‘શોપિંગ’ શબ્દ સાંભળતા જ લગભગ દરેકના કાન સરવા થઈ જતા હોય છે. હાલ દિવાળીના શોપિંગ પાછળ સુરતીઓ ધૂમ ખર્ચો કરી રહ્યા છે. એમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો કોઈ જ પાછળ નથી રહ્યું. મંદીની બૂમ વચ્ચે પણ શોપિંગનો માહોલ જામ્યો છે. જો કે લોકો એવું માને છે કે શોપિંગ એ સ્ત્રીઓનો અતિ પ્રિય શબ્દ છે. સ્ત્રીઓ શોપિંગ પાછળ અતિશય ઘેલી હોય છે પણ એવું કોઈ પ્રમાણ નથી મળતું જે બતાવે કે મહિલાઓ પુરુષો કરતાં વધુ શોપિંગ કરે છે. હા, એ સત્ય છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ શોપિંગને વધુ એન્જોય કરતી હોય છે. ઇંગ્લેન્ડમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પુરુષ 26 મિનિટમાં જ શોપિંગથી બોર થઈ જાય છે જ્યારે મહિલાઓ ઓછામાં ઓછા 2 કલાક થાક્યા વગર શોપિંગ કરી શકે છે.
આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે દર 2 માંથી એક શોપિંગ ટ્રીપમાં કપલ વચ્ચે ઝઘડો થાય છે. 2013માં એક એવો બનાવ પણ બન્યો હતો કે એક બોયફ્રેન્ડે હેરાન થઈને એક શોપિંગ મૉલ પરથી એટલા માટે છલાંગ લગાવી દીધી હતી કે 5 કલાકની મેરેથોન શોપિંગ પછી તેની ગર્લફ્રેન્ડ હજી એક સ્ટોર ચેક કરવા માંગતી હતી. પુરુષો મૉલમાં જાય છે, પ્રોડક્ટ પસંદ કરે છે, પેમેન્ટ કરે છે અને સમય ગુમાવ્યા વગર ઘરે પાછા ફરે છે. જ્યારે સ્ત્રીઓ દરેક સ્ટોરમાં સારી વસ્તુ જોઈને તુલના કરીને બેસ્ટ લેવાની કોશિશ કરે છે.
ખેર આ તો સ્ત્રી-પુરુષોના શોપિંગની શૈલીની વાત થઈ. શોપિંગ આપણને બધાંને કરવું ગમે છે પણ બજેટ મર્યાદિત હોવાથી શોપિંગની એક લિમિટ આવી જાય છે. તો આવા સંજોગોમાં જો લક્ષ્મીદેવી સ્વયં આવીને તમને કહે કે, ‘‘તારે જે શોપિંગ કરવું હોય તે કર મારી કૃપા રહેશે’’ તો તમે શું-શું શોપિંગ કરશો અને શોપિંગ માટે ક્યાં જશો? આ પ્રશ્નો અમે કેટલાક સુરતીઓને પૂછ્યા તો એમના શું જવાબ મળ્યા તે તેમના જ શબ્દોમાં જાણીએ.
ગરીબોને આપવા માટે ચાંદીનાં વાસણો અને કપડાં ખરીદવા છે: વિશાલ જરીવાળા
સિટીલાઈટ વિસ્તારમાં રહેતાં 37 વર્ષીય વિશાલભાઈ જરીવાળા રિબન, બ્રોકેડ અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારી પર લક્ષ્મીદેવી કૃપા વરસાવે તો હું મારા સ્ટાફમાં 140 કર્મચારી છે તેમને આપવા માટે ચાંદીનાં વાસણની ખરીદી કરીશ. હું દર વર્ષે તેમને બોનસ તરીકે કપડાં આપું છું. આ સાથે બીજી વસ્તુઓ પણ તેમને માટે ખરીદીશ. હું 20થી 25 ગરીબ વ્યક્તિઓને ચાંદીનાં વાસણ આપવા માંગું છું. હું મારા પોતાના માટે ગોલ્ડની જવેલરી લઈશ અને મારાં બાળકો તથા પત્નીની જે ડિમાન્ડ હશે તે તમામ વસ્તુઓનું શોપિંગ કરીશ. હું ગરીબો માટે ઘણું બધું કરવા માગું છું જેથી તેઓ પણ લાઈફને સારી રીતે એન્જોય કરી શકે.’’
U.S.A.ના આર્કન્સસમાં વેસ્ટર્ન આઉટફિટ્સનું શોપિંગ કરીશ: ચેરીલબેન દોરાબદારૂવાળા
અડાજણ વિસ્તારમાં રહેતાં 41 વર્ષીય ચેરીલબેન દોરાબદારૂવાળાએ જણાવ્યું કે, ‘‘હું મોટાભાગે શોપિંગ અડાજણમાં જ કરું છું પણ મારી પર લક્ષ્મીદેવી કૃપા વરસાવે તો U.S.A.ના આર્કન્સસમાં જઈને મન ભરાય એટલાં વેસ્ટર્ન આઉટફિટ્સ લઈશ. તદુપરાંત યલો કે રોઝ ગોલ્ડનો ડેલિકેટ નેકલેસ, રિંગ્સ, બ્રેસલેટ લઈશ અને મારા દીકરા ઓમ માટે જીન્સ, કેપ્રી, ટી-શર્ટ, ‘ટ્રાઉઝર્સની અને દીકરી પરા માટે પણ વેસ્ટર્ન આઉટફિટ્સનું શોપિંગ કરીશ. 2006માં રેલ આવેલી હતી ત્યારે અમારા ઘરમાં 7 થી 8 ફૂટ જેટલું પાણી ભરાયું હતું એમાં મારા મેરેજની 7 થી 8 હેવી સાડી ખરાબ થઈ હતી જે પહેરવાલાયક નહોતી રહી એટલે હું હેવી સિલ્કની સાડી, વર્કવાળી સાડી, કોટન, જ્યોર્જેટ અને સિલ્કની બાંધણીની સાડી અને પટોળા સાડીઓનું શોપિંગ પણ કરીશ.’’
365 દિવસ માટે 365 ગોગલ્સનું શોપિંગ કરીશ: ચેતન ખીલાવાળા
નવાગામ-ડીંડોલી વિસ્તારમાં રહેતાં 39 વર્ષીય ચેતનભાઈ ખીલાવાળા ટેક્સટાઇલ રિલેટેડ કંપનીમાં માર્કેટિંગમાં જોબ કરે છે. તેમણે જણાવ્યું કે, ‘‘મને ગોગલ્સ પહેરીને ઍટ્રેકટીવ દેખાવું બહુ ગમે છે. જો મારી પર લક્ષ્મીદેવી કૃપા વરસાવે તો હું રોજ નવા ગોગલ્સ પહેરવા માટે 365 દિવસના 365 ગોગલ્સ ખરીદીશ અને કમસે કમ 6થી 8 જીન્સ અને 12 થી 15 ટી-શર્ટ ખરીદીશ. મને ગોલ્ડનો શોખ નથી પણ મારી વાઈફ સીમાને ગોલ્ડ જવેલરી પહેરવાનો ખૂબ શોખ છે તેને હું દુબઇ લઈ જઈશ અને ત્યાં તેના માટે સોનાના બ્રેસલેટ સહિત ગોલ્ડનું શોપિંગ કરીને તેને ખુશ કરીશ અને એ રીતે પતિધર્મ નિભાવીશ. મને ક્રિકેટર એમ. એસ. ધોની, સચિન તેંડુલકર ગમે છે. જો સચિન તેંડુલકર પોતાના બેટની હરાજી કરે તો હું તે બેટ ખરીદવાનું પસંદ કરીશ. મારી પર લક્ષ્મીદેવીની કૃપા થાય તો હું ઘણું મન ભરીને શોપિંગ કરીને તમામ ઇચ્છાઓની પૂર્તિ કરીશ.’’
મારો લકી નંબર સાત હોવાથી 7 ડાયમંડ અને ગોલ્ડની રિંગનું શોપિંગ કરીશ: ટીનાબેન જરીવાળા
અલથાણમાં રહેતાં 36 વર્ષીય મહેંદી આર્ટિસ્ટ ટીનાબેન જરીવાળાએ જણાવ્યું કે, ‘‘મને શોપિંગનો બહુ શોખ છે. હું મહિને 2થી 3 વખત શોપિંગ કરું છું. મારો મૂડ જ્યારે ઑફ હોય ત્યારે મૂડ ઠીક કરવા શોપિંગ કરવાનું પસંદ કરું છું. હવે દિવાળી પહેલાં લક્ષ્મીદેવી મારા પર કૃપા વરસાવતા મારો લકી નંબર 7 હોવાથી હું ડાયમંડ અને ગોલ્ડની 7 રિંગ લઈશ. મને કાંજીવરમ અને બનારસી તથા લિનનની સાડી બહુ જ ગમતી હોવાથી આ સાડીઓનું શોપિંગ અચૂક કરીશ. આ ઉપરાંત મારા હસબન્ડ દેવેશ માટે બ્રાન્ડેડ શર્ટ, ટી-શર્ટ, જીન્સ ખરીદીશ. હું દુબઈ જઈને ત્યાંના મોટા-મોટા શોપિંગ મૉલમાં બ્રેસલેટ, રિંગ, ડેલીકેટ 18 કેરેટની ચેન લઈશ પણ ત્યાંથી તમે પહેરી શકો એટલી જ જવેલરી લાવી શકો એટલે એટલા પૂરતી ગોલ્ડ જવેલરી ખરીદીશ.’’
હું તો નીતા અંબાણી જેવી 40 લાખની સાડીનું શોપિંગ કરીશ: રિદ્ધિબેન શાહ
સચિન વિસ્તારમાં રહેતાં 34 વર્ષીય રિદ્ધિબેન શાહ વ્યવસાયે સી. એ. છે. તેમણે જણાવ્યું કે, ‘‘આકાશ અંબાણીના મેરેજના એક ફંકશનમાં નીતા અંબાણીએ 40 લાખ રૂપિયાની કિંમતની સાડી પહેરી હતી. જેમાં સોનાના તાર જડેલા હતા અને નીલમ, રૂબી, પોખરાજ, પર્લ અને કેટ આઈ જેવા ડાયમંડ પણ જડેલા હતાં. લક્ષ્મીદેવી મારી પર કૃપા વરસાવે તો હું ફર્સ્ટ તો અદ્દલ આવી જ સાડીનું શોપિંગ કરું. આ ઉપરાંત રોઝ ગોલ્ડની જવેલરી અને પ્લેટીનમની રિયલ ડાયમંડ સાથેની રિંગ ખરીદી લઈશ કેમ કે મને પ્લેટીનમની જવેલરી બહુ ગમે છે. થોડાક દિવસ પહેલાં હું મુંબઈમાં વાલકેશ્વર ગઈ હતી ત્યારે મેં મારા 6 વર્ષના દીકરા રિધાનને લેમ્બોર્ગીની કારને એકીટશે નિહાળતા જોયો હતો એટલે હું મારા દીકરા માટે આ કાર લઈશ. 2023માં મારા મેરેજને 10 વર્ષ પૂરાં થશે ત્યારે મેરેજ એનિવર્સરી પર મારા હસબન્ડ પાર્થ અને દીકરાની સાથે પેરીસ જવા માંગું છું કેમ કે હું ફ્રેન્ચ શીખી છું એટલે ત્યાંના લોકો સાથે ફ્રેંચ ભાષામાં વાત કરવા માગું છું. હસબન્ડ સાથે પેરિસની ગલીઓમાં ફરીને તેમના માટે ખૂબ શોપિંગ અને મારા દીકરા માટે એનો આખો રૂમ ભરાય જાય એટલાં બધાં ટોયઝ ખરીદીશ. મારા હસબન્ડ ડૉક્ટર છે એટલે તેમના માટે સુરતની સૌથી ગ્રેન્ડ હોસ્પિટલ અને મારા માટે વેસુમાં સી.એ. ફર્મ બનાવીશ. આ બધાં જ મારાં સપનાંને લક્ષ્મીદેવીની કૃપા મળતા ફુલફીલ કરીશ.’’
જેગુઆર કાર ખરીદવાની મારી બાળપણની ઈચ્છા પૂરી કરીશ:ભાવેશભાઈ દમવાળા
રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતાં 38 વર્ષીય ભાવેશભાઈ દમવાળા યાર્ન કલેક્શન મેનેજર છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારી બાળપણથી જેગુઆર કાર ખરીદવાની ઈચ્છા છે. લક્ષ્મીદેવી મારી પર કૃપા કરે તો હું મારી આ ઈચ્છાને પૂરી કરીશ. જ્યારે હું જેગુઆર કારમાં જઇ રહ્યો હોઈશ ત્યારે લોકો મને અને કારને વળી-વળીને જોશે ત્યારે મને રાજા-મહારાજા જેવી ફીલિંગ આવશે. મારું એક બીજું સપનું વેસુ વિસ્તારમાં લકઝુરિયસ ફ્લેટ ખરીદવાનું છે. લક્ષ્મીમાતાની કૃપા થતાં હું આ સપનું પણ પૂરું કરીશ. મારી વાઈફ ચૈતાલી માટે હું ગોલ્ડ જવેલરી ખરીદીશ. સેલેરી ઇનફ નથી લાગતી એટલે લક્ષ્મીમાતાની કૃપા થતાં આ સપનાં ઝટ પૂરાં કરી શકીશ. ગરીબ બાળકોને અભ્યાસ માટે પુસ્તકો પણ ખરીદીને આપીશ.’’
5000 ફેન્સી દીવાનું શોપિંગ કરીશ : તેજપાલસિંઘ વાલિયા
વેસુમાં રહેતાં 50 વર્ષીય તેજપાલ સિંઘ વાલિયા રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘લક્ષ્મીદેવીની કૃપા મારી પર થશે તો હું ખુલ્લા બજારમાંથી શોપિંગ કરીશ. દિવાળીને લઈને હું ફૂટપાથ પર દીવા વેચતા નાના વેપારી પાસેથી 5 હજાર દીવડા ખરીદીને હું જ્યાં રહું છું એ બિલ્ડીંગને દીવાથી પ્રકાશિત કરીશ. લકઝુરિયસ ફાર્મ હાઉસ, લકઝુરિયસ ફ્લેટ ખરીદીશ. કેનેડામાં જઈને કપડાં, વોલેટ, પરફ્યુમનું શોપિંગ કરીશ. મારા મોટા દીકરા હરમિત સિંઘને બ્રાન્ડેડ શૂઝ પહેરવાનો શોખ છે એટલે તેના માટે 365 દિવસના 365 શૂઝનું શોપિંગ કરવા માગું છું જ્યારે મારા નાના દીકરા નવતેજને કહીશ કે તને જે ગમે તે બધું જ હું લાવી આપીશ તથા મારી વાઈફ નવદીપ કૌરને ડાયમંડના ઓર્નામેન્ટ્સ બહુ જ ગમે છે એટલે તેના માટે ડાયમંડનો નેકલેસ લઈશ.’’
સ્વિત્ઝર્લેન્ડમાંથી પર્સ અને દુબઈથી ગોલ્ડ જવેલરીનું શોપિંગ કરીશ: શ્વેતાબેન મોહન
પાલ-અડાજણ વિસ્તારમાં રહેતાં 41 વર્ષીય ટેરો કાર્ડ રીડર શ્વેતાબેન મોહને જણાવ્યું કે, ‘‘મને શોપિંગ કરવું બહુ જ ગમે છે. મને નવું ઘર લેવાની ખૂબ ઈચ્છા છે. લક્ષ્મીદેવીની કૃપા થઈ તો હું ઘણી બધી વસ્તુઓનું મારા માટે, દીકરી માટે અને હસબન્ડ માટે શોપિંગ કરવા માંગું છું. તેમણે જણાવ્યું કે હું ફર્સ્ટ તો મારી ફેમિલી સાથે સ્વિત્ઝર્લેન્ડ અને દુબઈ ફરવા જઈશ. ત્યાંથી પર્સનું શોપિંગ કરીશ અને દુબઈમાં ગોલ્ડ જવેલરીનું શોપિંગ કરીશ. મને ખાસ તો ડાયમંડ રીંગ ગમે છે હું 5 આંગળી માટે 5 ડાયમંડ રિંગ ખરીદવા માંગું છું. મને રિંગ એટલા માટે ગમે છે કે તેને આપણે આપણી આંગળી પર જોઈ શકીએ છીએ જ્યારે આપણે પહેરેલી અન્ય જવેલરી બીજા લોકો જોઈ શકે છે પણ આપણે પોતે નથી જોઈ શકતા. માત્ર મિરરમાં જોઈ શકીએ છીએ. મારી ડોટર મિત્રાશિતાને બુકરીડિંગ બહુ ગમે તેણે ઘણી બધી બુકોનું કલેક્શન કરેલું છે. હું મારી ડોટર માટે હજી પણ બુકનું કલેક્શન કરી આપવા માંગું છું એટલે પુસ્તકો ખરીદીશ. મારા હસબન્ડ વિવેક મોહનને પણ ડાયમંડ જવેલરી ગમે છે. એમને સ્પોર્ટસ કાર પણ ગમે છે તેમને માટે સ્પોર્ટસ બાઇક અને બુલેટ પણ ખરીદવા માંગું છું.’’