નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) પાંચમા તબક્કાના પ્રચાર માટે બિહારના (Bihar) મુઝફ્ફરપુર (Muzaffarpur) પહોંચ્યા હતા. આ પ્રચાર દરમિયાન જનતાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ભારત ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમજ વડાપ્રધાને કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરના પાકિસ્તાનને (Pakistan) સમર્થન આપતા નિવેદન પર પ્રહારો કર્યા હતા અને જડબાતોડ જવાબ આપ્યો હતો.
બિહારના મુઝફ્ફરપુરમાં જાહેર સભામાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના પાકિસ્તાન તરફી નિવેદન પર પ્રહારો કર્યા અને જવાબ આપતા કહ્યું, ‘જો પાકિસ્તાન બંગડીઓ નથી પહેરી તો આપણે તેમને પહેરાવી દઈશું. તેમને પણ લોટ જોઈએ છે, વીજળી પણ નથી. અમને ખબર ન હતી કે તેની પાસે બંગડીઓ પણ નથી. અરે ભાઇ આપણે પહેરાવી દઇશું.’
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, આ દેશની ચૂંટણી છે, આ ભારતનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે, આ ચૂંટણી દેશનું નેતૃત્વ પસંદ કરવાની ચૂંટણી છે. દેશની બાગડોર કોના હાથમાં આપવી તે નક્કી કરવાની આ ચૂંટણી છે. દેશને નબળી, કાયર અને અસ્થિર કોંગ્રેસની સરકાર બિલકુલ જોઈતી નથી.
આ સિવાય વડાપ્રધાને લાલુ પરિવાર પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે, મુઝફ્ફરપુર અને બિહારના લોકોએ દાયકાઓથી નક્સલવાદના ઘા સહન કર્યા છે. અગાઉની સરકારોએ નક્સલવાદને પોષ્યો અને તેનો ઉપયોગ તમારી વિરુધ્ધ પણ કર્યો. ગુનાખોરી અને નક્સલવાદના કારણે બિહારમાં ઉદ્યોગો અને ધંધા બરબાદ થઈ ગયા.
તેમણે વધુમાં કહ્યું કે જંગલરાજનું જીવન ભયંકર, ડરામણું હતું. આરજેડીના જંગલરાજે બિહારને દાયકાઓ પાછળ ધકેલી દીધુ હતું. NDA સરકારે જ બિહારમાં કાયદો અને વ્યવસ્થા પાટા પર લાવી હતી, જેના કારણે હવે નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓ પણ ઝડપથી ઘટી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું, ‘મોદીએ તમને બમણો ફાયદો કરાવવા માટે બીજી એક સ્કીમ બનાવી છે. આ સ્કીમથી તમારું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. આ યોજનાનું નામ છે- PM સૂર્યઘર મફત વીજળી યોજના. આ યોજના હેઠળ, સરકાર તમને અગાસી ઉપર સોલાર પેનલ લગાવવા માટે 75 હજાર રૂપિયા આપશે, તમને જેટલી વીજળીની જરૂર હોય તેટલી વીજળીનો ઉપયોગ કરો, બાકીની વીજળી સરકારને વેચો, એટલે કે ઝીરો વીજળી બિલ અને તેની સાથે આવક પણ.