Columns

સિદ્ધારમૈયાની પત્ની જમીન પાછી આપી દે તો તેનો ગુનો માફ થઈ જાય ખરો?

ભારતના રાજકારણમાં કોઈ રાજકારણી એવો નથી કે જેણે જિંદગીમાં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો ન હોય. આજનું રાજકારણ જ એટલું ગંદું થઈ ગયું છે કે તેમાં ભ્રષ્ટાચાર આચર્યા વિના સત્તાના સિંહાસન સુધી પહોંચી નથી શકાતું. જો તે રાજકારણી શાસક પક્ષનો હોય તો તેને ઊની આંચ આવતી નથી; પણ જો તે વિપક્ષનો હોય તો તેણે જેલમાં જવાની તૈયારી રાખવી પડે છે. કર્ણાટકના હાલના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા પણ તેવી મુસીબતમાં મૂકાઈ ગયા છે.

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (મુડા) કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની, વહુ અને કેટલાક અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તાઓ આક્ષેપ કરે છે કે મુખ્ય મંત્રીએ મુડાના અધિકારીઓ સાથે મળીને છેતરપિંડીથી મોંઘી જગ્યાઓ હસ્તગત કરી છે. આ ઉપરાંત આ મામલાની તપાસ લોકાયુક્તને બદલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા કરાવવાની માગણી કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

મુડા શહેરી વિકાસ દરમિયાન જમીન ગુમાવનારાં લોકો માટે એક યોજના લાવી હતી. ૫૦ : ૫૦ નામની આ યોજનામાં જમીન ગુમાવનારાં લોકો વિકસિત જમીનના ૫૦% હકદાર હતાં. આ યોજના પ્રથમ વખત ૨૦૦૯માં લાગુ કરવામાં આવી હતી, જે તત્કાલીન ભાજપ સરકારે ૨૦૨૦માં બંધ કરી દીધી હતી. સરકાર દ્વારા યોજના બંધ કરી દેવામાં આવ્યા પછી પણ મુડાએ ૫૦ : ૫૦ યોજના હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું હતું.

મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આરોપ છે કે મુખ્ય મંત્રીની પત્નીની ૩ એકર અને ૧૬ ગુંઠા જમીન મુડા દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. તેના બદલામાં તેમને પોશ વિસ્તારમાં ૧૪ જગ્યાઓ ફાળવવામાં આવી હતી. કુલ ૩૮,૨૮૪ ચોરસ ફૂટની ફાળવણી કરવામાં આવી હતી. મૈસુરની બહારની આ જમીન મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુન સ્વામીએ ૨૦૧૦ માં ભેટમાં આપી હતી. મુખ્યમંત્રીનાં પત્નીના નામે જે ૧૪ જગ્યાઓ ફાળવવામાં આવી હતી તેમાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે.

કોઈ ચોર ચોરી કરતાં પકડાઈ જાય તે પછી તે ચોરીનો માલ પાછો આપવાની તૈયારી બતાડે તેમ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ઇડીએ તેની પકડ વધુ કડક કર્યા પછી તેમની પત્ની પાર્વતીએ મુડાને પત્ર લખીને તેમને ફાળવવામાં આવેલા ૧૪ પ્લોટ પરત કરવા જણાવ્યું છે. પાર્વતીએ મુડાને લખેલા તેના પત્રમાં જણાવ્યું હતું કે હું મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મારી તરફેણમાં ફાળવવામાં આવેલા ૧૪ પ્લોટના દસ્તાવેજો રદ કરવા અને પરત કરવા માંગુ છું.

હું પ્લોટનો કબજો પણ મૈસુર શહેરી વિકાસ સત્તામંડળને પાછો સોંપી રહી છું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુડા જમીન કેસમાં મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની પાર્વતી અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે. કર્ણાટકના લોકાયુક્તની એફઆઈઆર બાદ આ કેસ નોંધવામાં આવ્યો છે. વિજયનગરમાં ફાળવવામાં આવેલી જગ્યાઓની બજાર કિંમત મૂળ જમીન કરતાં ઘણી વધારે છે. વિપક્ષે હવે વળતરની નિષ્પક્ષતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. જો કે, એ પણ રસપ્રદ છે કે ૨૦૨૧માં ભાજપના શાસન દરમિયાન મુખ્ય મંત્રીની પત્નીને નવી જગ્યા ફાળવવામાં આવી હતી.

જો કે હવે ભાજપે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મુખ્ય મંત્રીએ ભૂલ કરી છે. તેમણે મુખ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેઓ તપાસ ટાળવા માંગતા હતા અને તેથી તેમણે રાજ્યપાલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મુડા કેસના વિવાદ વચ્ચે કર્ણાટક સરકારે તાજેતરમાં રાજ્યમાં તપાસ માટે સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી છે. સરકારે કહ્યું છે કે એજન્સી પક્ષપાતી રીતે કામ કરી રહી હતી. સરકારના નિર્ણય બાદ કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટિલે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર તેનાં સંસાધનોનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરી રહી નથી.

કથિત જમીન કૌભાંડમાં તેમની તપાસ કરવાના રાજ્યપાલના આદેશને સમર્થન આપ્યાના એક દિવસ પછી કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને સીબીઆઈને પરવાનગી આપતી સૂચના રદ કરવામાં આવી હતી, જેનો હેતુ સીબીઆઈ તપાસથી બચવાનો હોવાનું કહેવાય છે. વાસ્તવમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા વિરુદ્ધ તપાસની મંજૂરી આપી હતી, જેની સામે તેઓ હાઈ કોર્ટમાં ગયા હતા.

ત્યારે સિદ્ધારમૈયાને આંચકો લાગ્યો કે આ મામલો સીબીઆઈ પાસે જઈ શકે છે. તેથી તેમણે ઉતાવળમાં સીબીઆઈની મંજૂરી પાછી ખેંચી લીધી હતી. પરંતુ શું તેનાથી સિદ્ધારમૈયાને રાહત મળશે? આ મામલે સીબીઆઈ તપાસ માટે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જો હાઈ કોર્ટ સીબીઆઈની તપાસને મંજૂરી આપે તો રાજ્ય સરકાર માટે તપાસની પરવાનગી પાછી ખેંચી લેવી જરાય ઉપયોગી નહીં બને.

મુડાના હાથમાં જમીન સંપાદન અને ફાળવણીની સત્તા છે. આ વખતે મામલો જમીન કૌભાંડનો છે, તેથી તેની સાથે મુડાનું નામ જોડવામાં આવી રહ્યું છે. આ મામલો જ્યારે સિદ્ધારમૈયા મુખ્ય મંત્રી હતા ત્યારે જમીનની ફાળવણી સાથે સંબંધિત છે. ઘણાં સામાજિક કાર્યકરો અને આરટીઆઈ કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે આ પ્રક્રિયામાં જાણી જોઈને અનિયમિતતાઓ કરવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વર્ષ ૧૯૯૨માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ રહેણાંક વિસ્તારમાં વિકસાવવા માટે ખેડૂતો પાસેથી કેટલીક જમીન લીધી હતી. તેને અમુક નિયમો હેઠળ ખેતીની જમીનથી બાકાત કરવામાં આવી હતી, પરંતુ ૧૯૯૮માં મુડા દ્વારા સંપાદિત જમીનનો એક ભાગ ખેડૂતોને પરત કરવામાં આવ્યો હતો. મુડાનાં આ પગલાંથી આ જમીન ફરી એક વાર ખેતીની જમીન બની હતી.

અત્યાર સુધી નિયમ મુજબ બધું બરાબર હતું. પરંતુ આ મામલે વિવાદ ૨૦૦૪થી શરૂ થયો હતો, જ્યારે સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ બીએમ મલ્લિકાર્જુને ૨૦૦૪માં આ જ જમીનમાં ૩.૧૬ એકર જમીન ખરીદી હતી, જ્યારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર હતી અને સિદ્ધારમૈયા નાયબ મુખ્યમંત્રી હતા. દરમિયાન મામલો પ્રકાશમાં આવ્યો કે તે જ જમીનને ફરીથી ખેતીની જમીનથી અલગ કરીને ડેવલપ કરવામાં આવી હતી. જ્યારે સિદ્ધારમૈયાના પરિવારનાં સભ્યો જમીનની માલિકી લેવા પહોંચ્યાં ત્યારે ત્યાં લેઆઉટ પહેલેથી જ વિકસાવવામાં આવ્યો હતો.

ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ ૩ હજારથી ૪ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આમાં સિદ્ધારમૈયાનો પરિવાર સામેલ છે. કોંગ્રેસ આ અંગે મૌન સેવી રહી છે. રાજ્યપાલનો આભાર કે જેમણે તપાસનો આદેશ આપ્યો છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે ૨૦૧૪માં જ્યારે હું મુખ્ય મંત્રી હતો ત્યારે મારી પત્નીએ વળતર માટે અરજી કરી હતી. મેં મારી પત્નીને કહ્યું હતું કે જ્યાં સુધી હું મુખ્ય મંત્રી છું ત્યાં સુધી વળતર માટે અરજી ન કરો. ૨૦૨૦-૨૧માં જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે પત્નીને વળતરની જમીન ફાળવવામાં આવી હતી.

હવે ભાજપ મારા પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. સિદ્ધારમૈયાએ X પર લખ્યું કે મારી પત્ની પાર્વતીએ મૈસૂરમાં મુડાને જમીન પરત કરી દીધી છે. હું નમ્યા વિના આ અન્યાય સામે લડવાનો હતો, પરંતુ મારી સામે ચાલી રહેલા રાજકીય કાવતરાથી પરેશાન મારી પત્નીએ આ પ્લોટ પરત કરવાનો નિર્ણય લીધો છે, જે મારા માટે પણ આશ્ચર્યજનક છે. મારી પત્નીએ મારા ચાર દાયકાના રાજકારણમાં ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી અને તેની પ્રવૃત્તિ તેના પરિવાર સુધી મર્યાદિત રહી હતી. મને માફ કરજો. જો કે, પ્લોટ પરત કરવાના મારી પત્નીના નિર્ણયનું હું સન્માન કરું છું. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top