ભૂતપૂર્વ ચીની વડાપ્રધાન લી કેકિઆંગ, કે જેઓ એક વિદ્વાન અર્થશાસ્ત્રી હતા અને એક સમયે દેશના ટોચના હોદ્દાની ભૂમિકા માટે પ્રમુખ ઝી જિનપિંગ સામે મજબૂત દાવેદાર હતા તેમનું શુક્રવારે હ્દયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ હજી તો થોડા મહિના પહેલા જ માર્ચમાં ચીનના વડાપ્રધાનપદેથી નિવૃત થયા હતા અને અચાનક તેમનું અવસાન થયું છે. લી કેકિઆંગ ૬૮ વર્ષના હતા, તેમને ગુરુવારે હ્દયરોગનો હુમલો આવ્યો હતો અને બચાવવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા પછી મધરાત પછી ૧૨.૧૦ કલાકે શાંઘાઇમાં તેમનું અવસાન થયું હતું.
એમ ચાઇના ડેઇલીએ અહેવાલ આપ્યો હતો. તેઓ પૂર્વ ચીનના આ મહાનગરમાં આરામ માટે ગયા હતા એમ સરકાર સંચાલિત દૈનિકે ટૂંકા અહેવાલમાં જણાવ્યું હતું. લી એક સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના(સીપીસી)ના વડા તરીકે ઝી સામે મજબૂત દાવેદાર હતા પરંતુ બાદમાં બે નંબરની સ્થિતિ પર મૂકાયા હતા અને માર્ચ ૨૦૧૩થી માર્ચ ૨૦૨૩ સુધી ચીનના વડાપ્રધાન રહ્યા હતા. પદભાર સંભાળ્યા પછી તેમણે પોતાની પહેલી વિદેશ યાત્રા ભારતની ગોઠવી હતી જે તેઓ ભારતને જે મહત્વ આપતા હતા તે સૂચવે છે.
તે સમયે એવો શિરસ્તો હતો કે ચીન અને ભારતના વડાપ્રધાનો વારાફરતી એકબીજાના દેશની મુલાકાતે જતા હતા. ૨૦૧૩માં ભારતના વડાપ્રધાનનો ચીન જવાનો વારો હતો. પરંતુ લી કેકિઆંગ વડાપ્રધાન બન્યા પછી પોતાની પહેલી વિદેશ યાત્રાના સ્થળ તરીકે તેમણે ભારતને પસંદ કર્યું. જો કે બાદમાં વારા મુજબ મનમોહન સિંહ ચીન ગયા, પરંતુ લી કેકિઆંગે ચીનનો સ્થાપિત શિરસ્તો તોડીને ભારત આવવાની દરખાસ્ત મૂકી તે તેમનું ભારત પ્રત્યેનું ખેંચાણ સૂચવે છે. પરંતુ આના પછી ઝી જિનપિંગે વિદેશી બાબતોનો અખત્યાર પોતાની પાસે લઇ લીધો હતો અને કેકિઆંગને માત્ર સ્લોડાઉનના મોડમાં આવી ગયેલ અર્થતંત્રને હાથ ધરવાનું રહ્યું હતું.
લી કેકિઆંગ એક નિવડેલા અર્થશાસ્ત્રી હતા અને વિશ્વના આ બીજા સૌથી મોટા અર્થતંત્રમાં દાયકાઓના ઉંચા વિકાસદર પછી આર્થિક સ્લોડાઉનની ન્યૂ નોર્મલની સ્થિતિને તેમણે હાથ ધરી હતી. પ્રમુખ જીનપિંગ સાથે તેમના સંબંધો કંઇક તંગ રહ્યા હતા અને છેલ્લા વર્ષોમાં પોતાને કંઇક બાજુએ મૂકી દેવાયેલા અનુભવતા હતા. તેમણે ગયા વર્ષની પરંપરાગત પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે વડાપ્રધાન તરીકે આ મારું છેલ્લું વર્ષ છે.
ગયા વર્ષે સીપીસીની મહત્વની બેઠક પહેલા લીની નિવૃતિની આ જાહેરાત એ બે ટર્મના ધોરણથી વિપરીત સત્તામાં ચાલુ રહેવાના જીનપિંગના નિર્ણયથી પોતાને અલગ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. નિવૃત થયાના થોડા મહિનાઓ પછી તેમનું અવસાન થયું છે. શાસક પક્ષ સીપીસી, કેબિનેટ અને સંસદ દ્વારા જારી કરવામાં આવેલ શ્રદ્ધાંજલિ મુજબ જિનપિંગને સીપીસના એક ઉત્કૃષ્ટ સભ્ય, એક નિવડેલા અને વફાદાર સામ્યાવાદી સૈનિક અને દેશના મહાન નેતા ગણાવાયા પરંતુ તેમની હયાતીમાં તેમને કેવી રીતે બાજુએ મૂકી દેવાયા હતા તે હવે અજાણ્યુ નથી. ચીનના ભૂતપૂર્વ બીજા ક્રમના નેતા લી કેકિઆંગનું અચાનક અને અણધાર્યુ અવસાન થયું તેનાથી ચીનમાં ઘણા લોકોને આઘાત લાગ્યો છે અને સામાન્ય લોકોએ પણ તેમના માટે શ્રદ્ધાંજલિનો ધોધ વહાવ્યો તે સામાન્ય જનતામાં પણ તેમની લોકપ્રિયતા સૂચવે છે.
પ્રમુખ જિનપિંગે બધી સત્તાઓ પોતાની પાસે એકત્ર કરવા માંડતા તેમણે પોતાનો ઘણો પ્રભાવ ગુમાવી દીધો હતો. ગયા ઓકટોબરમાં લીને પક્ષની સ્ટેન્ડિંગ કમિટિમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. નિવૃતિની વિધિવત વય ૭૦થી બે વર્ષ ઓછા હોવા છતાં તેમને પડતા મૂકાયા હતા. ચીનના શાસક પક્ષમાં જિનપિંગના વધતા પ્રભાવ સામે લી કેકિઆંગ ઝાંખા પડવા માંડ્યા હતા. તેઓ વિદ્વાન હતા પરંતુ રાજકીય રીતે જિનપિંગ સાથે ટક્કર લેવાની સ્થિતિમાં કદાચ નહીં હતા. માઓ ઝે ડોંગ પછી ચીનના સૌથી મજબૂત નેતા તરીકે જિનપિંગ ઉપસવા માંડ્યા હતા અને તેમણે વિદેશી બાબતો પોતાના હાથમાં લઇ લીધી પછી લી કેકિઆંગનું ભારત બાબતમાં કશું ઉપજે તેમ ન હતું.
જિનપિંગના શાસનમાં શરૂઆતમાં તો ભારત સાથેના સંબંધો સારા રહ્યા પરંતુ ભારતની વધતી તાકાત કદાચ જિનપિંગને ખૂંચી રહી હતી. તેમણે ચીનને વધુ બળવાન બનાવવાની મહત્વાકાંક્ષાની સાથે વિસ્તારવાદી નીતિ પણ અપનાવી અને લડાખ સરહદે ઉંબાડિયા શરૂ થયા. ૨૦૧૭થી ભારત-ચીન સંબંધો વણસ્યા અને ૨૦૨૦માં તો ખૂબ જ ખરાબ સમયગાળો આવી ગયો જ્યારે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ પણ થયો. આજ દિન સુધી ચીન સાથે ભારતને તનાવ ચાલુ જ છે ત્યારે એમ લાગે છે કે જો લી કેકિઆંગ ચીની પ્રમુખ બનવામાં સફળ રહ્યા હોત તો ભારત-ચીન સંબંધોનું ચિત્ર જ કંઇ જુદું હોત.