Columns

હરિયાણાની ચૂંટણીમાં ભાજપની જીત થાય તો તે મોટો ચમત્કાર ગણાશે

હરિયાણા વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેએ પોતપોતાના મેનિફેસ્ટો બહાર પાડ્યા છે. કોંગ્રેસ તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં તેના પ્રદર્શનથી ઉત્સાહિત છે અને તે ૧૦ વર્ષ પછી રાજ્યમાં સત્તા પર પાછા ફરવાની તૈયારીમાં છે. ભાજપ ૧૦ વર્ષથી સત્તાવિરોધી લહેર, ખેડૂતોનું આંદોલન, કુસ્તીબાજોનો વિરોધ અને અગ્નિવીર યોજના સામે વિરોધનો સામનો કરી રહ્યું છે.

કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય લોકદળ-બહુજન સમાજ પાર્ટી ગઠબંધન, જનનાયક જનતા પાર્ટી-આઝાદ સમાજ પાર્ટી ગઠબંધન અને આમ આદમી પાર્ટીએ પણ ૯૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટી જેવા નાના પક્ષો પણ ચૂંટણીના મેદાનમાં છે અને કેટલીક બેઠકો પર પ્રભાવ પાડી શકે છે. ઇન્ડિયન નેશનલ લોકદળ-બહુજન સમાજ પાર્ટી (INLD-BSP) ગઠબંધન જાટ સમુદાયની નારાજગીનો લાભ ઉઠાવવાની અને દલિત સમુદાયના એક વર્ગને તેની બાજુમાં લાવવાની આશા રાખે છે. જેજેપી ૨૦૧૯ માં જીતેલી ૧૦ બેઠકો અને ૧૫% વોટ શેર જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે, કારણ કે જાટ સમુદાય ભાજપ સાથે પાર્ટીના જોડાણથી નાખુશ છે.

ભાજપને આશા છે કે કોંગ્રેસનું અન્ય સાથેનું ગઠબંધન વિપક્ષી મતોનું વિભાજન કરશે અને કોંગ્રેસની સંભાવનાઓને નુકસાન પહોંચાડશે. તે જ સમયે, કોંગ્રેસ માને ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. હરિયાણાની ચૂંટણીમાં નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો સહિત અન્યે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ૨૦૦૯માં તેમણે ૩૦% વોટ શેર સાથે ૧૫ સીટો જીતી હતી, જ્યારે ૨૦૧૯માં તે ઘટીને ૧૮% વોટ અને ૮ સીટો પર આવી ગઈ હતી.

તેમ છતાં તેમનો પ્રભાવ લગભગ ૫૦% વિધાનસભા બેઠકો પર રહ્યો હતો. આમ આદમી પાર્ટી પણ રાજ્યની રાજનીતિમાં પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી મોડલના આધારે ‘આપ’ને કેટલીક સીટો જીતવાની આશા છે. ભાજપ અને કોંગ્રેસ બંને અંદરથી બળવાખોર ઉમેદવારોનો સામનો કરી રહ્યા છે. હરિયાણામાં છેલ્લાં ૧૦ વર્ષથી ભાજપ સત્તા પર છે. ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં ૯૦માંથી ૪૭ બેઠકો જીતીને બહુમતી સરકાર બનાવી હતી ત્યારે INLD એટલે કે ભારતીય રાષ્ટ્રીય લોકદળે ૧૯ બેઠકો અને કોંગ્રેસે ૧૫ બેઠકો જીતી હતી.

વર્ષ ૨૦૧૯માં ભાજપે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી સાથે મળીને સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં ભાજપ માત્ર ૪૦ બેઠકો જીતી શક્યું હતું. ત્યાર બાદ ભાજપે જેજેપી સાથે ગઠબંધન સરકાર બનાવી હતી જેણે ૧૦ બેઠકો જીતી હતી. વર્ષ ૨૦૨૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પાંચ-પાંચ બેઠકો જીતી હતી. જો કે ભાજપે રાજ્યની તમામ ૧૦ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. પરંતુ આ થઈ શક્યું નહીં. આને વર્તમાન ભાજપ સરકાર વિરુદ્ધ લહેરનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ખેડૂતોના આંદોલનને લઈને કંગના રનૌતનું નિવેદન હોય કે મહિલા કુસ્તીબાજોનો મુદ્દો હોય, ભાજપને આ બંને બાબતો પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખેડૂતોની નારાજગીને કારણે કેન્દ્રે આ ગુસ્સો દૂર કરવા માટે કોઈ ખાસ પ્રયાસો કર્યા નથી, તેથી તેની અસર ચૂંટણી પર ચોક્કસપણે જોવા મળશે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી બીજેપી સાંસદ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન બાંગ્લા દેશના આંદોલનને ભારતમાં ખેડૂતોના આંદોલન સાથે જોડ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે બાંગ્લા દેશમાં જે બન્યું છે, તે અહીં ભારતમાં થવામાં લાંબો સમય ન લાગત, જો અમારી ટોચની નેતાગીરી મજબૂત ન હોત. જો કે ભાજપે કંગના રનૌતના આ નિવેદનથી પોતાના પક્ષને દૂર રાખ્યો હતો.

ગત વર્ષની શરૂઆતમાં ભારતીય કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય શોષણ સહિતના અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. દિલ્હીના જંતરમંતર પર પણ કુસ્તીબાજોએ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રસિદ્ધ કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકના નેતૃત્વમાં શરૂ થયો હતો. કેટલાક ખેલાડીઓ, ખાપ પંચાયત, ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષોએ પણ કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું.

હાલમાં આ મામલો કોર્ટમાં છે. આ દરમિયાન બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે અને હવે તેઓ કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. હરિયાણાની ચૂંટણીમાં જો કોંગ્રેસ સ્થાનિક નેતાઓની નારાજગીને દૂર કરી શકી નથી તો તેનો ફાયદો ભાજપને મળી શકે છે. જો કે અત્યારે ભાજપ પોતાના નેતાઓના ગુસ્સાનો સામનો કરી રહી છે. દુષ્યંત ચૌટાલાની જન નાયક જનતા પાર્ટી અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટીના ગઠબંધનને કારણે મત વિભાજનની શક્યતા રહેશે, જેનો ફાયદો ભાજપને મળી શકે છે.

હરિયાણાની ચૂંટણીમાં ભાજપને અગ્નિવીર યોજના હાનિ પહોંચાડી શકે છે, કારણ કે હરિયાણાના યુવાનો બહુ મોટી સંખ્યામાં સૈન્યમાં જોડાતા હોય છે. અગ્નિપથ યોજના શરૂ થઈ ત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ આને લઈને આક્રમક છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ યોજનાની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે. એક રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે અમે અગ્નિવીર યોજનાને ડસ્ટબિનમાં નાખીશું. એક સૈનિકને શહીદનો દરજ્જો મળશે, બીજાને શહીદનો દરજ્જો નહીં મળે.

એક સૈનિકને પેન્શન મળશે, બીજાને નહીં. એક શહીદના પરિવારને રક્ષણ મળશે, બીજા શહીદના પરિવારને નહીં. અમે અગ્નિપથ યોજનાને ડસ્ટબિનમાં ફેંકવાના છીએ. હરિયાણાનું કોંગ્રેસ નેતૃત્વ પણ અગ્નિવીરને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યું છે. ભૂપેન્દ્રસિંહ હુડ્ડાથી લઈને રણદીપ સુરજેવાલા ચૂંટણી મંચ પર અગ્નિવીર યોજનાની ટીકા કરી રહ્યા છે. નારનોલમાં એક ચૂંટણી સભાને સંબોધતાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે અગ્નિવીર યોજનાને કારણે હરિયાણા અને ખાસ કરીને દક્ષિણ હરિયાણાને સૌથી વધુ નુકસાન થયું છે.

અગાઉ રાજ્યમાંથી દર વર્ષે પાંચ હજાર યુવાનોની સેનામાં ભરતી કરવામાં આવતી હતી, પરંતુ હવે માત્ર ૨૫૦ની જ ભરતી થઈ છે. કોંગ્રેસના ઉમેદવારો પણ પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર દરમિયાન અગ્નિવીર યોજનાને મુદ્દો બનાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ભિવાની જિલ્લાની બાવાની ખેડા સીટના કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ નરવાલ કહે છે કે ભિવાનીએ દેશને કોન્સ્ટેબલથી લઈને જનરલ રેન્ક સુધીના અધિકારીઓ આપ્યા છે, પરંતુ અગ્નિવીર યોજના પછી સ્ટેડિયમ ખાલી થઈ ગયા છે. માત્ર સેના જ નહીં પરંતુ બાળકોના ભવિષ્ય સાથે પણ રમત રમાઈ રહી છે. અમારા માટે આ એક મોટો મુદ્દો છે અને અમે અગ્નિવીરને પાછો મેળવવા માટે લડતાં રહીશું.

ભારતીય જનતા પાર્ટીને પણ કદાચ આશંકા છે કે આ યોજનાને લઈને રાજ્યના યુવાનોનો ગુસ્સો તેના માટે ભારે સાબિત થઈ શકે છે. ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ભિવાનીમાં એક ચૂંટણી રેલીમાં જાહેરાત કરી હતી કે જો હરિયાણાના એક પણ અગ્નિવીરને સેનામાંથી પાછા ફરવું પડશે, તો તેને નોકરી વિના રાખવામાં આવશે નહીં. આની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની છે.

અગ્નિવીરોના મુદ્દાને ઉકેલવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન નાયબસિંહ સૈનીએ અગ્નિવીરો માટે ઘણી જાહેરાતો કરી છે. તેઓ કહે છે કે અમારી સરકાર હરિયાણામાં અગ્નિવીરોને સરકાર દ્વારા ભરતી કરવામાં આવનાર કોન્સ્ટેબલ, માઈનિંગ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, જેલ વોર્ડન અને એસપીઓની જગ્યાઓ પર સીધી ભરતીમાં દસ ટકા અનામત આપશે. રાજ્ય સરકારે શસ્ત્ર લાઇસન્સ મેળવવા માટે અને અન્ય નોકરીઓમાં પણ અગ્નિવીરોને અગ્રતા આપવાનું વચન આપ્યું છે.       
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top