Charchapatra

 ‘સ્વચ્છતામાં’ સુરત પ્રથમ આવી શકે તો ‘શિસ્તમાં’ પણ આવી શકે

સુરતમાં હમણાં એક વિરલ દ્રશ્ય જોવા મળી રહ્યું છે, ટ્રાફિક સેન્સ બાબતે બદનામ સુરતીઓ ચાર રસ્તે સિગ્નલને ડાહ્યાંડમરા થઈને ફોલો કરતાં જોવાં મળી રહ્યાં છે. ચાર રસ્તે ક્યાંય પોલીસ નથી દેખાતી છતાંય સુરતીઓ સિગ્નલનું પાલન કરતાં દેખાય એને વિરલ ઘટના જ કહેવાય. આ નવતર પ્રયોગનો સમગ્ર શ્રેય નવનિયુક્ત પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સાહેબને જાય છે.. ભય બિન પ્રીત નહીં, એ ન્યાયે દશ જણાં નિયમોનું પાલન કરતા હોય એમાંથી બે જણા સ્વયં શિસ્તમાં માનવાવાળા હશે, બાકીના આઠ જણા દંડના ભયથી નિયમ પાળતા હોય છે.

સિવિકસેન્સ માટે આપણી મથરાવટી હંમેશા મેલી રહી છે. એક તરફ જાહેર શિસ્તની બાબતે આપણી બેફિકરાઈ  અને બીજી બાજુ કાયદા કાનૂનની ઢીલાઈએ આપણને બગાડ્યા છે. આપણે ત્યાં નિયમ બનાવવાવાળા અને પળાવવાવાળા જ નિયમ તોડતા હોય તો, પ્રજા વંઠે એમાં નવાઈ ખરી.!? શિસ્તના અભાવ માટે આપણી પ્રજા જાણીતી છે પણ એ જ પ્રજા જ્યારે વિદેશ જાય છે ત્યારે કેમ શિસ્તબદ્ધ રીતે વર્તે છે.?  કારણ કે વિદેશોમાં કાયદો કોઈને “છોડતો” નથી અને આપણા દેશમાં કાયદો કોઈને “છેડતો” નથી..

એક માણસ ધારે તો શહેરની કેવી કાયાપલટ કરી શકે છે, એ આપણે ભૂતકાળમાં સુરત મ્યુ. કમિશનર તરીકે એસ. આર. રાવ સાહેબની નિમણૂક થઈ ત્યારે જોયું. અત્યારે ઈન્દોર સાથે સુરત સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવતું હોય તો એનો શ્રેય પણ પૂર્વ કમિશનર એસ. આર. રાવ સાહેબને આપવો રહ્યોં, કારણકે સુરતમાં સ્વચ્છતાના બીજ તેઓ રોપી ગયા એમ કહી શકાય…  ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈ જાહેર સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં મુખ્ય મહેમાનને તલવાર આપી સન્માન કરવામાં આવે છે, અને વળી મુખ્ય મહેમાન મ્યાનમાંથી તલવાર કાઢી હવામાં લહેરાવી અભિવાદન ઝીલતા હોય છે,  એની સામે કોઈ જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ ડે ઉજવતા હોય અથવા જાહેરમાં ખુલ્લી તલવાર લઈ ફરતા હોય તો એ જો ગુનો બનતો હોય તો, જાહેર સમારંભોમાં અપાતી તલવારો પણ કેમ ગુનો ના બને.?

વિદેશોમાં પ્રેસિડેન્ટથી માંડીને પ્યુન સુધી સૌના માટે એક જ કાયદો હોય છે,  એટલે જ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડનના નિવાસે પણ તપાસ એજન્સીઓના દરોડા પડી શકે છે.. આપણે ત્યાં આવી કલ્પના પણ ન થઈ  શકે.  આપણે ત્યાં વડાપાઉંવાળો રસ્તે ઊભો હશે તો પોલીસ ખદેડી મુક્શે પણ વડાપ્રધાનનો રોડ શો હશે તો આખો રસ્તો બ્લોક કરવામા આવશે. માટે આપણે ત્યાં વડાપ્રધાન માટે અને વડાપાઉંવાળા માટે કાયદાઓ જુદા હોય છે..
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top