Business

બેન્ક ક્રેડિટ કાર્ડ બંધ નહીં કરે તો ગ્રાહકને મળશે રોજના 500 રૂપિયા, જાણો RBIનો આ નિયમ

નવી દિલ્હીઃ જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે, પરંતુ હવે તમે તેનો ઉપયોગ કરવા માંગતા નથી અને તેને બંધ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

ઘણીવાર બેન્કો ક્રેડિટ કાર્ડ બંધ કરવાની ગ્રાહકની અરજીને ઝડપથી મંજૂર કરતી નથી અથવા ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયામાં વિલંબ કરે છે. આવા સમયે ક્રેડિટ કાર્ડ યુઝર્સની ચિંતા વધે છે પરંતુ હવે ગ્રાહકે નહીં બેન્કે ચિંતા કરવી પડશે. એક વાર અરજી કર્યા બાદ ગ્રાહક નચિંત થઈ જશે. ગ્રાહકની તમામ સમસ્યા દૂર થશે.

ઘણી વખત એવું બને છે કે તમારી પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ છે. આવી સ્થિતિમાં જો તમે તમારા કેટલાક ક્રેડિટ કાર્ડ બંધ કરી ખર્ચમાં ઘટાડો કરવા ઈચ્છો છો પરંતુ બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગતી નથી અને તે યેનકેન પ્રકારે ક્રેડિટ કાર્ડ ચાલુ રાખે છે. આવા સંજોગોમાં તમારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો નિયમ જાણી લેવો જોઈએ.

આરબીઆઈનો એક નિયમ કહે છે કે જો કોઈ બેંક ક્રેડિટ કાર્ડ બંધ કરવામાં વિલંબ કરે છે તો બેન્કે ક્રેડિટ કાર્ડ યુઝર્સને દરરોજ 500 રૂપિયા દંડ પેટે ચૂકવવા પડશે.

RBIનો નિયમ શું કહે છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે વિનંતી એટલે કે અરજી બેન્કે આપે છે તો બેન્કે 7 દિવસની અંદર ગ્રાહકનો ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે. જો કાર્ડ ઈશ્યુ કરનાર બેંક અથવા સંસ્થા આમ કરવામાં અસમર્થ હોય તો 7 દિવસના સમયગાળા પછી દરરોજ 500 રૂપિયાનો દંડ લાદવામાં આવશે.

બેન્કે આ રકમ ગ્રાહકને ચૂકવવાની રહેશે. જો કે, એક વાતનું ધ્યાન રાખવું અગત્યનું છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર કોઈ બાકી લેણા ન હોવા જોઈએ. આ નિયમ RBI દ્વારા વર્ષ 2022માં લાગુ કરવામાં આવ્યો હતો.

માત્ર આ 5 સ્ટેપ ફોલો કરવાથી ક્રેડિટ કાર્ડ બંધ થઈ જાય છે

  • ક્રેડિટ કાર્ડ બંધ કરવો એ મુશ્કેલ પ્રક્રિયા નથી. તમે તમારું ક્રેડિટ કાર્ડ ખૂબ જ સરળતાથી બંધ કરાવી શકો છો. કોઈપણ ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા તમારે તેના લેણાં ચૂકવવા પડશે. બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ બંધ થશે નહીં.
  • ઘણા લોકો ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરતા નથી. તમે ખર્ચ કરીને આ પોઈન્ટ મેળવ્યા હોય છે. આવી સ્થિતિમાં તેને રિડીમ કરવાનો તમારો અધિકાર છે.
  • ઘણી વખત ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડ પર કેટલીક રિકરિંગ ચુકવણીઓ માટે સ્ટેન્ડિંગ સૂચનાઓ મૂકે છે, જેમ કે વીમા પ્રીમિયમ, OTT માસિક ચાર્જ અથવા બીજું કંઈક. તેને બંધ કરતા પહેલા તેને સંપૂર્ણપણે ક્લિયર કરો.
  • હવે તમારે બેંકને ફોન કરીને કહેવું પડશે કે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માંગો છો. ત્યાર બાદ બેન્ક વિગતો માંગશે. વિગતો મેળવ્યા બાદ બેન્ક કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
  • જ્યારે તમારું કાર્ડ બંધ થઈ જાય, ત્યારે તેને કાપી નાંખો જેથી કોઈ માહિતી ખોટા હાથમાં ન જાય.

Most Popular

To Top