ બહોળું માળખું છે. જેમ કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ‘મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ’ની ‘NW18.કોમ’ છે, તો તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં આદિલ ઝૈનુલભાઈ, રાહુલ જોષી, ધ્રુવ સુબોઝ કાજી અને જ્યોતિ દેશપાંડે જેવાં નામો છે. એટલે આ કંપનીઓ આ રીતે ઉપરથી નીચે સુધી માળખામાં ગોઠવાયેલી છે, જેથી દાયકાઓથી તે સાતત્ય રીતે કાર્યરત રહે છે. દાખલા માટે અહીંયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માળખું સમજાવ્યું છે.
આ રીતે દરેક કંપનીઓ અલગ અલગ શ્રેણીઓમાં વહેંચાયેલી છે.
આ યાદીમાં ભારતની અનેક કંપનીઓ આવી શકે. જેમાં કોલ ઇન્ડિયા, HCL ટેક્નોલોજી, ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને પંજાબ નેશનલ બેન્ક પણ આવે છે. આ મસમોટી કંપનીઓના સ્થાપકોનો ઝળહળતો ઇતિહાસ લખાયો છે, તેમની સફળતાની-સંઘર્ષની ગાથાઓ અનેક જગ્યાએ ચમકી છે પરંતુ જ્યારે તેમના કર્મચારીઓ વિશેની માહિતી ફંફોસીએ તો તે ઝાઝી મળતી નથી, જે ખરેખર આ કંપનીઓના પાયાસમાન છે.