Vadodara

જો 12 વાગ્યા સુધી પશુપાલકોને વધારો નહીં અપાય તો 2 પછી ધરણા કરશે

વડોદરા: બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપ અને પશુપાલકોને પોષણક્ષમ ભાવ નહિ અપાતો હોવાના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સોમવારે ડેરી સામે ધરણા પ્રદર્શન કરશે તેઓ સાથે કરજણના ભાજપાના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ જોડાનાર છે. જો કે બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે બરોડા ડેરી એ પશુપાલકોને પોષણ ક્ષમ ભાવ આપે જ છે અને જે તપાસ ચાલી રહી છે તેમાં તમામ પુરાવાઓ આપી દેવાયા છે. હવે ધારાસભ્યોએ શું કરવું તે તેઓનો પ્રશ્ન છે.

ગત તા. 17 ફેબ્રુઆરીએ વરણામા ત્રિમંદીર ખાતે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો અને મંડળીઓના આગેવાનો સાથે જિલ્લાના 3 ધારાસભ્યો કેતન ઇનામદાર, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠક યોજી હતી. જેમાં પશુપાલકોને જો સોમવારે બપોરે 12 કલાક સુધીમાં પોષણક્ષમ ભાવ નહિ મળે અને ભાવ વધારો નહિ કરાય તો ધરણા કરવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે આજે સોમવારે બપોરે 2 કલાકથી ધરણા પ્રદર્શન યોજાવાની શક્યતાઓ છે. આ ધરણા પ્રદર્શનમાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો અને મંડળીઓના સભ્યો પણ જોડાય તેવી શક્યતા છે. કેતન ઇનામદાર દ્વારા પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે ડેરી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

તો બીજી તરફ કેતન ઇનામદારના તમામ આક્ષેપોનો જવાબ આપવા માટે ડેરીના કાર્યકારી અધ્યક્ષ જી.બી. સોલંકીના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેઓએ તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. ધરણા મુદ્દે જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે બરોડા ડેરી એ પશુપાલકોને નિયમ કરતા પણ વધુ વળતર આપે છે. અને હાલમાં ભાવ વધારા અંગે મંડળીઓની બેઠકમાં પ્રસ્તાવ મુકાયો છે તેમાં જે નિર્ણય આવશે તે પ્રકારે કરવામાં આવશે. જો કે હાલમાં ભાવ વધારા અંગે કોઈ શક્યતા નથી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અવાજ ઉઠાવી શકે છે. પરંતુ તેઓએ જો પશુપાલકોની ચિંતા હોય તો તમામ મંડળીઓમાં સરખો ભાવ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવી જોઈએ.

તેઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને સરકાર પણ તેઓનું સંભાળશે.ધરણા કરવા કે કેમ તે અંગે તેઓએ જણાવ્યું હતું કે તે ધારાસભ્યોનો પ્રશ્ન છે અને તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. બરોડા ડેરીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજકારણ ગરમાયુ છે. એક તરફ કેતન ઇનામદાર જિલ્લાના પાંચ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં છે તો બીજી તરફ બરોડા ડેરીમાંથી રાજીનામુ આપી ચૂકેલ દિનુમામા કાર્યકારી પ્રમુખ સાથે મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં વધુ એક વખત ગરમાટો જોવા મળી રહ્યો છે.

કેતન ઇનામદાર પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરવા ગયા
રવિવારે કેતન ઇનામદાર અને તેઓનો સાથ આપનાર ધારાસભ્ય સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરવા માટે ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સી.આર.પાટીલ સાથે મુલાકાત દરમિયાન શું ચર્ચા વિચારણા થઇ છે તે જાણવા મળી રહ્યું નથી. જાણવા મળ્યા મુજબ સોમવારે યોજાનાર ધારણા અંગે તેઓને મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે. જો બપોરે 12 કલાક સુધીમાં ભાવવધારો નહિ થાય તો બપોરે 2 થી 5 કલાક સુધી ધરણા પ્રદર્શન યોજવામાં આવશે. જો કે હાલજાણવા મળ્યા જાણવા મળ્યા મુજબ 3 ધારાસભ્યો ધરણા યોજશે તેઓ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આ કાર્યક્રમમાં પોતાનું સમર્થન આપે છે કે કેમ તે જોવું રહ્યું.

Most Popular

To Top