છેલ્લા કેટલાક વર્ષોમાં માણસજાત સમક્ષ એક મોટો પડકાર ઉર્જાનો પણ ઉભો થયો છે. એક સમયે લાકડાઓ બાળીને પોતાની ઉર્જાની જરૂરિયાતો સંતોષી લેતો માણસ આજે એવી સ્થિતિએ પહોંચ્યો છે કે તેને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણો વગર ચાલે તેમ નથી અન વિજળી તેની રોજીંદી જરૂરિયાતોનું એક અભિન્ન અંગ બની ગઇ છે. જો કે પેટ્રોલ, ડીઝલ કે નેચરલ ગેસ જેવા ઇંધણોનો જથ્થો અખૂટ નથી. આ અશ્મિજન્ય ઇંધણોના જથ્થાનો ગમે ત્યારે અંત આવી શકે તેમ છે, અને વધુ મોટી સમસ્યા તો આજે એ બની ગઇ છે કે આ ઇંધણોનો વપરાશ ખૂબ વધી જવાને કારણે પૃથ્વી પર પ્રદૂષણ પણ ખૂબ વધી ગયું છે અને તેના કારણે ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યા જન્મી છે.
આજે સ્થિતિ એવી છે કે આ અશ્મિજન્ય બળતણનો જથ્થો ખૂટી પડે તે પહેલા જ તેનો વપરાશ પ્રદૂષણથી બચવા માટે બંધ કરી દેવા માટે માણસ ઉતાવળો થયો છે. વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતો શોધવાના વ્યાપક પ્રયાસો થઇ રહ્યા છે અને તેમાં કેટલીક સફળતા પણ મળી છે. આજે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોને બદલે વિજળીથી ચાલતા વાહનોને ઉપયોગમાં લેવા માટેના અખતરાઓ ચાલી રહ્યા છે અને અમુક હદ સુધી તેમાં સફળતા મળી છે અને આવા વાહનોના ઉપયોગમાં નડતી વિવિધ સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો થઇ રહ્યા છે.
પરંતુ વિજળીથી ચાલતા વાહનોને ચાર્જ કરવા પણ વિજળી તો જોઇએ અને આજે મોટા ભાગની વિજળી ભારત જેવા દેશોમાં તો કોલસા વડે પેદા થાય છે અને તે કોલસો પણ અશ્મિજન્ય ઇંધણ છે અને તેનાથી પણ ઘણુ પ્રદૂષણ થાય છે તેથી સ્થિતિ છેવટે ઠેરના ઠેર જેવી થાય છે. સૌર વિજળી કે પવન ચક્કીથી વિજળી ઉત્પન્ન કરવાનું બહુ વ્યવહારુ બની શક્યું નથી અને યુરેનિયમનો ઉપયોગ કરીને જે અણુ વિદ્યુત મથકોમાં વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે તેના વડે સ્વચ્છ વિજળી તો મળી રહે છે પરંતુ તેમાં કિરણોત્સર્ગનો ભય રહેલો છે અને આ કિરણોત્સર્ગ ખૂબ જોખમી હોય છે. તેમાં પણ જો કોઇ મોટી હોનારત બને તો બહુ ગંભીર સંજોગો ઉભા થઇ શકે, જે રશિયામાં ચેર્નોબિલ દુર્ઘટના વખતે બધાએ જોયું છે. આવી સ્થિતિમાં હાલ એક આશાનું કિરણ જાગ્યું છે અને તે એ કે ન્યૂક્લિયન ફ્યુઝન વડે વિજળી મોટા પ્રમાણમાં પેદા કરી શકાય તે શક્ય બની શકે તેવા ચિન્હો દેખાયા છે.
ન્યૂક્લિયર ફ્યુઝન અથવા નાભીકિય સંલયનની પ્રક્રિયામાં એક મોટી સફળતાનો દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો છે જેમાં આ પ્રક્રિયા શરૂ કરવા માટે વપરાતી ઉર્જા કરતા વધુ ઉર્જા જન્માવી શકાઇ છે અને તેના પગલે હવે સૂર્યમાં જે રીતે ઉર્જા જન્મે છે તે રીતે પૃથ્વી પર પણ ઉર્જા જન્માવવાનો માર્ગ મોકળો થશે અને આગળ જતાં અશ્મિ જન્ય ઇંધણોની જરૂરિયાતનો અંત આવી શકે છે. વૈજ્ઞાનિકોને મળેલી આ સફળતાની જાહેરાત ખુદ અમેરિકી ઉર્જા મંત્રી જેનીફર ગ્રેનહોમે કરી હતી. અમેરિકાના કેલિફોર્નિયા ખાતેની લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોને આ સફળતા મળી છે.
ફ્યુઝન રિએકશન જન્માવવામાં વપરાતી ઉર્જા કરતા આ રિએકશન દ્વારા વધુ ઉર્જા જન્માવવામાં તેમને સફળતા મળી છે, જેને નેટ એનર્જી ગેઇન કહેવામાં આવે છે. સૂર્ય અને તારાઓમાં જે રીતે ઉર્જા જન્મે છે તે રીતે ઉર્જા હવે પૃથ્વી પર પણ જન્માવી શકાય એવી આશા જન્મી છે. આનાથી પેટ્રોલ, ડીઝલ જેવા અશ્મિજન્ય ઇંધણોનો સમય જતાં ઉપયોગ ખૂબ ઘટી જઇ શકે છે અને આમાં પ્રદૂષણ પણ જન્મતું ન હોવાથી પૃથ્વી પર પ્રદૂષણની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. આ પણ એક પ્રકારે અણુ ઉર્જા છે પરંતુ તેમાં યુરેનિયમ વડે પેદા કરાતી અણુ વિદ્યુત મથકમાંથી જે કિરણોત્સર્ગ થવાનો ભય રહે છે તે રહેતો નથી.
નાભીકિય સંલયનથી વિજળી ઉત્પન્ન કરવાના આ પ્રયોગમાં એક હાઇડ્રોજન ભરેલી ધાતુની મજબૂત કેપ્સ્યુલ પર ૧૯૨ લેસર કિરણોના શેરડાઓનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આ કેપ્સ્યુલમાંના હાઇડ્રોજનને ૧૮૦ ડિગ્રી ફેરનહીટ કરતા વધુ ગરમ કરવામાં આવ્યો હતો. થોડા સમય માટે સૂર્ય જેવી સ્થિતિ ત્યાં સર્જાઇ હતી અને લેસર કિરણોની ઉર્જા કરતા વધુ ઉર્જા આ ફ્યુઝન વડે જન્મી હતી. આમાં કિરણોત્સર્ગી કચરો સર્જાતો નથી તે મોટો લાભ છે. ન્યુક્લિયર ફ્યુઝનમાં હાઇડ્રોજનના અણુઓને એકબીજા સાથે એટલા બળપૂર્વક દબાવવામાં આવે છે કે તેમનું રૂપાંતર હિલિયમમાં થઇ જાય છે.
આનાથી ઉર્જા અને ગરમી પેદા થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે ન્યુક્લિયર રિએકશનની અન્ય પ્રક્રિયાઓમાં જે રીતે રેડિયોએક્ટિવ વેસ્ટ જન્મે છે તેવું આમાં થતું નથી તેથી જોખમી વિકિરણોનો પણ ભય રહેતો નથી. આ પહેલા પણ આના પ્રયોગો ઘણા થયા છે પરંતુ આ ઉર્જા પેદા કરવા જેટલી વિજળી વપરાય તેના કરતા ઓછી વિજળી તેમાં જન્મતી હતી એટલે ઘાટ કરતા ઘડામણ મોંઘી એવી સ્થિતિ રહેતી હતી. પ્રથમ વખત એવું બન્યું છે કે આ ફ્યુઝન માટે જેટલી વિજળી વપરાય તેના કરતા વધુ વિજળી જન્માવી શકાઇ છે અને ભવિષ્યમાં આ રીતે ઉત્પન્ન થતી વિજળીનું પ્રમાણ વધારી શકાશે એવી આશા જન્મી છે. જો કે હજી ઘણા પ્રયોગોની જરૂર પડશે પરંતુ જો આમાં સફળતા મળશે તો પૃથ્વી પર ઉર્જાના ઉત્પાદન અને વપરાશનું આખું ચિત્ર જ બદલાઇ જશે.