SURAT

સહકારી મંડળીઓએ નાણાકીય વર્ષ દરમિયાન 1 કરોડથી વધુનો રોકડ ઉપાડ કર્યો હશે તો ટીડીએસ ભરવો પડશે

સુરત જિલ્લા સહકારી સંઘ દ્વારા દર વર્ષે નાગરિક સહકારી બેંકોના અધિકારીઓ અને સહકારી સંસ્થાઓના અધિકારીઓ માટે તાલિમ વર્ગનું આયોજન કરવામાં આવે છે. સાત દિવસના તાલિમવર્ગના ઉદ્ધાટન સમારોહને સંબોધતા સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ અને ગ્રાહકો તરફથી ટીડીએસ કપાતના કેટલાક પ્રશ્નો આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના રિટર્નમાં એક કરોડથી વધુ રોકડ રકમનું એકજ બેંકની જૂદી-જૂદી શાખાઓમાંથી ટ્રાન્ઝેક્શન થયું હશે તો ટીડીએસ ભરવો પડશે. સરકારે 1 જુલાઇ 2020થી આ કાયદો અમલ બનાવ્યો છે. જેની અસર નાણાકીય વર્ષ 2021-22માં જોવા મળશે.

જો કોઇ સહકારી મંડળીઓ કે ગ્રાહકો દ્વારા એક કરોડ રોકડ ઉપાડવામાં આવ્યા હશે તો 2 ટકા ટીડીએસ કપાઇ જશે. જો આવી મંડળીઓ કે ગ્રાહકોએ આઇટી રિટર્ન ફાઇલ નહીં કર્યુ હશે તો ટીડીએસની 5 ટકા રકમ કપાશે. રિટર્ન ફાઇલ કરતી વખતે ગ્રાહકો અને મંડળીઓએ આ મુદ્દો પણ ધ્યાનમાં રાખવો પડશે. આ તાલિમ વર્ગમાં મિતેશ મોદી અને અક્ષય મોદી દ્વારા ઇનકમટેક્સ અને જીએસટીના કાયદાઓને લગતી સમજૂતી આપી હતી. આ તાલિમ વર્ગમાં સહકારી સંઘના અગ્રણી ભીખાભાઇ ઝવેરભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ સુરત જિલ્લા સહકારી સંઘ અને સુરત જિલ્લા ખરીદ-વેચાણ સંધના અગ્રણી રમણ અંબેલાલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top