Comments

નવી શિક્ષણનીતિ માટે સત્તાવાળાઓ જ બેખબર હોય તો વિદ્યાર્થીઓની હાલત જ શું હોય?

શિક્ષણની શરૂઆત જિજ્ઞાસાથી થાય છે. કશુંક જાણવાની ઈચ્છામાંથી પ્રશ્ન જન્મે છે અને આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટેના પ્રામાણિક પ્રયત્નમાંથી શિક્ષણની જ્ઞાન મેળવવાની મથામણ જન્મે છે. ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. આ લેખમાળામાં છેલ્લા બે-ત્રણ વખતમાં આપણે તેના ઘણા મુદ્દા ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે. આજે પુનરાવર્તનનો દોષ લઈને પણ કેટલાક મુદ્દા વિચારવા છે. કેટલાક પ્રશ્નો કરીએ તો નવી શિક્ષણનીતિની વર્તમાનમાં સ્થિતિ શું છે? તે ખ્યાલ આવે અને આ પ્રશ્નો વિદ્યાર્થી કે અધ્યાપક નહીં પણ સ્વયં શિક્ષણ વિભાગ કે સત્તાવાળાએ ચર્ચવાના છે.

સૌ પ્રથમ પ્રશ્ન એ કે નવી શિક્ષણનીતિનો પાયો જે છે તે ક્રેડીટ બેંક માટે શિક્ષણ વિભાગ,યુનિવર્સિટી કે કોલેજ સત્તાવાળા કેટલા તૈયાર. વિદ્યાર્થી જે વિષયમાં પ્રવેશ મેળવશે અને લેકચર ભરશે તે મુજબના તેના ક્રેડીટ ગુણ તેને મળવાના છે. યુનિવર્સિટીઓ અત્યારે ક્રેડીટ નક્કી કરવાની મથામણમાં છે પણ ક્રેડીટ નક્કી થયા પાછી તે ક્રેડીટ બેંકમાં જમા કરવાની એક આખી વ્યવસ્થા ઊભી કરવાની છે તે વ્યવસ્થા કેટલે પહોંચી? જો વિદ્યાર્થી બે સંસ્થામાં પ્રવેશ મેળવે છે તો બે સંસ્થામાં ક્રેડીટ મેળવશે અને જ્યાં મેજર કોર્સ કર્યો હશે ત્યાંથી તેને સર્ટીફીકેટ મળશે. આ પ્રક્રિયા માટે યોગ્ય પરિપત્રો, માર્ગદર્શન, નિયમો બનવા જોઈએ. શું તે બન્યા છે?

વિદ્યાર્થી પ્રથમ બે સેમેસ્ટર ભણી નીકળી જાય છે તો તેને ડિપ્લોમા મળવાપાત્ર છે. શું જૂન ૨૪ આવી માંગણી કોઈ વિદ્યાર્થી કરે તો યુનિવર્સિટીઓ તે આપવા તૈયાર છે? તે માટેના યોગ્ય દિશાનિર્દેશ અને પરિપત્રો થઇ ગયા છે? નવી શિક્ષણનીતિમાં માત્ર થીયરી નહિ, પણ પ્રેક્ટીકલ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સાયન્સમાં તો કોલેજો જે પ્રેક્ટીકલ કરાવે છે તેમાં જ કદાચ સંતોષ માની લે, પણ આર્ટસ અને કોમર્સમાં પ્રોજેક્ટ વર્ક ,આઉટ સાઈડ વર્કના ફોરમેટ નક્કી કરવા પડે. વિદ્યાર્થી ફિલ્ડ વર્ક કરે તે માટે એક કાયમી જોગવાઈ ગોઠવવી પડે. આમાં તે કોલેજો યુનિવર્સિટીઓએ વિવિધ સંસ્થાઓ સાથે કરારો કરવા પડે (mou) શું આ બધું જ થયું છે?

ઘણા માને છે કે અત્યારે પ્રથમ વર્ષમાં ચાલુ કરી દો પછી રહેતાં રહેતાં જોયું જશે પણ એ જોખમી છે. ભલે કોરોના કાળ હતો, પણ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન કાગળકામ થઇ શક્યું હોત. નિયમો ,જરૂરી સુધારા અને સત્તાસ્થાને બેઠેલાઓની ટ્રેનિંગ થઇ શકી હોત. આજે કોલેજમાં પ્રથમ વર્ષમાં કયો અભ્યાસક્રમ ભણાવવો? નવા ક્યા નિયમો બન્યા? આ તમામ બાબતો માટે ઘણા આચાર્યો જ અજાણ છે. ઘણી યુનિવર્સિટી અજાણ છે. અરે, ખુદ શિક્ષણ વિભાગમાં ઘણાં એવું માને છે કે અમે તો ૨૦૨૩ થી નવી શિક્ષણનીતિ લાગુ કરો તેવું યુનિવર્સિટીઓને જણાવ્યું એટલે અમારું કામ પૂરું થયું.આ બધા વચ્ચે ગુજરાતમાં એક માત્ર ચર્ચા ક્રેડીટ ગણવાની અને તેનું માળખું નક્કી કરવાની છે. જાણે નવી શિક્ષણનીતિ એટલે ક્રેડીટ સ્ટ્રક્ચર ઘડવાની નીતિ.

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં અનેક નીતિવિષયક બાબતો છે, જેનો નિર્ણય શિક્ષણ વિભાગે કરવાનો છે. યુનિવર્સિટીઓએ તે મુજબના કાયદા નિયમો બનાવવાના છે. આમાંનું કશું જ ના કરી ને માત્ર વિષયમાં ક્રેડીટ ગુણ નક્કી કરવાની કવાયત આપણી અધૂરી સમજ દર્શાવે છે. વિદ્યાર્થી on લાઈન ભણી શકે. ડીઝીટલ કોલેજોમાં ભણી શકે,જુદી જુદી સંસ્થાઓમાં ભણી શકે,જયારે ઈચ્છે ત્યારે ભણવાનું છોડે અને જયારે ઈચ્છે ત્યારે ભણવાનું શરૂ કરે. આ બધું જ ટી. વી. ની ચર્ચાઓમાં રોજ આવે છે.

શિક્ષણમાં સીધા પ્રવૃત્ત નથી તેવાં લેખકો વક્તાઓ નવી શિક્ષણનીતિનાં વખાણ પણ કરે છે, પણ એ તો કાગળ પર લખેલી નીતિનાં વખાણ છે. વાસ્તવમાં જે છે તે વખાણવાલાયક નથી. ગુજરાતમાં ૨૦૧૧ થી ચોઈસ બેસ ક્રેડીટ સીસ્ટમ ( CBCS ) અમલમાં જ છે. ઇન્ટરડીસીપ્લીનરી અને વેલ્યુએડેડ કોર્સ પણ સોફ્ટ સ્કીલ કે જીનેરીક કે ફાઉન્ડેશનના નામે ચાલે જ છે. સેમેસ્ટર સીસ્ટમની હાલત આપણે શું કરી? ઇન્ટરનલ માર્ક માટે લેખિત પરીક્ષાના બદલે એસૈન્મેન્ત, સેમીનાર, ઈન્ટરવ્યુની શું હાલત છે તે કોણ નથી જાણતું. શિક્ષણનો પાયો નૈતિકતા પર ઊભો છે અને ગુજરાતે તે જ ગુમાવી હોય તેવું લાગે છે. પ્રામાણિક બનો અને જાતને પૂછો કે ખરેખર આપણે નવી શિક્ષણનીતિ માટે યોગ્ય માળખું ઘડ્યું છે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top