દસ દિવસ પહેલાં કર્ણાટક વિધાનસભામાં મળેલા વિજયનો ઉત્સવ કોંગ્રેસ હજુ ઉજવી રહી છે ત્યારે રાજસ્થાન કોંગ્રેસનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે. રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઈલોટ અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વચ્ચેનું ઘર્ષણ તેની ચરમસીમા ઉપર પહોંચી ગયું છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ કર્ણાટક ચૂંટણીઓનાં પરિણામોની રાહ જોતા હતા ત્યારે અજમેરમાં પાઈલોટ અને ગેહલોતના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના એક સપ્તાહ પહેલાં પાઈલોટ દ્વારા અજમેરથી ‘જન સંઘર્ષ યાત્રા’ની શરૂઆત કરવામાં આવી હતી.
આ યાત્રાની ત્રણ મુખ્ય માંગણીઓ હતી; પ્રથમ, રાજસ્થાન જન સેવા આયોગને બરતરફ કરવું. બીજી, રાજસ્થાનની સરકારી પરીક્ષાનાં પેપર લીક થવાને કારણે જે વિદ્યાર્થીઓને તકલીફ પડી હોય તેમને વળતર આપવું. ત્રીજી અને સહુથી મહત્ત્વની માંગણી, વસુંધરા રાજેની સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર માટે તપાસ સમિતિની રચના કરવી. પાઈલોટના કહેવા મુજબ તેમના દ્વારા કરવામાં આવેલી યાત્રાનું આયોજન કોઈ વ્યક્તિના વિરોધમાં નથી. જોકે ગેહલોતના રાજે સાથેના સારા સંબંધોને જોતાં પાઈલોટ દ્વારા ગેહલોતને નિશાન બનાવી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું સ્પષ્ટ સમજી શકાય છે. ગેહલોત અને પાઈલોટનો વિવાદ પાંચ વર્ષ જેટલો જૂનો છે.
વર્ષ ૨૦૧૮માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ૨૦૦ પૈકી ૯૯ બેઠકો મળી હતી. કોંગ્રેસને એક બેઠક માટે અપક્ષ વિધાયકો સામે હાથ લંબાવવાનો વખત આવ્યો હતો. તે સમયે તેર અપક્ષ વિધાયકો પૈકીના દસ વિધાયકો કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી કે વિધાયક હતા. તે દરેકને કોંગ્રેસ દ્વારા ફરી ટિકિટ નહોતી આપવામાં આવી એટલે તેઓ પોતાના વિસ્તારોમાંથી અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. તે વિધાયકોની સામે કોંગ્રેસે સચિન પાઈલોટ અને તેમના યુવા ઉમેદવારોને ઊભા રાખ્યા હતા પરંતુ મતદારોએ અનુભવી અને પીઢ ઉમેદવારો ઉપર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
અપક્ષ ચૂંટાયેલા વિધાયકોને તે સમયના રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ સચિન પાઈલોટ સામે રોષ હતો, કેમકે પાઈલોટને કારણે કોંગ્રેસે તેમને ટિકિટ નહોતી આપી. બીજી બાજુ આ વિધાયકોને ગેહલોત સાથે જૂના સંબંધો હતા. આ કારણોસર અપક્ષ વિધાયકોએ ગેહલોતને મુખ્ય પ્રધાન બનાવવાની શરતો સાથે કોંગ્રેસને ટેકો આપવાનું સ્વીકાર્યું હતું. ગેહલોતના પ્રભાવને કારણે તેમને ગૃહ અને નાણાં મંત્રાલય પણ સોંપવામાં આવ્યું જ્યારે પાઈલોટને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે પાઈલોટને આ પદવીનો ખાસ ફાયદો ન મળ્યો કેમકે સરકારના મહત્ત્વના નિર્ણયો ગેહલોત અને તેના વિશ્વાસુ મંત્રીઓ દ્વારા જ લેવામાં આવતા હતા.
આ કારણોસર પોતાની જ પાર્ટીની સરકાર હોવા છતાં પાઈલોટે અનેક વાર સરકારના નિર્ણયોનો વિરોધ કર્યો હતો. વર્ષ ૨૦૧૯ના ઓક્ટોબર મહિનામાં રાજસ્થાન સરકાર દ્વારા મેયરની ચૂંટણી માટેની નવી નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. લોકો દ્વારા ન ચૂંટાયેલી વ્યક્તિ પણ મેયરની ચૂંટણી માટે ઊભી રહી શકે તે પ્રકારની નીતિ ગેહલોતના સમર્થકો દ્વારા બનાવવામાં આવી હતી. પાઈલોટ દ્વારા આ નીતિનો જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. છેવટે રાજ્ય સરકારે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.
વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી મહિનામાં કોટાની એક હોસ્પિટલમાં અનેક નવજાત શિશુઓનું મૃત્યુ થયાં હતાં જેના માટે કોંગ્રેસે ભાજપના ભૂતકાળના ગેરવહીવટને જવાબદાર ઠેરવ્યો હતો. તે સમયે પાઈલોટે પોતાની જ સરકારની ભૂલ બતાડી હતી. ભાજપે આ તક ઝડપી લીધી અને કોંગ્રેસ ઉપર વળતા પ્રહારો કર્યા હતા. પોતાની જ સરકાર સામેની નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને કારણે પાઈલોટે પોતાને ગેહલોતના વિરોધી તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા. તે જ વર્ષના જુલાઈ મહિનામાં પાઈલોટે છેવટે કોંગ્રેસ સામે વિદ્રોહ કર્યો. પોતાના સમર્થક ૧૮ વિધાનસભ્યો સાથે પાઈલોટે ભાજપશાસિત હરિયાણા અને દિલ્હીની હોટલોમાં જઈને એક મહિના સુધી આશરો લીધો.
આ વિરોધના પ્રત્યુત્તરમાં કોંગ્રેસે ગેહલોત અને તેમના વિશ્વાસુ વિધાનસભ્યોને જયપુર અને જેસલમેરની હોટલોમાં ખસેડી દીધા. રાજસ્થાનની પોલિસે પાઈલોટના અને તેમના સમર્થક વિધાનસભ્યોને રાજદ્રોહના આરોપ અંતર્ગત નોટિસો પણ મોકલાવી હતી. જોકે પાઈલોટનો આ વિરોધ સફળ ન થયો કેમકે રાજસ્થાનની ભાજપ પાંખનાં પ્રમુખ વસુંધરા રાજેએ પાઈલોટને ભાજપમાં ન સ્વીકાર્યા. તેનું કારણ રાજે અને ગેહલોતના સંબંધો છે. હાલમાં ગેહલોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને ટકાવી રાખવા માટે રાજેનો આભાર વ્યક્ત કર્યો હતો.
સચિન પાઈલોટના વિદ્રોહના પગલે કોંગ્રેસે તેમની પ્રાદેશિક પક્ષ પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાનની પદવી છીનવી લીધી તેમ જ પાઈલોટના દરેક સમર્થકો પાસેની સત્તાઓ પણ લઈ લીધી. એક મહિનાની અનિર્ણાયકતા બાદ કોંગ્રેસના મોવડીમંડળ દ્વારા પાઈલોટ અને ગેહલોત વચ્ચે સુલેહ કરાવવામાં આવી. પાઈલોટને તેમની બંને પદવીઓ ગુમાવવી પડી પરંતુ તેમણે પોતાના સમર્થકોના સહારે રાજસ્થાન કોંગ્રેસમાં પગ ટકાવી રાખ્યો. ગેહલોત અને પાઈલોટના સમર્થકો વચ્ચે સમયાંતરે ટકરાવ જોવા મળતો હતો. તેમના ઝઘડાને કારણે રાજસ્થાનનાં મંત્રીમંડળનું વિસ્તરણ ઠેઠ ૨૦૨૧માં થયું જ્યારે બરતરફ કરાયેલા પાઈલોટના સમર્થકોને ફરી તેમની પદવીઓ સોંપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની વરણી માટે ચર્ચા ચાલતી હતી ત્યારે એવી અફવા ઊડી હતી કે કોંગ્રેસની ઈચ્છા ગેહલોતને આ પદ સોંપવાની છે.
જો ગેહલોત કોંગ્રેસ પ્રમુખ બની જાય તો તેમની અને પાઈલોટ વચ્ચેની ચાર વર્ષ જૂની સમસ્યાનો અંત આવી શકે તેમ હતો.
ગયા સપ્ટેમ્બરની ૨૫મીએ આ બાબતની મંત્રણા માટે ગેહલોતના ઘરે બેઠક ગોઠવવામાં આવી હતી પરંતુ ગેહલોતના સમર્થકો દ્વારા આ બેઠકને અવગણીને તેને સમાંતર એક બીજી બેઠક કરવામાં આવી હતી. ગેહલોતના સમર્થકો દ્વારા તેમનાં રાજીનામાં આપવામાં આવ્યાં હતાં અને માંગણી કરવામાં આવી હતી કે પાઈલોટ કે તેમના ૧૮ વિધાનસભ્યો પૈકી કોઈને પણ રાજસ્થાનના મુખ્ય પ્રધાનનું પદ ન આપવામાં આવે. કોંગ્રેસે ગેહલોતને પ્રમુખ બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો અને મલ્લિકાર્જુન ખડગેની ચૂંટણી કરવામાં આવી હતી. આ વર્ષના એપ્રિલ મહિનામાં પાઈલોટે રાજેની ભાજપ સરકારે
રાજસ્થાનમાં કરેલા ભ્રષ્ટાચારની તપાસ માટે સમિતિ બેસાડવાની માગણી કરી હતી. ગેહલોતે વળતો જવાબ આપતા કહ્યું હતું કે પાઈલોટના સમર્થકોએ જ ભાજપ પાસેથી લાંચ લીધી હતી. પાઈલોટે આ આરોપોને આધારહીન ગણાવી પોતાની જ સરકાર સામે ‘જન સંઘર્ષ યાત્રા’ શરૂ કરી હતી. તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવાની ધમકી પણ આપી હતી. ૨૦૧૮માં જ્યારે પાઈલોટને મુખ્ય પ્રધાનનું પદ નહોતું મળ્યું ત્યારે કોંગ્રેસની એકતા દર્શાવવા માટે પાઈલોટે ગેહલોતને બાઈક ઉપર પાછળ બેસાડી રેલી કાઢી હતી. આજે પાઈલોટ અને ગેહલોત વચ્ચેનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવું કોંગ્રેસના મોવડીમંડળ માટે પણ માથાના દુ:ખાવા જેવું કામ બની ગયું છે. રાજસ્થાન કોંગ્રેસમાં પાઈલોટ અને ગેહલોતની યાદવાસ્થળીનો રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન ભાજપ અચૂક લાભ ઊઠાવશે તેવું લાગ્યા વિના રહેતું નથી. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.