Columns

ગુજરાતમાં આંકડા બદલાય તો લાઇફ બની જાય!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની દરેક નાની કે મોટી ઘટનાની નોંધ દેશનાં તમામ પક્ષોનાં સુપ્રીમો ટાંકી રહ્યાં છે. વિગત કેટલાંક મહિનાઓમાં કેટલાંક રાજ્યોમાં ઉલટફેર થઈ તેમાં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત બદલી શકાય તો તે કોશિશ કરવી જોઈએ તે ધ્યાનમાં રાખીને થયું છે! આ દેશમાં નેતાઓ ભાષણમાં પણ અમુક ચોક્કસ શબ્દો ગોખી રાખતાં હોય છે, જેમકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીનાં સાંસદ છે તે છતાં ગુજરાતનો પ્રસંગ ટાંકવો હોય તો મોદી ગુજરાતનાં તરીકે જ તેમનું વર્ણન થાય, દેશનાં વડાપ્રધાન માટે કૂટનીતિમાં સંબોધન ભારતનાં પીએમ મોદી એમ થાય છે, દેશની ત્રૂટક નીતિમાં તેમ કહેવાથી કેટલાંક નેતાઓ જે પોતાનાં પક્ષનાં સુપ્રીમો કહેવડાવવાનો આગ્રહ ધરાવતાં હોય છે તેઓ પ્રધાનમંત્રી માટે સમ્માન સદભાવના ફકત ઓપચારિકતા ખાતર જ ઉપયોગમાં લેતાં હોય છે!

આ નવી રીતભાત નથી કેટલાંક ચતુર લોકો પોતાનાં સિવાય કોઈને લાયક નેતા કદી માનવા તૈયાર થયાં જ નહીં. કદાચ આ જ કારણ છે કે સ્વતંત્રતા સંગ્રામના કેટલાંક પૃષ્ઠો ઈતિહાસમાં ઉમેરાયા જ નથી. વર્તમાન રાજકારણનો રંગ સાવ વિચિત્ર છે, સરકાર ઉથલાવવી હોય તો એકતાનાં ગીતો ગવાય અને એકતા થઈ પણ જાય પણ તે એકતાને સત્તા માટે સંયોજિત કરવી હોય તો જબરજસ્ત બાંધછોડ કરવી પડે. એક પત્રકાર પરિષદમાં વિપક્ષ કેન્દ્રમાં સરકાર બનાવે તો નેતા કોણ બનશે! આ સવાલનો જવાબ સાંભળી નીતીશ કુમાર ઊભાં થઇ ગયાં.

ખુરશી માટે જ તો ખેંચાખેંચી અને વિપક્ષમાં એકતા બેઠકો યોજાય છે પણ નિર્ણાયક સમયે પરિણામ પછી નક્કી કરીશું એમ કહેવાય અને સભા વિસર્જન થઈ જાય. સીધો અને સ્પષ્ટ સંકેત છે પહેલાં બધાં ભેગાં મળી નરેન્દ્ર મોદીને હરાવો પછી બીજી વાત! બધાં સુપ્રીમોને સાફ સમજ છે કે પ્રાદેશિક પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતી શક્ય નથી. એકાદ નાનાં રાજ્યમાં બેઠકો મળી તે ભાજપમાં ભળી ગઈ. સરવાળો પોતાનાં રાજ્યમાં મજબૂત બનાવી દાવો કરી શકાય! 2024 સુધી રાહ જોવી તે કરતાં પહેલું પગલું ગુજરાતને પસંદ કરવામાં આવ્યું.

ગુજરાતમાં એક ભૂલ ભાજપ કરે અને આંકડા ખોરવાય તો મુદ્દો બની જશે કે ઘર આંગણે જ નિષ્ફળતા મળી તો દિલ્હી દૂર નથી! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પક્ષો તો ભાજપ અને કોંગ્રેસ છે, હવે આમ આદમી પાર્ટી પણ એડીનું જોર લગાવી રહી છે. આ પહેલાં હાર્દિક પટેલ પશ્ચિમ બંગાળ સુધી મહેમાનગતિ માણી આવ્યાં, એક તબક્કે એવું લાગતું હતું કે તૃણમૂલ કોંગ્રેસની ગુજરાત ટીમ હાર્દિક પટેલ બનાવશે જે વાત હવે વાર્તા બની ગઈ છે! આમ આદમી પાર્ટીનાં સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અચ્છા સમાજ સુધારક બની છવાઈ ગયાં ત્યારે તેમને રાજકારણમાં રસ છે તેવું લાગતું ન્હોતું પણ પછી તેમણે વિચાર બદલ્યો તેમનાં ગણિતમાં કોંગ્રેસની મતબેંક જમાં થઈ તેનું અનુકરણ આખા ભારતમાં કરવાનાં કોડ જાગ્યાં બનારસની ગંગામાં ડૂબકી પણ લગાવી આવ્યાં પછી ખ્યાલ આવ્યો કે પહેલાં દિલ્હીમાં પગ મજબૂત જમાવવા પછી નાનાં રાજ્યોમાં એકમ બનાવી તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવું.

જોકે ગોવામાં તેમને ફાવ્યું નહીં, પણ દિલ્હી જેવી રમત પંજાબમાં રમાઈ ગઈ, કોંગ્રેસનાં આંતરકલહ અને અકાલી દલ સુપ્રીમોનાં હઠ થકી પરિવારથી બહાર નીકળવા તૈયાર ન હતી. કોંગ્રેસનાં વિખરાયેલાં મત આમ આદમી પાર્ટીનાં ખાતે ગયાં અને પૂર્ણ રાજ્યનાં મુખ્યમંત્રી બનવાનો યોગ થયો. એક ગણિત બરોબર આપને ફાવે છે જે મત કોંગ્રેસથી અલગ પડે છે તે તેમને ફળે છે, આ ગણિત સાથે તેમણે પાસા ગુજરાતમાં નાખ્યાં છે. પંજાબની અને ગુજરાતની કોંગ્રેસ વચ્ચે ફરક છે. કોંગ્રેસ ગુજરાતમાં દરેક નાનાં મોટાં જિલ્લામાં છે. કોંગ્રેસનાં વોટ કેજરીવાલ તરફ ફરે તેનાં માટે ગુજરાતનાં રાજકારણનો એકડો આપને સરખી રીતે ઘુંટવો પડશે.

પંજાબનાં મુખ્યમંત્રી બળવંતસિંહ માનને સાથે રાખી ગુજરાતમાં દિલ્હી મોડલ સમજાવવું વિચિત્ર કોમેડી સાબિત થશે!તાજી ઘટનામાં બિન-ભાજપ સરકાર માટે તજવીજ વિપક્ષોની બેઠકોમાં જોવાં મળી હતી. એક તરફ બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર કેન્દ્રમાં આવવા બિહારમાં વોટ બેંક સરખી કરી. યાદવ વત્તા કુર્મી વત્તા લઘુમતીનો સરવાળો કરી બિહારથી ત્રણ પગલાંમાં નવી દિલ્હી પહોંચવા તૈયારીમાં છે. તેમને પણ ગુજરાતમાં રસ એટલો છે કે કોઈ તડ પડે અને BJP નબળો દેખાવ કરે તો આખા દેશમાં લઘુમતીના નાયક તરીકે JDUના સુપ્રીમોને આગળ વધવાનો રસ્તો મળે!

નીતીશ કુમાર જેટલાં મહત્ત્વાકાંક્ષી ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન પાર્ટીનાં સર્વેસર્વા અસદુદ્દિન ઓવૈસી છે. તેમનો પક્ષ તેલંગાણામાં ખાસ હૈદરાબાદમાં શક્તિ દેખાડે છે. તે સિવાય જ્યાં મતબેંકની શક્યતાં દેખાય ત્યાં પોતાનાં ઉમેદવારો ઊભાં કરી ધ્રુવીકરણનું રાજકારણ ફેલાવી સેક્યુલર-લિબરલ લોબીને ઉશ્કેરે છે. હવે આ લેબલનાં ઘણાં દાવેદાર મેદાનમાં છે! અસદુદ્દિન ઓવૈસીનો રાજકીય મુદ્દો અસલમાં નુસ્ખો છે જે દેશનાં કોઈપણ રાજ્યમાં અજમાવી શકાય.ભાજપની કારોબારીમાં દક્ષિણ ભારતમાં પ્રવેશની ચર્ચા થઈ ત્યારથી તેલંગાણાનાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય પક્ષ બનાવવાની તરફેણ કરી રહ્યાં છે.

તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી રાષ્ટ્રીય દળ પર દાવ ખેલવા ઉતરવાના છે. વિપક્ષોની બેઠક બાદ પત્રકાર પરિષદમાં વડાપ્રધાનના ઉમેદવાર તરીકે નીતીશ કુમારનું નામ ટાળ્યું ત્યારે નીતીશ કુમાર ઊભા થઇ ગયા હતા. તેમણે ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડવાનો નિશ્ચય કર્યો અને કે ચંદ્રશેખર રાવે પોતાનાં પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત કરવાનો નિર્ણય લીધો. દિશા એક હોય પણ શિકારીઓ એકમત ન હોય ત્યારે પોતાનાં બળ કરતાં સામે સક્ષમ બળની કોઈ નબળાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આવશ્યક શસ્ત્ર બની જાય છે.

અગાઉ ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેનાએ છેલ્લી ઘડીએ બંધ બારણે વચન આપ્યું હતું એમ કહી સત્તાના સમીકરણો બદલી નાખ્યાં ઉતાવળે અજિત પવાર પર વિશ્વાસ કરવો પણ ખોટો સાબિત થયો. મહારાષ્ટ્રમાં BJPનું સંગઠન છે એટલે સમય લાગ્યો પણ બગડેલી વાત ફરી પાટા પર આવી રહી છે પણ શિવસેનાના સુપ્રીમો અને NCPના સુપ્રીમો ગુજરાત પર રાજકીય આક્રમણ કરવાનો એક મોકો જતો નહીં કરે. આ બંને પક્ષોનું અન્ય કોઈ રાજ્યમાં સંગઠન નથી. સીધો સરવાળો એમ કરશે કે ભાજપ ગુજરાત માટે અન્ય રાજ્યો સાથે ભેદભાવ કરે છે, કોંગ્રેસ સાથે બૃહદ મુંબઈ નગરપાલિકાની ચૂંટણીમાં યુતિ નહીં થાય તો ફરી પક્ષોમાં ભંગાણ થશે.

લોકોનું ધ્યાન ગેરમાર્ગે દોરવા માટે એક જ મુદ્દો છે કોઈ પણ ભોગે ગુજરાતમાં દરેક ગતિવિધિ પર કાબેલ નજર રાખવી, મનોચિકિત્સકની જેમ નાના મુદ્દાને મોટો બનાવવો. મહારાષ્ટ્ર અને ગુજરાત શાખ પાડોશી છે, વેપાર અને ઉદ્યોગ સમાંતર છે, હારેલા જુગારીની જેમ રાજપાટ ચાલતું નથી. ગુજરાતની ત્રુટિઓ ગણતાં ગણતાં સત્તાની બચેલી ગોટીઓ પણ હાથમાંથી છૂટી જાય તો નવાઈ નહીં પણ પોતાની નબળાઈ છુપાવવાની ટેવ તો જાય નહીં એટલે છેવટ સુધી નજર તો ગુજરાત પર રહેશે! શિવસેનાના સુપ્રીમો ઉદ્વવ ઠાકરે જાણે છે કે ચૂંટણી પંચે તીર ધનુષનું ચિન્હ આપ્યું હતું, તે સમયે શિવસેનાએ માંગ્યું ન્હોતું! ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો કોઈપણ દિવસે જાહેર થઈ શકે છે.

ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે. 27 વરસથી BJPનું શાસન છે. બુથથી બ્લોક સુધી કાર્યકર્તા તાલીમ પામેલાં છે! પણ ઘણી વાર સંયમ અને શિસ્તની લાઈન ચૂકી જતાં હોય છે તેમાં છેલ્લી ઘડીએ ઘા નહીં તો ઘસરકો લાગે છે! સૂરાજનાં પ્રશાંત કિશોર બિહારમાં નીતીશ કુમાર સામે પદયાત્રા પર નીકળેલાં છે, જમીન સશકત થશે એટલે તે પણ ઉત્તર પ્રદેશ તરફ વળશે અને ગુજરાત સાથે સરખામણી કરશે, આ તેમનો વ્યવસાયિક દૃષ્ટિકોણ છે. ઉત્તર પ્રદેશનાં એજેન્ડા પર ગુજરાત ભાજપને ઘેરશે! મહારાષ્ટ્રના NCPના શરદ પવાર માટે બધાંને માન છે પણ મત નથી!

ઉત્તર પ્રદેશ અને પંજાબ બહુજન સમાજ પાર્ટીના માયાવતીની જૂની રેકોર્ડ પર ગુજરાત BJPને સૌથી વધારે ધ્યાન આપવું પડશે, એક વાર સાથે અને બીજી વાર સામે તેવો ઈતિહાસ રહ્યો છે!પશ્ચિમ બંગાળનાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી દુર્ગાપૂજા અને કાલીપૂજા સુધી અલ્પવિરામમાં છે. તેમની રાષ્ટ્રીય પક્ષ તરીકે તૈયારી થઈ ગઈ છે. જે પ્રમાણે ઉદ્યોગ સાહસિકો સાથે સમજૂતી કરી રહ્યાં છે.

તેમની દિલ્હી માટે યુક્તિ બદલાઈ છે. તે ડિસેમ્બરમાં પાનાં દેખાડશે! ઉત્તર પ્રદેશનાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ કાકા શિવપાલ યાદવને રાજી રાખશે તો લાલ ટોપી સચવાશે, તેમની પાસે ગુજરાતમાં ફોડવા ઘણાં મુદ્દા છે પણ તેમની પાછળ એક યોગી છે! કોંગ્રેસનાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ખરેખર પોતાનાં સિવાય કોઈને દેશનાં વડાપ્રધાન તરીકે જોઈ શકતાં નથી. તેમના જૂના સંવાદો સાથે ગુજરાતમાં ભરચક પ્રચાર કરશે, આક્રમણ સુરક્ષાનો સરળ માર્ગ છે! મિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમના એમ કે સ્ટાલિન સામ્યવાદીઓને ટેકો આપશે. આંધ્ર પ્રદેશ YSRCPના વાય એસ જગન મોહન રેડ્ડી વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસ સાથે જશે નહીં કોઈ મુદ્દે ટેકો આપે પણ નજર તેમની પણ ગુજરાત પર રહેશે કારણ કે તેમની માંગો પૂરી થતી નથી.

ચંદ્રાબાબુ નાયડુ ટીડીપીમાં પ્રાણ ફૂંકી થાક્યાં છે. ઓડિશાના નવીન પટનાયક તટસ્થ રહેવામાં માને છે. નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લા અને PDPના મુફ્તી મહેબૂબા 370નો રાગ આલાપ કરશે પણ ગુલામ નબી આઝાદે નવો પક્ષ રચ્યો છે એટલે તેમનો દાવ ન શ્રીનગરમાં ચાલશે ન નવી દિલ્હીમાં! માર્કસવાદી સીતારામ યેચુરી, પ્રકાશ કારંથ નવી પેઢી તૈયાર કરી શકયા નથી હવે બેઠકોમાં જ પક્ષ દેખાશે. કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર)નાં એચ ડી દેવગૌડા થનગને છે પણ કુમારસ્વામીને મુખ્ય મંત્રી બનવું છે.

દક્ષિણ ભારતમાં કેરળ અને કર્ણાટકમાં હજી કોંગ્રેસનું સંગઠન છે. દક્ષિણ ભારતથી સંસદ પહોંચી શકાય, ગાંધીનગર બહુ લાંબો રસ્તો છે. ગુજરાત માટે અત્યાર સુધી જે મુદ્દા આવ્યા તેમાં અસમંજસની સ્થિતિ છે, ટીકા કેન્દ્ર સરકારની કરવી અને વોટ ગુજરાત વિધાનસભા માટે માંગવા તે જામશે નહીં એટલે સ્થાનિક નેતાને ઊભા કરવા એ એક યોજના હોઇ શકે પણ યશવંત સિંહા જે રીતે પક્ષ છોડી સર્વદલના ઉમેદવાર બન્યા અને ફાવ્યા નહીં! બધા સુપ્રીમો કોશિશ કરે તો પણ કોઈ બાપુ હાથ લાગશે નહીં! હવે ધ્યાન ફકત BJPના કાર્યકર્તાઓને રાખવું પડશે, શબ્દ અને અપશબ્દ વચ્ચે ભેદ પારખો, ઘણી વાર અતિશક્તિ જ નબળાઈનું ગણિત બની જાય છે!

Most Popular

To Top