નકસલવાદ એક એવો રાક્ષસ છે, જેનો જન્મ ગરીબ, વનવાસી, ભૂમિહીન મજૂરો અને દલિતોના શોષણમાંથી થાય છે. જંગલની જે જમીન છે, તેમાં વહેતી નદીઓ છે અને જમીન નીચે રહેલાં જે ખનિજો છે, તેની અસલી માલિક જંગલમાં વસતી પ્રજા છે. જમીનદારો, સરકારી અમલદારો અને ઉદ્યોગપતિઓ દ્વારા આ કુદરતી ખજાના પર લૂંટ ચલાવવામાં આવી, તેના નફામાં જમીનનાં મૂળ માલિકોને ભાગ ન આપવામાં આવ્યો અને ભાગ માગનારાં પર અત્યાચારો ગુજારવામાં આવ્યા ત્યારે તેમણે હાથમાં હથિયારો ધારણ કર્યાં અને તેઓ બળવાખોર બની ગયાં.
આ બળવાખોરોને નકસલવાદી કે માઓવાદીનું નામ આપવામાં આવ્યું. આ નકસલવાદીઓના જે નેતાઓ થયા તેઓ પણ આગળ જતાં ગરીબોનું શોષણ કરવા લાગ્યા અને કરોડો રૂપિયાની સંપત્તિમાં આળોટવા લાગ્યાં. જો કોઈ વનવાસી આ નેતાના આદેશનો અનાદર કરે તો તેની ઉપર પણ અત્યાચારો ગુજારવામાં આવતા હતા. હવે ભારતના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં જાહેરાત કરી છે કે દેશમાંથી નકસલવાદ લગભગ ખતમ થઈ ગયો છે. જો ખરેખર દેશમાંથી નકલસવાદ ખતમ થઈ ગયો હોય તો તે મોટી ઘટના છે પણ જે શોષણના ચક્રને કારણે જંગલમાં રહેતાં લોકો નકસલવાદી બની જતાં હતાં, તે શોષણ નહીં બંધ થાય તો નકસલવાદ પાછો આવશે.
ગૃહમંત્રી અમિત શાહે ઓગસ્ટ ૨૦૨૪ માં માઓવાદને બે વર્ષમાં ખતમ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. છેલ્લાં બે વર્ષમાં સુરક્ષા દળોએ માઓવાદ વિરોધી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે. નક્સલવાદને ખતમ કરવાની સમયમર્યાદા પહેલાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં કરવામાં આવેલી જાહેરાતને નિર્ણાયક માનવામાં આવી રહી છે. આ બે વર્ષોમાં છત્તીસગઢમાં ૫૩૧ માઓવાદીઓ માર્યા ગયાં હતાં. તેમની મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી અને હજારો માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.
માઓવાદી સંગઠનના ટોચના નેતાઓ, પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટીએ ૨૪ સભ્યો ગુમાવ્યા, જે કાં તો માર્યા ગયા અથવા આત્મસમર્પણ કર્યું. ભારત સરકારના માઓવાદી વિરોધી અભિયાને મે ૨૦૨૫ માં માઓવાદીઓને સૌથી મોટો ફટકો માર્યો હતો, જ્યારે સીપીઆઈ (માઓવાદી) સંગઠનના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજુ છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના અબુઝહમાડમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો. ત્યાર બાદ, ઓક્ટોબર ૨૦૨૫ માં પોલિટબ્યુરો સભ્ય મલ્લોજુલા વેણુગોપાલ રાવે આત્મસમર્પણ કર્યું હતું. તે જ મહિનામાં અન્ય એક વરિષ્ઠ નેતા વાસુદેવ રાવે પણ આત્મસમર્પણ કર્યું હતું.
નવેમ્બર ૨૦૨૫ માં છત્તીસગઢમાં સશસ્ત્ર માઓવાદીઓમાં સૌથી મોટું નામ અને સેન્ટ્રલ કમિટીના સભ્ય માધવી હિડમાની એન્કાઉન્ટરમાં હત્યાને પણ એક મોટો વળાંક માનવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૬ માં, થિપિરી તિરુપતિ ઉર્ફે (દેવજી), જેમને સંગઠનના સંભવિત આગામી વડા માનવામાં આવતા હતા, તેમણે પણ આત્મસમર્પણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન સુરક્ષા દળોએ બસ્તર ક્ષેત્રમાં ૧૦૦ થી વધુ નવા કેમ્પ સ્થાપ્યા હતા અને લગભગ ૮,૦૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં તેમની પહોંચનો વિસ્તાર કર્યો હતો, જ્યાં અગાઉ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની હાજરી ખૂબ જ મર્યાદિત જણાતી હતી.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ૨૦૧૪ પછી માઓવાદીઓ સામે સરકારી રણનીતિમાં મોટો ફેરફાર થયો છે. સુરક્ષાના મોરચે વધારાના ૫૯૬ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યાં, સેંકડો નવા સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા અને ડ્રોન, ઉપગ્રહો અને ડેટા એનાલિટિક્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો હતો. ૨૦૨૪ થી ૨૦૨૬ દરમિયાન દેશભરમાં ૭૦૬ નક્સલીઓ માર્યા ગયા, ૨,૨૧૮ની ધરપકડ કરવામાં આવી અને ૪,૮૦૦ થી વધુ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. વિકાસના મોરચે ૧૭,૦૦૦ કિલોમીટરથી વધુ રસ્તાઓને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી ૧૨,૦૦૦ કિલોમીટરનું નિર્માણ થઈ ગયું છે. લગભગ ૫,૦૦૦ મોબાઇલ ટાવર, હજારો બેંક શાખાઓ, ATM અને પોસ્ટ ઓફિસો પણ ખોલવામાં આવી હતી.
દેશમાં લગભગ ૭૫ ટકા નક્સલી પ્રવૃત્તિઓ છત્તીસગઢમાં કેન્દ્રિત હતી અને તેનો મોટો ભાગ બસ્તરમાં હતો. હવે બસ્તરના મોટા ભાગના માઓવાદી કેડરનો લગભગ નાશ થઈ ગયો છે, જે એક મોટો ફેરફાર છે. હવે છત્તીસગઢમાં માઓવાદી સંગઠનોના ફક્ત ૨૫ થી ૩૦ સભ્યો જ બચ્યા છે, જે કાંકેરની ઉત્તરે અને બીજાપુરની દક્ષિણમાં છે. જો કે, આ લોકો હવે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની સ્થિતિમાં નથી. તેમાંથી મોટા ભાગનાં લોકોએ હથિયારો છોડી દીધાં છે અને તેઓ સામાન્ય લોકો સાથે ભળી ગયાં છે. પહેલાં માઓવાદીઓની લડાઈ પાંખ (લશ્કરી માળખું) નેતૃત્વને મજબૂત બનાવતી હતી. જો કે, હવે તે પણ લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
ભારતમાં નક્સલવાદી ચળવળ ૧૯૬૭ માં પશ્ચિમ બંગાળના નક્સલબારીમાં શરૂ થઈ હતી. તે એક સશસ્ત્ર ખેડૂત આંદોલન હતું જે ધીમે ધીમે એક વ્યાપક આતંકવાદી વિચારધારામાં વિકસિત થયું. ૧૯૭૦ અને ૧૯૮૦ ના દાયકામાં આ ચળવળ બિહાર, આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિસ્તારોમાં ફેલાઈ ગઈ. ૨૦૦૪ માં ઘણાં સંગઠનોએ ભેગાં થઈને સીપીઆઈ (માઓવાદી) ની રચના કરી, જેનાથી તેને એક કેન્દ્રિય માળખું મળ્યું.
ધીમે ધીમે છત્તીસગઢનો બસ્તર પ્રદેશ, તેનાં ગાઢ જંગલો અને મર્યાદિત સરકારી પહોંચ સાથે માઓવાદી ચળવળનો સૌથી મજબૂત ગઢ બન્યો. દંડકારણ્ય પ્રદેશમાં, નક્સલવાદીઓએ લોકોની અદાલતો, સશસ્ત્ર ટુકડીઓ અને સ્થાનિક નેટવર્ક સહિત એક સમાંતર માળખું સ્થાપિત કર્યું. સરકારના મતે, એક સમયે ૧૨ રાજ્યોમાં ફેલાયેલા રેડ કોરિડોરથી દેશના મોટા ભાગને અસર થઈ હતી, જ્યાં કરોડો લોકો રહેતાં હતાં. આ રેડ કોરિડોરમાં નકસલવાદીઓ સમાંતર સરકાર ચલાવતાં હતાં. તેઓ લોકો પાસેથી કરવેરા ઉઘરાવતા હતા અને તેમને કેટલીક સુવિધાઓ પણ પ્રદાન કરતાં હતાં. ભારતનાં પોલિસ દળો અને સુરક્ષા બળો નકસલવાદી પ્રદેશોમાં પગ મૂકતાં પણ ડરતાં હતાં. હવે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
ઘણા નિષ્ણાતો માને છે કે સરકાર માટેનો પડકાર અહીં સમાપ્ત થતો નથી. હજારો લોકોએ આત્મસમર્પણ કર્યું છે. તેમના માટે પુનર્વસન નીતિ વિકસાવવામાં આવી છે, જેમાં નાણાંકીય સહાય, કૌશલ તાલીમ અને રહેઠાણનો સમાવેશ થાય છે, પરંતુ આ લોકોને ટકાઉ રીતે મુખ્ય પ્રવાહમાં એકીકૃત કરવું સરળ નથી. માઓવાદના અંત સાથે એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો છે. તે કેવી રીતે ભરાય છે તે જોવાનું બાકી છે. સ્થાનિક સ્તરે લોકોમાં એવો પણ ડર છે કે હવે માઓવાદીઓનો પ્રભાવ ઓછો થઈ ગયો છે, તેથી તેમની જમીન મૂડીવાદીઓને આપી દેવામાં આવશે. આત્મસમર્પણ કરનારાં માઓવાદી કેડરોને લઈને પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સરકાર માટે ફક્ત પુનર્વસન યોજનાઓ બનાવવી પૂરતી નથી, પરંતુ સમાજમાં આ યોજનાઓ કેવી રીતે સ્વીકારાય છે તે જોવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. સરકારે આત્મસમર્પણ કરનારાં માઓવાદીઓને માફ કરી દીધાં છે, પરંતુ શું હિંસામાં પોતાનાં પ્રિયજનો ગુમાવનારાં પરિવારો તેમને સ્વીકારી શકશે? જો આત્મસમર્પણ કરનાર કેડર સામે સ્થાનિક હિંસા થાય છે, તો તે વહીવટ માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ સામે બાકીનાં નાનાં જૂથો ફરીથી એકઠાં ન થાય તે સુનિશ્ચિત કરવાનો પડકાર પણ છે. જંગલોમાં અગાઉ લગાવેલાં IED અને છુપાયેલા નેટવર્ક હજુ પણ ખતરો છે. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે સરકારે તાજેતરમાં જ્યાં પોતાની હાજરી સ્થાપિત કરી છે ત્યાં સ્થાનિક પ્રજાનો વિશ્વાસ કેવી રીતે સંપાદિત કરવો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.